રાજકોટમાં પતિએ પત્નીને કાર હેઠળ કચડવાનો પ્રયાસ કર્યો

પ્રેમલગ્ન કરનાર યુવાને ધમકી આપતા રિસામણે રહેલી પરિણીતા પોલીસને અરજી આપી ઘરે પરત ફરતી વેળાએ મારી નાખવાનો કર્યો પ્રયાસ

શહેરની સાધના સોસાયટીમાં બુધવાર સાંજે રિસામણે બેઠેલી પત્નીના એક્ટિવા પાછળ પતિએ પોતાની કારની ઠોકરે કચડી નાખવાનો પ્રયાસ કરી પત્ની અને તેના મામાના પુત્રને ઘાયલ કરી દીધા હતા. બનાવ અંગે ભક્તિનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવ અંગે સાધના સોસાયટી-૬માં રહેતી પૂજા વિશાલ સખિયા નામની પરિણીતાની ફરિયાદ પરથી શનેશ્વરપાર્ક-૨માં રહેતા પતિ વિશાલ રમેશભાઇ સખિયા સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એસ.એસન જાડેજાએ આઇપીસી ૩૦૮, ૫૦૬(૨), ૪૨૭ની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હાલ માવતરને ત્યાં સાધના સોસાયટી ૬માં રહેતા પૂજાબેને સખીયાએ  નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે બે માસથી પિયરમાં રિસામણે છે. પાંચ વર્ષ પૂર્વે વિશાલ સાથે આર્યસમજમાં  પ્રેમલગ્ન કર્યા હતા. તેના બીજા લગ્ન છે. લગ્નજીવન દરમિયાન એક પુત્ર છે. દરમિયાન પતિ વિશાલ માનસિક શારીરિક ત્રાસ આપતો હોય બે મહિના પહેલા પુત્રને લઇ મોટા ભાઇ રવિભાઇ પાસે રહેવા આવતી રહી છું. પિયર આવી ગયા બાદ પણ પતિ વિશાલ ફોન પર મારી નાખવાની ધમકી દેતો હતો. જે અંગે ભાઇએ પોલીસમાં અરજી કરી હતી. પોલીસમાં અરજી કર્યાની વિશાલને ખબર પડતા ભાઇનેે પણ ફોન પર તેમજ કારખાને જઇ ધમકી આપતો હતો.

દરમિયાન મંગળવારે સાંજે રવિભાઇ પોલીસમાં વિશાલ વિરુદ્ધ અરજી આપવા ગયા હતા. જેની પોતાને જાણ થતા મામાના દીકરા તુષાર ચૌહાણને સાથે લઇ એક્ટિવા પર પોતે પણ ભક્તિનગર પોલીસ પહોંચ્યા હતા, પરંતુ ભાઇ ત્યાંથી નીકળી ગયા હતા. જેથી પોતે પિતરાઇ ભાઇ સાથે એક્ટિવા પર પરત ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે ઘર પાસે પહોંચતા જ પાછળ કારમાં આવેલા પતિ વિશાલે એક્ટિવાને ટક્કર મારતા બંને એક્ટિવા પરથી ફંગોળાઇ રોડ પર પટકાયા હતા. ઘર પાસે જ બનાવ બનતા પાડોશીઓ એકઠા થઇ ગયા હતા. મનદુ:ખમાં પતિએ પોતાને મારી નાંખવાના ઇરાદે જ અકસ્માત સર્જ્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. ભક્તિનગર પોલીસે ગુનો નોંધી નાસી ગયેલા વિશાલ રમેશભાઇ સખિયાને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.

Loading...