રાજકોટમાં પત્ની અને પુત્રને છરી મારી પતિએ કર્યો આપઘાત

211

દંપતી વચ્ચે ઝઘડો થવાના કારણે કારખાનેદારે માતા-પુત્રને છરી ઝીંકી દેતા ગંભીર

શહેરના કાલાવડ રોડ પર આવેલા જીવરાજ પાર્કમાં રહેતા કારખાનેદારે પત્ની અને પુત્રને છરીથી હુમલો કરી પોતે ઝેરી દવા ગટગટાવી લેતા કારખાનેદારનું મોત નીપજ્યાનું પોલીસમાં નોંધાતા પટેલ સમાજમાં સનસનાટી મચી ગઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જીવરાજપાર્કમાં આવેલા અંબિકા ટાઉન શીપમાં રહેતા અને કોઠારિયા રોડ પર કારખાનું ધરાવતા રાજેશભાઇ કાંતીભાઇ વસાણી નામના પટેલ યુવાને પોતાની પત્ની સોનલબેન અને પુત્ર સોહિલ પર છરીથી હુમલો કરી પોતે ઝેરી દવા ગટગટાવી લેતા પરિવારજનોએ ત્રણેયને ૧૦૮ની મદદથી સારવાર માટે એસ્ટ્રોન ચોકમાં આવેલા ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબે રાજેશભાઇ વસાણીનું મોત નીપજ્યાનું જાહેર કર્યુ હતું અને સોનલબેન વસાણીની હાલત ગંભીર ગણાવવામાં આવી રહી છે.

કારખાનેદાર રાજેશભાઇ અને તેમના પત્ની સોનલબેન વચ્ચે સવારે કોઇ મુદે ઝઘડો થતા રાજેશભાઇ વસાણીએ પત્ની સોનલબેનની નજર સામે જ ઝેરી દવા ગટગટાવ્યા બાદ સોનલબેનને છરીનો ઘા ઝીંકી દેતા બંને વચ્ચે ચાલતા ઉગ્ર ઝઘડાના કારણે ફાર્માશીમાં અભ્યાસ કરતા પુત્ર સોહિલ વચ્ચે પડતા તેને પણ તેના પિતાએ છરીનો એક ઘા ઝીંકી દીધો હતો.

એકના એક પુત્ર સોહિલ અને પત્ની સોનલબેન ગંભીર રીતે ઘવાયા હતા જ્યારે ઝેરી અસરના કારણે રાજેશભાઇ વસાણી પણ ઘરે તરફડીયા મારતા હોવાથી આજુબાજુના રહીશોની મદદથી ત્રણેયને સારવાર માટે ખસેડાયા હતા. રાજેશભાઇ વસાણીએ માતા-પુત્રને છરીથી હુમલો કર્યો હોવાથી મકાનમાં લોહીથી ખરડાયું હતું. ત્રણેય સારવાર માટે હોસ્પિટલ પહોચ્યા ત્યારે રાજેશભાઇ વસાણીનું મોત નીપજયું હતું.

માતા-પુત્ર પર છરીથી હુમલો કરી કારખાનેદારે આપઘાત કર્યાની ઘટનાની તાલુકા પોલીસને જાણ થતા પી.એસ.આઇ. એચ.આર.સોલંકી સહિતના સ્ટાફ એસ્ટ્રોન ચોકમાં આવેલી ખાનગી હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યાં પોલીસની પ્રાથમિક તપાસમાં સોનલબેન અને તેમના પતિ રાજેશભાઇ વસાણી વચ્ચે ઝઘડો થયો હોવાના કારણે હત્યાનો પ્રયાસ અને આપઘાતની ઘટના બની હોવાનું બહાર આવ્યું છે.

Loading...