રાજકોટમાં વધુ ૫ કેસ પોઝિટિવ નોંધાતા કોરોનાની બેવડી

જૂનાગઢમાં કોરોનાનો કહેર, એક જ દિવસમાં ૨૪ પોઝિટિવ કેસ: ભાવનગરમાં વધુ ૧૬ કોરોનાગ્રસ્ત, કુલ આંક ૩૦૦ને પાર: સૌરાષ્ટ્રમાં કોરોના હાહાકાર: પોઝિટિવ કેસ ૧૫૦૦ને પાર

રાજકોટ શહેરમાં આજ રોજ સવારે ૪ પુરુષ અને ૧ મહિલા સહિત ૫ પોઝિટિવ કેસ નોંધાતા શહેરમાં કોરોનાએ બેવડી સદી નોંધાવી છે. સૌરાષ્ટ્રમાં કોરોના વાયુવેગે ફેલાવાના સામે આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જૂનાગઢ જિલ્લામાં પણ કોરોનાનો કાળો કહેર વધી રહ્યો છે. એક જ દિવસમાં જામનગર જિલ્લામાં વધુ ૨૪ કોરોનાગ્રસ્ત કેસ નોંધાયા છે. ભાવનગરમાં પણ કોરોના સંક્રમણમાં વધુ ૧૪ લોકો સપડાતા જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા ૩૦૦ને પાર પહોંચી છે. સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૧૫૦૦ને પાર થતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે.

રાજકોટ શહેરમાં આજ રોજ ૪ પુરુષ અને ૧ મહિલા સાથે કોરોના વધુ ૫ પોઝિટિવ કેસ નોંધાતા કુલ કોરોનાગ્રસ્ત કેસની સંખ્યાનો આંક ૨૦૦ને પાર થયો છે. રાજકોટ શહેરમાં નોંધાયેલ ૫ કોરોના પોઝીટીવ કેસમાં ભાવેશ જયંતિ ટાંક (ઉ.વ.૫૦) ગોકુલધામ સોસાયટી, રાજકોટ. રિક્ષા ડ્રાઇવર છે માલસામાનના ફેરા કરે છે.ઉર્વી કિશન (ઉ.વ.૨૭) કોઠારીયા ગામ,કિશન કેશુ (ઉ.વ.૨૮) કોઠારીયા, કાવ્યા અમિત મનવાર (ઉ.વ.૮) આસ્થા રેસિડેન્સી, આસ્થા એપાર્ટમેન્ટ ફ્લેટ નં ૧૫, અગાઉ તેમના માતા-પિતા પણ પોઝીટીવ છે.રોહિતભાઈ પોલડીયા (ઉ.વ.૫૭) ઇ ૧૧૩, શાસ્ત્રી નગર, નાના મૌવા રોડ, રેસકોસ પાર્ક ના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યાનું જાણવા મળ્યું છે. શહેરમાં અત્યાર સુધી કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૨૦૦ થઈ છે અને ૧૦ લોકોના જીવ ગુમાવ્યાનુ નોંધાયું છે.

રાજકોટ ગ્રામ્યમાં પણ કોરોના વાયુવેગે ફરી રહ્યો છે. ધોરાજીમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ગઈ કાલે ઉપલેટામાં પણ કોરોના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં જયશ્રીબેન મનીષભાઈ વાઘેલા અને તેમના નણંદ ગીતાબેન મકવાણા કોરોનાની ઝપટે ચડતા તેઓને આઇશોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.  જ્યારે ગોંડલના ખોડિયાર નગર સાઈધામ સોસાયટી પાસે રહેતા શિલ્પાબેન નિલેશભાઈ ત્રિવેદી (ઉ.વ.૩૩)ને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.

જ્યારે જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કાળો કહેર વરસી રહ્યો હોય તેમ એક દિવસમાં વધુ ૨૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. બહારગામ થી અવર જવર વધતા વાયરસ ફેલાતા કોરોના પોઝિટિવ કેસ દિન પ્રતિદિન કેસ વધી રહ્યા છે.

એક દિવસમાં ૨૪ કોરોનાગ્રસ્ત વ્યક્તિઓ નોંધાતા ધી જૂનાગઢ ગ્રેઇન સીડ્ઝ એન્ડ સુગર મર્ચન્ટ એસોસિએશન દ્વારા વેપારના કામકાજનો સમય નક્કી કરવા નિર્ણય કર્યો છે. આ સાથે જ આરોગ્ય વિભાગમાં પણ ચિંતાનો વ્યાપ વધતો જોવા મળે છે. ભાવનગર જિલ્લામાં કોરોના બેકાબુ ફેલાવા સામે તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. એક દિવસમાં ભાવનગરમાં વધુ ૧૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૩૦૦ને પાર પહોંચી છે. ભાવનગરમાં ૭ મહિલા અને ૯ પુરુષને કોરોનાનો ચેપ લાગતા તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે ગઈ કાલે ૩ દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા તેઓને રજા આપવામાં આવી હતી. ભાવનગરમાં અત્યાર સુધી કુલ ૩૦૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને હાલ ૧૨૦ દર્દીઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

Loading...