નશીલા પદાર્થનાં કેસમાં મુદામાલ હાથવગો ન થાય તો પણ ગુનો બને છે

પોલીસ માટે ડ્રગ્સ રેકેટ તોડવુ શકય

કેરળ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો: મુદામાલનાં અભાવે આરોપીને જામીન મુકત કરી શકાય નહીં

પોલીસ ડિપાર્ટમેન્ટ માટે તમામ કેસોની સાપેક્ષે નાર્કોટીક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપીક સબસ્ટેન્શીસ એકટ એટલે કે એનડીપીએસનાં કેસ કરવા માથાના દુખાવા સમાન હોય છે. આ પ્રકારનાં નશીલા પદાર્થ અંગે ઠોસ કાર્યવાહી કરવા પોલીસ ડિપાર્ટમેન્ટમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) કાર્યરત હોય છે.  ગમે તે પ્રકારનાં નાર્કોટીકસ્ટનાં કેસમાં જયારે આરોપી અથવા શંકાસ્પદ વ્યકિત અંગે તમામ પ્રકારની શંકાસ્પદ પ્રવૃતિઓનાં પુરાવા હોવા છતાં મુદામાલ નહીં હોવાને કારણે પોલીસ એફ.આઈ.આર કરી શકતું નથી જેના કારણે સમાજમાં નશીલા પદાર્થનું દુષણ ફેલાવતા રાક્ષસો ખુલ્લેઆમ રખડતા હોય છે જયારે તંત્ર મજબુર બની જતું હોય છે. આ અંગે કેરેલા હાઈકોર્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરી નશીલા પદાર્થનાં કેસમાં મુદામાલ હાથવગો ન થાય તો પણ ગુનો બને છે તે પ્રકારનો નિર્ણય કરાતા આગામી દિવસોમાં તંત્ર માટે આ નિર્ણય આશીર્વાદરૂપ સાબિત થશે.

કેરેલા હાઈકોર્ટમાં એનડીપીએસ કેસમાં આરોપી પાસેથી કોઈપણ મુદામાલ નહીં મળતા આરોપીએ આગોતરા જામીન માટે અરજી કરી હતી. આરોપીએ  એનડીપીએસ એકટ ૧૯૮૫ની કલમ ૨૨ સી, ૨૮ અને ૨૯ હેઠળ મુદામાલનાં અભાવે આગોતરા જામીનની અરજી કરી હતી. આરોપી તરફી ન્યાયમંદિરમાં દલીલ કરાઈ હતી કે, રેડ દરમિયાન આરોપી પાસેથી કોઈપણ પ્રકારનો મુદામાલ મળી આવ્યો નથી જેથી આરોપીની સક્રિય ભૂમિકા નહીં હોવાનું પુરવાર થાય છે. પડકારજનક કેસ અરજીને ધ્યાનમાં લેતા ન્યાયમૂર્તિ આર.નારાયણ પીશાર્દીએ આ મામલામાં કહ્યું હતું કે, આગોતરા જામીન માટે મુખ્ય બે મુદા ધ્યાને લેવા અતિઆવશ્યક છે. પ્રથમ મુદ્દો એ છે કે, આરોપીને નિર્દોષ છોડવા માટે વ્યાજબી કારણો છે કે કેમ ? તેમજ બીજો મુદ્દો એ છે કે જામીન મળ્યા બાદ આરોપી ફરીવાર આ પ્રકારનો ગુનો આચરશે નહીં તેની સંભાવના કેટલી ? આ બે શરતોના સંતોષકારક જવાબ મળ્યા બાદ જ અદાલત આરોપીને જામીનમુકત કરવાની સત્તા ધરાવે છે.

અદાલતે કહ્યું હતું કે, આ પ્રકારનાં કેસમાં જો આરોપી પક્ષેથી બંને મુદાઓમાંથી જો કોઈ એક મુદા અંગે સ્પષ્ટ કારણ કે બાંહેધરી આપવામાં નિષ્ફળ નિવડે તો જામીન અરજી મંજુર કરી શકાય નહીં. આ બંને શરતો વૈકલ્પિક નહીં પરંતુ એકંદર છે. જો આ બંને શરતોમાંથી કોઈપણ બાબતમાં સંતોષ ન થાય તો આરોપીને જામીન મુકત કરી શકાતા નથી. ન્યાયાધીશે વધુમાં ઉમેર્યું હતું કે, આરોપી દોષિત છે કે કેમ તે અંગે વ્યાજબી આધાર પુરાવા હોવા અતિઆવશ્યક છે. ઉપરોકત બાબતમાં બંને પાસાઓ પર સંતોષની નોંધણીની કલમ ૩૭-બી હેઠળ જામીન આપવા યોગ્ય નથી.

અદાલતે મામલામાં સ્પષ્ટતા કરી હતી કે, અનેકવિધ અવલોકન પરથી કહી શકાય કે, સેશન્સ કોર્ટ આ પ્રકારનાં કેસમાં આ બંને બાબતોને ધ્યાનમાં લઈ કલમ ૩૭ (૧-બી)ની ખરાઈ કર્યા બાદ જ કોઈપણ પ્રકારનો નિર્ણય આપી શકે તેમજ જો આ બંને શરતોનું પાલન ન થતું હોય તો અદાલત આરોપીનાં જામીન અરજી નામંજુર કરવાની સત્તા ધરાવે છે. આગામી દિવસોમાં એનડીપીએસનાં કેસમાં જે રીતે મુદામાલ હાથવગો નહીં થતા સમાજમાં ડ્રગ્સનું દુષણ વધારતા ડ્રગ્સ માફીયાઓ ખુલ્લેઆમ ફરી શકશે નહીં.

હાલ સુધી પોલીસ તંત્રને આરોપી અંગે તમામ બાતમી હોવા છતાં, પુરાવાઓ હોવા છતાં મુદામાલ નહીં હોવાથી કોઈપણ જાતની કાર્યવાહી કરી શકાતી ન હતી પરંતુ જો આ ચુકાદાને ધ્યાને રાખી આગામી દિવસોમાં એનડીપીએસનાં કેસમાં અમલી બનાવવામાં આવે તો ચોકકસ ડ્રગ્સનું દુષણ ફેલાવતા રાક્ષસોને પોલીસ સરળતાથી નાથી શકશે. હાલનાં સમયમાં એનડીપીએસનાં કેસ કરવા પોલીસ તંત્ર માટે ખુબ જ પડકારજનક હોય છે કેમ કે તમામ લાગતા વળગતા પુરાવાઓની સાથે સાથે મુદામાલ પણ રજુ કરવા ખુબ જરૂરી હોય છે જેથી તંત્ર માટે આ કેસ પડકારજનક સાબિત થતો હોય છે અને ડ્રગ્સનાં કેરીયર્સ ખુલ્લેઆમ છુટા ફરતા હોય છે પરંતુ જો જામીન અરજીમાં આ તમામ પાસાઓને ધ્યાને લેવામાં આવે તો પોલીસ તંત્ર સરળતાથી ડ્રગ્સ રેકેટનાં કેસ કરી શકશે તેમજ મુદામાલ ન હોય તો પણ પોલીસ તંત્ર ગુનો નોંધી આરોપી વિરુઘ્ધ કાર્યવાહી કરી શકશે.

Loading...