Abtak Media Google News

જસદણ વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતાના કારણે મંગળવારે મળેલા જનરલ બોર્ડમાં પેન્ડિંગ રખાયેલી દરખાસ્ત અને પ્રશ્નોતરીની કાર્યવાહી હાથ ધરાશેટ

રાજકોટ મહાનગરપાલિકામાં ગત મંગળવારે મળેલી જનરલ બોર્ડની બેઠક જસદણ વિધાનસભાની પેટાચુંટણીની આચારસંહિતા અમલમાં હોવાના કારણે માત્ર વંદે માતરમ્ના ગાન પુરતી સીમીત રહી હતી. એક પણ દરખાસ્ત પણ નિર્ણય લઈ શકાયો નહતો કે નગરસેવકોના પ્રશ્નો પર ચર્ચા થઈ શકી ન હતી. દરમિયાન આગામી સોમવારે સવારે ૧૧:૦૦ કલાકે મેયર બીનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને મહાપાલિકામાં ખાસ બોર્ડ બેઠક મળશે જેમાં નગરસેવકોના પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવશે.

આ અંગે વિધિવત એજન્ડા પ્રસિઘ્ધ કરી દેવામાં આવ્યો છે. જેમાં જનરલ બોર્ડની મીટીંગના પરીપત્ર નં.૨૧ના કામો માટે મંગળવારે મળેલી બોર્ડ બેઠકમાં કામગીરી પેન્ડીંગ રહી હતી જે કામો લક્ષમાં લઈ નિર્ણય લેવામાં આવશે. મંગળવારે મળેલી બોર્ડ બેઠકમાં જસદણ વિધાનસભા બેઠકની પેટાચુંટણીની અમલવારીના કારણે કોઈ નિર્ણય લઈ શકાયો ન હતો. આ બેઠકમાં ભાજપના ૧૩ નગરસેવકોએ ૨૩ અને કોંગ્રેસના ૨૪ નગરસેવકોએ ૫૬ પ્રશ્ર્નો રજુ કર્યા હતા. કુલ ૩૭ નગરસેવકોના ૬૯ પ્રશ્નો પર ચર્ચા થવાની હતી જે થઈ શકી ન હતી. સામાન્ય રીતે જયારે ખાસ બોર્ડ બોલાવવામાં આવતું હોય છે ત્યારે પ્રશ્નોની ચર્ચા થતી હોતી નથી માત્રને માત્ર દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવતો હોય છે પરંતુ સોમવારે મેયર દ્વારા બોલાવવામાં આવેલા ખાસ બોર્ડના એજન્ડામાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગત બોર્ડમાં પેન્ડીંગ રહેલા કામો અંગે નિર્ણય લેવો જેથી સોમવારે મળનારી જનરલ બોર્ડની બેઠકમાં નગરસેવકોના પ્રશ્નો અંગે ચર્ચા થશે.

મંગળવારે પેન્ડીંગ રહેલા બોર્ડમાં ભાજપના નગરસેવકોએ સભાગૃહની બહાર જ પક્ષની સંકલન બેઠકમાં હાજરી પત્રકમાં હાજરી પુરી લેતા કોંગ્રેસે સતત અઢી કલાક સુધી સભાગૃહમાં હંગામો મચાવ્યો હતો અને ધરણા કર્યા હતા. આગામી સોમવારે મળનારી ખાસ બોર્ડમાં ઓનલાઈન પેમેન્ટમાં વળતર આપવા, મેડિકલ ઓફિસર (આયુર્વેદ)ની હંગામી જગ્યાને કાયમી સેટઅપમાં સમાવવા, આરોગ્ય શાખાના અધિકારી, નાયબ અધિકારી, મેડિકલ ઓફિસરની વયમર્યાદા ૫૮ વર્ષથી વધારી ૬૨ વર્ષ કરવા, કાર્પેટ એરિયા આધારીત વેરા પઘ્ધતિના નિયમમાં ફેરફાર કરવા સહિતની અલગ-અલગ ૧૧ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

વોર્ડ નં.૧માં પાણી ચોરી કરતા ત્રણને નોટિસ

મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધી પાનીના આદેશ બાદ વોટર વર્કસ શાખા દ્વારા ગેરકાયદે નળ જોડાણ અને ડાયરેક પમ્પીંગ કરતા આસામીઓને ત્યાં ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે શહેરના વોર્ડ નં.૧માં આવેલા જીવંતિકા પાર્ક અને કષ્ટભંજન મેઈન રોડ સહિતના એરીયાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જીવંતિકા પાર્ક શેરી નં.૩માં જેન્તીભાઈ વાઘેલા, કષ્ટભંજન મેઈન રોડ પર મહેન્દ્રભાઈ ગોહિલ અને હિતેષભાઈ નામના ત્રણ આસામીઓ ઈલેકટ્રીક મોટર મુકી ડાયરેક પમ્પીંગ કરતા પકડાયા હતા જેઓને નોટિસ ફટકારવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.