Abtak Media Google News

ક્રાઇમ બ્રાંચની ટીમે રોકડ રૂ.૨૦૭૨૦, ૯ ફોર વ્હીલર, ૧૬ ટુ વ્હીલર, ૯ મોબાઈલ સહિત ૧૪.૫૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

ફાઈટમાં ઘવાયેલા ત્રણ મુરધાને પાંજરાપોળમાં મોકલાયા ; આરોપી સામે પશુ પ્રત્યે ઘાતકી પણા,જુગારની કલમો હેઠળ ગુનો નોંધાયો

શહેરના મોરબી રોડ પર જૂની લાલપરી નદીનાં કાંઠે મરઘા વચ્ચે લડાઈ કરાવી જુગાર રમાડતા શખ્સો પર ક્રાઈમ બ્રાંચે દરોડો પાડતા નાસભાગ મચી ગઈ હતી. આમ છતાં ક્રાઇમ બ્રાંચની ટીમે ૧૧ લોકોની ધરપકડ કરી હતી.જ્યારે મરઘાની ફાઈટ જોનાર અનેક દર્શકો ભાગી ગયા હતા. પોલીસે

સ્થળ પરથી ૯ ફોરવ્હીલર અને ૧૬ ટુ વ્હીલર મળી કુલ રૂા.૧૪.૪૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ નવતર પ્રકારના જુગારથી પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી રોડ જકાતનાકા પાછળ જય જવાન જય કિશાન સોસાયટી પાછળ સ્થિત ખોજા કબ્રસ્તાનની નજીકના જૂની લાલપરી નદીના કાંઠે મરઘાંની ફાઈટ કરાવી જુગાર રમતો હોવાની બાતમીના આધારે  ક્રાઇમ બ્રાંચના પી.આઈ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ એમ.વી. રબારી, એ.એસ.આઈ જ્યૂભા પરમાર, પોલીસ હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ ઝાલા, એભલભાઈ બરાની ટીમે દરોડો પાડ્યો હતો.પરંતુ પોલીસ આવ્યાની જાણ થતાં જ ટોળું વળી જુગાર રમતા અને જોતાં શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી.

Img 20201101 Wa0069

જુગારના દરોડા સમયે કેટલાય શખ્સો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. ક્રાઈમ બ્રાંચના સ્ટાફના હાથમાં આવેલા જૂનાગઢ બાટવા બસ સ્ટેન્ડના ભીખુ સામત ઉર્ફ ભાણાભાઈ  પરમાર (ઉ.વ ૨૧), અમદાવાદ લાભ મંદિરના સુનિલ વિજય ચુનાર(ઉ.વ ૧૯), જામનગરના ઢીંચડા ગામના સલમાન અનવરભાઈ બેગાણી( ઉ.વ ૨૩), કાસમ ઈસ્માઈલભાઈ ખફી ( ઉ.વ ૨૨ ), ચુનારવાડના રાયધન બાબુ સોલંકી ( ઉ.વ ૨૫), સબીર ઇસ્માઇલભાઈ ભગાડ ( ઉ.વ ૪૧), જામ ખભાળીયાના ઇમરાન હુસેનભાઈ ગજણ ( ઉ.વ ૨૦ ), યુનુસ નૂર મામદ સંઘાર ( ઉ.વ ૩૨), ઉત્તમ ચંદુભાઈ પરમાર (ઉ.વ ૩૦), જૂનાગઢ મુબારકબાદના ગોવિંદ હીરાભાઈ મકવાણા ( ઉ.વ ૩૬ )ની ધરપકડ કરી હતી. નદીના કાંઠેથી રૂા.૨૦,૭૨૦ રોકડા, ૧૬ ટુ-વ્હીલર, ૯ ફોર વ્હીલર, ૯ મોબાઈલ મળી રૂ. ૧૪,૪૬,૩૨૦ નો મુદ્દામાલ  કબ્જે કર્યો હતો.જ્યારે કેટલાક શખ્સો થેલીમાં મરઘા નાખી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.

Img 20201101 Wa0079

જુગાર સ્થળે એક રીંગમાં બે મરઘાઓને ઉતારાતા હતા. અલગ-અલગ કલરના આ મરઘાઓ વચ્ચે લડાઈ કરાવાતી હતી. જેમાંથી જે મરઘો પહેલાં રીંગની બહાર નીકળી જાય અથવા પડી જાય તે હારેલો ગણાતો. એટલે કે તેની ઉપર દાવ લગાડનાર હારી જતાં. બીજા મરઘા પર દાવ લગાડનાર જીતી જતા. આ રીતે જુગારીઓ વચ્ચે હાર-જીત કરાવી જેટલી રકમનો દાવ લગાડયો હોય તે મુજબનું પેમેન્ટ કરાતું હતું. મરઘાના જુગાર અંગે જુગારધારાની કલમ, પશુ ઘાતકી પણા અંગે ગુનો નોંધાયો છે.તાજેતરમાં જ રાજકોટ નજીકના સણોસરા ગામે બે મહિના પહેલાં અશ્વો વચ્ચે રેસ કરાવી રમાડાતો જુગાર કુવાડવા પોલીસે ઝડપી લીધો હતો.

જુગાર સ્થળ પરથી ત્રણ મરઘા ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. ભાગી ગયેલા આરોપીઓ કેટલાક મરઘા લઈ ગયાનું બહાર આવ્યું છે.જ્યારે પકડાયેલા ત્રણ ઇજાગ્રસ્ત મરઘાને પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા છે. આ કેસમાં પોલીસે જુગારધારાની કલમ ઉપરાંત પશુ પ્રત્યે ઘાતકી વર્તન અટકાવવા માટેની કલમ પણ લગાડી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.