રાજકોટમાં ધરાર ભાગીદારોએ વેપારી પાસેથી રૂ. ૭૦ લાખ પડાવ્યા

ફ્રૂટના સોદાગર બન્યો હવાલા કિંગ !!

પોલીસ સાથેની સાંઠગાંઠથી માથાભારે બનેલા ભુપત ભરવાડ અને બુકી રાકેશ પોપટ સામે ખંડણી પડાવ્યાના નોંધાતો ગુનો

રાજકીય નેતાઓને બ્લેક મેઇલીંગ કરનાર ઇન્દોરના શખ્સને આશરો આપવામાં ભુપત ભરવાડની સંડોવણી ખુલ્લી’ તી

પોલીસ સાથે નિકટનો નાતો ધરાવતા અને પોલીસ સાથે મળી અનેક હવાલા સુલટાવવા માહીર ગણાતા નામચીન ભુપત ભરવાડ સામે પોલીસે બળજબરીથી રૂ. ૯૦ લાખ પડાવવા અંગેનો ગુનો નોંધાતા સમગ્ર શહેરમાં પોલીસ બેડામાં ટોક ઓફ ધ ટાઉન ઘટના બની છે. ત્યારે ભુપત સાથેના પોલીસના હવે પછીના સંબંધ કેવા રહેશે અને ભુતકાળના પોલીસ સાથેના સંબંધોનો પડદો ઉંચકાશે કેમ તેના પર સૌની મીટ મંડાઇ રહી છે.

શહેરના સામાકાંઠે ી ઓફિસમાં પોલીસ અધિકારી અને માણસો રોજબરોજ કુર્નિશ બજાવવા જતાં અને જેને કારણે સમગ્ર પોલીસ તંત્રની આબરૂનું ધોવાણ થયું હતું તેવા નામચીન ભૂપત ભરવાડ ઉર્ફે ભૂપત વીરમભાઈ બાબુતર વિરૂદ્ધ જમીનના એક પ્લોટના વિવાદમાં બળજબરીથી રૂા.૭૦ લાખ કઢાવી લીધાની ફરિયાદ નોંધાતા ક્રાઈમ બ્રાંચે તત્કાળ ધરપકડ કરી હતી. આ અંગે રાકેશ ધીરજલાલ પોપટ વિરૂદ્ધ પણ ગુનો નોંધાયો છે. જે ભાગી જતાં તેની શોધખોળ શરૂ કરાઈ છે.

થોડા સમય પહેલાં જ ઈન્દોરના નામચીન જીતુ સોનીને ભૂપત ભરવાડે પોતાના ફાર્મહાઉસમાં આશરો આપ્યો હતો. ઈન્દોર પોલીસ પકડવા આવતા ક્રાઈમ બ્રાંચના કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ ઝાલા કે જે ભૂપત ભરવાડનો ખાસ માણસ હતો તેણે માહિતી લીક કરી દેતાં જીતુ સોની ભાગી ગયો હતો. જેને કારણે સમગ્ર રાજ્યમાં શહેર પોલીસની આબરૂ ખરડાઈ હતી.

આબરૂ બચાવવા ઉચ્ચ અધિકારીઓએ ફૂટેલા કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ ઝાલાને તો સસ્પેન્ડ કરી દીધો હતો, પરંતુ ભૂપત ભરવાડ સાથે સાંઠગાંઠ ધરાવતા પોલીસ અધિકારીઓ સુધી તપાસનો રેલો પહોંચવા દીધો ન હતો. જો ત્યારે જ ઊંડાણથી તપાસ કરાત તો અનેક ચોંકાવનારા ખુલાસા થવાની સંભાવના હતી.

હવે ગમે તે કારણોસર ’સમીકરણો’ બદલાતાં આજે ક્રાઈમ બ્રાંચે ગુનો દાખલ કર્યો હતો. એટલું જ નહીં તત્કાળ ભૂપત ભરવાડની ધરપકડ કરી લીધી હતી. આવતીકાલે તેને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે. તેના અને રાકેશ પોપટ વિરૂદ્ધ પેડક રોડ પરના શિવસૃષ્ટિ પાર્ક-૩માં રહેતા અને પેડક રોડ પરના ચંપકનગરમાં કુબેર નામે હોટલ ચલાવતા ધવલ ભરતભાઈ મીરાણીએ ફરિયાદ નોંધાવી છે.

જેમાં તેણે જણાવ્યું હતું કે, ૨૦૧૭માં કુવાડવા રોડ પર પ્લોટ ખરીદ કરવા માટે તેણે ટોકન આપ્યું હતું, ત્યારે બંને આરોપીઓએ તેને રાકેશની પેડક રોડ પર જલારામ ખમણ નામની દુકાનની સામે આવેલી ઓફિસ ખાતે બોલાવી તેણે જે પ્લોટ ખરીદ કર્યો તેમાં પોતાને બે કરોડની નુકસાની ગયાનું કહી ઓફિસની ઉપર આવેલ ફલેટ ખાતે લઈ જઈ ગાળો ભાંડી મારકૂટ કરી ખૂનની ધમકી આપી નુકસાની પેટેના ૫૦ લાખની માગણી કરી હતી. તેણે પ્રફુલ્લભાઈ સાથે ભાગીદારીમાં વિદ્યાનગર રોડ પર મકાન ખરીદ કર્યું હતું. જેના રૂા.૩૩ લાખ તેની પાસેથી લઈ અને બાકીના રૂા.૧૭ લાખ માંથી તેની પાસેથી ૨ લાખ રોકડમાં તેમજ મુકેશ પટેલના નામે ફોર્ચ્યુનર કાર ખરીદ કરી તેના રૂા.૭૩,૫૦૦ના ૨૦ હપ્તા મળી રૂા.૧૪.૭૦ લાખ ભરાવડાવ્યા હતા. આ ઉપરાંત રૂા.૩૦ હજાર રોકડા મુકેશ પટેલને આપી દીધા છતાં આરોપીઓએ ફોર્ચ્યુનર કારના વધુ બે હપ્તા ભરવાનું જણાવી ધમકીઓ આપી હતી.

એટલું જ નહીં તેણે જેન્તીભાઈ પટેલનું એક કરોડનું જે મકાન ખરીદ કર્યું હતું તેમાં બળજબરીથી ૨૫ ટકાના ભાગીદાર તરીકે રહી તેને રૂા.૨૫ લાખ આપી છએક માસ બાદ ભાગ છૂટો કરવાનું જણાવી બળજબરીથી રૂા.૨૫ લાખની સામે રૂા.૪૫ લાખ કઢાવી લીધા હતા. આ રીતે બંને આરોપીઓએ ૨૦૧૭ થી લઈ અત્યાર સુધી તેની પાસેથી કુલ ૭૦ લાખ બળજબરીથી કઢાવી લીધા હતા.

આ અંગે ધવલભાઈએ ક્રાઈમ બ્રાંચમાં અરજી કરતા પીઆઈ વી. કે. ગઢવીએ તેને કોઈપણ જાતનો ડર રાખ્યા વગર ફરિયાદ દાખલ કરવા અને રક્ષણ આપવાની પણ ખાતરી આપતા આખરે આજે ફરિયાદ નોંધાવતા ક્રાઈમ બ્રાંચે બંને આરોપીઓ વિરૂદ્ધ આઈપીસી કલમ ૩૨૩, ૩૮૬, ૫૦૪, ૫૦૬(૨) અને ૧૧૪ મુજબ ગુનો દાખલ કર્યો હતો. આ કેસની ક્રાઈમ બ્રાંચના એસીપી ડી. વી. બસીયાના સુપરવીઝન હેઠળ પીએસઆઈ વી. જે. જાડેજાને તપાસ સોપવામાં આવી છે.

પોલીસની અવરજવરથી લોકો આશ્ચર્ય પામતા ભૂપતનો લાંબો ગુનાહીત ઈતિહાસ, ખૂન સહિત ૯ ગુના

નામચીન ભૂપત ભરવાડની સામાકાંઠે આવેલી ઓફિસમાં કેટલાક ચોક્કસ પોલીસ અધિકારીઓ અને માણસો રોજ કુર્નિશ બજાવવા જતાં જેમાંથી કેટલાક તો પોતાની ફરજ ઓછી બજાવી તેનું જ કામ કરતા. ભૂપત ભરવાડની ઓફિસે દરરોજ પોલીસ અધિકારીઓ અને માણસોની અવરજવર જોઈ આસપાસના લોકો આશ્ચર્ય પામતા. લાંબો ગુનાહીત ઈતિહાસ ધરાવતા આવા શખ્સ પાસે પોલીસ અધિકારીઓ કેમ દરરોજ આવી અડ્ડો જમાવે છે તેને લઈને લોકોના મનમાં અનેક સવાલો જાગતા, પરંતુ ત્યાં દરરોજ જતાં પોલીસ અધિકારીઓ અને માણસો બેશર્મ હોય તેમ કોઈ ફરક પડતો ન હતો.

પોલીસમાં તેની ઊંચી પહોંચ અને ભાજપના નેતાઓ સાથેના ધરોબા હોવાને કારણે જ તેના વિરૂદ્ધ કોઈ ફરિયાદ કરવા આગળ આવતું ન હતું, કારણ કે ભોગ બનનારા જાણતા કે જો ફરિયાદ કરશું તો પોલીસ ન્યાય આપવાને બદલે ઉલ્ટાના તેમની સામે જ કાર્યવાહી કરશે. આ કારણથી ભૂપત ભરવાડ આણી ટોળકી સામે કોઈ ફરિયાદ કરવાની હિંમત કરતું ન હતું.

હવે ગમે તે કારણોસર પોલીસને ઉચ્ચ કક્ષાએથી રેલો આવતા ફરિયાદ નોંધ્યાનું ચર્ચાય છે. ભૂપત ભરવાડ લાંબો ગુનાહીત ઈતિહાસ ધરાવે છે. તેના વિરૂદ્ધ મર્ડર, ખૂનની કોશિશ, હુમલો, આર્મ્સ એક્ટ, રાયોટીંગ, તોડફોડ, ત્રાસ આપી મહિલાને આપઘાતની ફરજ પાડવી સહિતના ૯ ગુના શહેરના જુદા-જુદા પોલીસ મથકમાં નોંધાયા છે. આ ઉપરાંત હાલ નાસતા ફરતા આરોપી રાકેશ પોપટ વિરૂદ્ધ પણ વિશ્વાસઘાત, છેતરપિંડી અને મહિલાને ત્રાસ આપી આપઘાતની ફરજ પાડવા અંગે કુલ બે ગુના નોંધાયા છે

Loading...