Abtak Media Google News

ગીર સોમનાથ જિલ્લાના ઉનાથી કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાનો આરંભ કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી: જિલ્લાના ૧૦૯ ગામના ખેડૂતોને દિવસે વીજ પુરવઠો મળશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉના ખાતે બીજા તબક્કામાં ગીર સોમનાથ જિલ્લાના ૧૦૯ ગામ માટે કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવી કહ્યુ કે, ર૪ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ વડાપ્રધાન દ્વારા ગીર સોમનાથ જિલ્લાના ૧૪૩ ગામ માટે કિસાન સૂર્યોદય યોજના કાર્યરત કરવામાં આવી હતી.  મુખ્યમંત્રીએ બીજા તબક્કામાં રાજ્યના ૧૨ જિલ્લા અને ૬૪ તાલુકાના ૧૧૪૬ ગામનો સમાવેશ કરાયો છે. અગાઉ પ્રથમ તબક્કામાં ૪ જિલ્લાના ૧૦૫૫ ગામને કિસાન સૂર્યોદય યોજનાનો લાભ મળી ચૂક્યો છે. આવનારા દિવસોમાં કિસાન સૂર્યોદય યોજના થકી ખેડૂત વધુ સમૃદ્ધ બનશે તેમ ઉમેર્યુ હતું.મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ હતું કે, ગુજરાત ભારતનું રોલ મોડેલ છે. છેલ્લા બે દાયકાથી વિવિધ પ્રોજેક્ટ દ્વારા ગુજરાત વિકાસનો પર્યાય પુરવાર થયું છે. મુખ્યમંત્રીશ્રીએ આ તકે જ્યોતીગ્રામ યોજનાની સિદ્ધી વર્ણવી ઉમેર્યુ કે, નવા વર્ષના આરંભે ખેડૂતો માટે કિસાન સૂર્યોદય યોજનાની શુભ શરૂઆત કરી છે.  પાણી-વીજળી એ ખેડૂતની તાકાત છે. રાજ્ય સરકારે પાણી વીજળી માટે સંનીષ્ઠ પ્રયત્નો કર્યા છે. આવનારા દિવસોમાં કિસાન સૂર્યોદય યોજના થકી ખેડૂત બમણી આવક મેળવશે, વધુ સમૃદ્ધ બનશે. ખેડૂતો પોતાની જમીનમાં સોલાર વીજ પ્રોજેક્ટ શરૂ કરી અન્નદાતા હવે ઉર્જાદાતા પણ બની શકે છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીએ ગૌરવ પૂર્વક જણાવ્યુ હતું કે, અગાઉની સરકારે ખેડૂતો માટે ક્યારેય રાહત પેકેજ જાહેર નથી કર્યા. જ્યારે ગયા વર્ષે અમારી સરકારે અતિવૃષ્ટિમાં ૩૭૦૦ કરોડનું પેકેજ આપ્યુ હતુ. સૌરાષ્ટ્રના તમામ જિલ્લા તાલુકા અને ગામડાના ખેડૂતોને પેકેજના પૈસા સીધા ખાતામાં જમા થયા હતા. સૌરાષ્ટ્રના ખેડૂતોને પાણી, વીજળી મળે તો દુનીયાની ભૂખ ભાંગવાની તાકાત છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ.

કાર્યક્રમના પ્રારંભે પી.જી.વી.સી.એલ.ના ચીફ ઇજનેર જે.જે.ગાંધીએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. કિસાન સૂર્યોદય યોજનાના પ્રારંભ પ્રસંગે સાંસદ રાજેશભાઇ ચુડાસમા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રૈયાબેન જાલંધ્રા, જી.યુ.વી.એન. એલ.ના એમ.ડી. શાહમીના હુશૈન, પી.જી.વી.સી.એલ.ના એમ.ડી. શ્વેતા ટીવેટીયા, પૂર્વ મંત્રી જશાભાઇ બારડ, પૂર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડ, ગોવિંદભાઇ પરમાર, જેઠાભાઇ સોલંકી, રાજશીભાઇ જોટવા, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમાર, અગ્રણી ઝવેરીભાઇ ઠકરાર, હરીભાઇ સોલંકી,  જૂનાગઢ રેન્જ આઇ.જી. મનીન્દરસિંઘ પવાર, જિલ્લા કલેક્ટર અજય પ્રકાશ, જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી સહિત અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની આભારવીધી નાયબ કલેક્ટર જે.એમ.રાવલે કરી હતી.

મુખ્યમંત્રી દિવ્યાંગ ચિત્રકાર બાળકીને મળી થયા આનંદવિભોર

Divya 1

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉના ખાતે કિસાન સૂર્યોદય યોજનાના લોકાર્પણ પ્રસંગે  ઉનાની દિવ્યાંગ બાળકીની મુલાકાત લઇ તેણીએ બનાવેલ ચિત્રો જોઇને આનંદ વિભોર થયા હતા. ઉના શહેરના શાસ્ત્રીનગરમાં રહેતી અને દિવ્યાંગ બાળકી દિવ્યા પરેશભાઈ ગોસાઈ કે જેમને ચિત્ર બનાવવાનો શોખ છે અને છેલ્લા પાંચ વર્ષથી ચિત્ર બનાવે છે. દિવ્યાએ રાજ્ય સરકારની જિલ્લાકક્ષાની ચિત્ર સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ નંબર મેળવ્યો છે અને હવે તારીખ ૧૨ જાન્યુઆરીના રોજ રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધામાં ભાગ લેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.