Abtak Media Google News

વેન્ટિલેટર, પી.પી.ઈ કીટ સીલ સીલિંગ મશીન, સેનેટાઇઝર જેવા મેડિકલ સપોર્ટીંગ સાધનોના નિર્માણમાં અગ્રેસર

રાજકોટ શહેર અને શાપર તથા મેટોડા જી.આઈ.ડી.સી. વિશ્વભરમાં એંજિન્યરિંગ પ્રોડક્ટ્સ અને પાર્ટ્સ મેન્યુફેક્ચરિંગ માટે ખાસ્સી જાણીતી છે. અહીંથી કોમ્પ્યુટરાઇઝ્ડ ન્યુમેરિકલ કંટ્રોલ (સી.એન.સી.) મશીનો તથા ઓટોમોબાઇલ પાર્ટ્સ,  દેશ વિદેશની નામી કંપનીઓમાં સપ્લાય કરવામાં આવે છે. સમગ્ર દેશમા આજે લોકડાઉન સ્થતિ છે ત્યારે પણ રાજકોટના કેટલાક ઔદ્યોગિક એકમો  કોરોનાના કહેર વચ્ચે પણ કામે લાગ્યા હતાં અને પોતાના આગવા કૌશલ્ય વડે મેડિકલ સપોર્ટિંગના સાધનોના ઉત્પાદનમાં અગ્રેસર રહ્યાં છે. જેના ઉદાહરણરૂપે સ્વદેશી વેન્ટીલેટર, પી.પી.ઈ. કીટ સીલ સીલિંગ મશીન, સેનેટાઇઝર જેવા મેડિકલ સપોર્ટીંગ સાધનો ઓછા ખર્ચે-સસ્તા અને કાર્યક્ષમ બનાવ્યા છે. કોરોનાના ફર્સ્ટ વોરિયર સમા મેડીકલ સ્ટાફને વિશેષ મદદ પહોંચાડી છે.

કોરોનાના ગંભીર દર્દીઓને ખાસ કીસ્સામાં કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવા માટે વેન્ટિલેટર્સની જરૂર પડે છે, જેની મોટી સંખ્યામાં માંગ હોઈ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના દિશાનિદર્શનથી જ્યોતિ સી.એન.સી. ના પરાક્રમસિંહ જાડેજાએ વેન્ટિલેટર્સ બનાવવા બીડુ ઝડપ્યું. માત્ર ૧૦ દિવસના ગાળામાં ૨૬ જેટલી નાની મોટી ઇન્ડસ્ટ્રીઝની મદદથી ધમણ  ૧ નામનું સૌપ્રથમ સ્વદેશી વેન્ટિલેટર બનાવવમાં આવ્યું. અમદાવાદ ખાતે  ધમણ  ૧ વેન્ટિલેટરના પરીક્ષણ બાદ  તેને મંજૂરી આપવામાં આવી હતી. ત્યાર બાદ જ્યોતિ સીએનસી દ્વારા તેનું જથ્થાબંધ ઉત્પાદન શરુ કરાયું હતું.

તા. ૧૮ એપ્રિલના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વિડીયો કોન્ફરન્સ ઉપસ્થિતિમાં રાજકોટ કલેકટર કચેરી ખાતે  કલેકટર રેમ્યા મોહનને પ્રતીકરૂપે  ધમણ  ૧ વેન્ટિલેટર જ્યોતિ સીએનસીના સીઈઓ પરાક્રમસિંહ જાડેજાએ અર્પણ કર્યું હતું. માત્ર ૧૨ દિવસમાં પ્રથમ ૧૦૦ વેન્ટિલેટર્સ તૈયાર કરી ગુજરાત સરકારને સોંપવામાં આવ્યા હતાં. મહત્વની વાત એ છે કે માત્ર એક લાખ રૂા. ની કિંમતમાં ધમણ – ૧ વેન્ટિલેટર્સ તૈયાર કરી જ્યોતિ સી.એન.સી દ્વારા રાજ્ય સરકારને ૧૦૦૦ જેટલા વેન્ટિલેટર્સ નિ:શુલ્ક આપવમાં આવનાર છે.

Pee Kit

ડોક્ટર્સ તેમજ પેરામેડિકલ સ્ટાફને દર્દીઓની સારવાર દરમ્યાન પી.પી.ઈ. કીટ પહેરવી અત્યંન્ત આવશ્યક છે. આ કીટ તૈયાર થયા બાદ પી.પી.ઈ. કીટને સીમ સીલિંગ જરૂરી હોઈ સમગ્ર દેશમાં રાજકોટ ખાતે પ્રથમ હોટ એર સીમ સીલિંગ મશીન ચાયના અને કોરિયા કરતા અડધી કિંમતે એટલે કે લગભગ રૂ. ૪ લાખમાં જ મેક પાવર સી,એન,સી, રાજકોટ દ્વારા  તૈયાર કરવામાં આવ્યું છે. જેનું લોન્ચિંગ પણ મુખ્યમંત્રી દ્વારા વિડીયો કોન્ફ્રન્સિંગથી તા. ૧૧ મેંના રોજ રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતુ. પી.પી.ઈ કીટને ૧૦૦ % જંતુ મુક્ત કરવા તેની સિલાઈને યોગ્ય રીતે સીલિંગ કરવું જરૂરી છે. યોગ્ય તાપમાને ખાસ ટેપ દ્વારા તેને સીલ કરવા ખાસ મશીન રાજકોટ ખાતે નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રતિ માસ ૨૦૦ જેટલા મશીનના ઉત્પાદન સાથે સમગ્ર ભારતમાં પી.પી.ઈ કીટ નિર્માતાઓને આ મશીન ખાસ મદદરૂપ બનશે અને મેડિકલ સ્ટાફને સંપૂર્ણ સુરક્ષા મળી રહેશે.

ટ્રેકટર ઉત્પાદનમાં રાજકોટની શાપર સ્થિત પ્રખ્યાત શક્તિમાન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કોરોના મહામારીના પ્રારંભે ખાસ સ્પ્રેયરરોબોટ તૈયાર કરવમાં આવ્યો હતો. તીર્થ એગ્રો ટેકનોલોજી પ્રા. લી. તરફથી પ્રોટેક્ટર ટાઈપના હાઈ ક્લીયરન્સ બુમ સ્પ્રેયરનું નિર્માણ કરી રાજકોટ મહાનગરપાલિકાને કુલ ૧૮ નંગ વિનામુલ્યે ઉપયોગ અર્થે આપવામાં આવ્યા છે. આ મશીનની સ્પ્રે ટેન્ક કેપેસિટી ૪૦૦ થી ૬૦૦ લીટરની છે. તથા ફ્યુઅલ ટેન્ક કેપેસિટી ૨૦ લીટરની છે. આ મશીનથી ૧૬ સ્પ્રેયીંગ નોઝલની મદદ વડે ૩૬૦ ડીગ્રીના  વિસ્તારમાં પ્રતિ કલાક ૫ કી.મી.ની ઝડપથી રસ્તા પર દવા છંટકાવ કરી શકાય છે.

રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી વિવિધ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આરોગ્યલક્ષી ઉત્પાદનો કોરોના સામેના યુદ્ધમાં સફળતાપૂર્વક કામગીરી આપી રહ્યા છે. આવનારા સમયમાં રાજકોટ ખાતે એન ૯૫ માસ્કના ઉત્પાદન માટે પણ મશીનરી તૈયાર કરવાના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. વિશ્વભરમાં ભારત દેશના સાધનોની માંગ ઉભી થઈ રહી છે ત્યારે પ્રધાનમંત્રીના મેક ઈન ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવામાં ગુજરાતીઓ એકે હજાર સાબિત થઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.