Abtak Media Google News

ન શિક્ષણ, ન ધંધો રોજગાર, ન મજુરી, ન કોઈ ટેકનિકલ ક્ષમતાની આમદાની; જો માનવ સંશાધન વિકાસ સંબંધી ખાતાએ કરોડો બેરોજગાર લોકોના વિકાસની ખેવના કરી હોત તો વિપુલ સંપત્તિના દ્વાર ખૂલી શકયા હોત ! શિક્ષિત કારીગરો તો ઠીક, શિક્ષિત ખેડૂતો પણ સારા ખેડુતો બની શકે છે !

આપણા દેશમાં અશિક્ષિત બેકારોના ઢગલે ઢગલા હોવાની બૂમરાણ પ્રવર્તે છે, અને શિક્ષિત બેકારો પણ ચિંતાજનક સંખ્યામાં છે. ડિગ્રીં પામેલા પણ નોકરી મેળવવાનાં દયાજનક ફાંફા મારે છે. માનવ સંસાધન જો ક્રિયાશીલ હોય, શ્રમિક હોય, ઉત્પાદનકર્તા હોત, અને વિવિધ સર્જનોની કામગીરીઓમાં સંપૂર્ણ પણે રત હોય તો વિપુલ સંપત્તિ આ દેશમાં અતલસના ગાલીચાઓ ઉપર આળોટતી હોત !

આપણા દેશની કોરોનાગ્રસ્ત વર્તમાન હાલત હજુ કોઈ સારી આશા જગાડે એવી બની શકી નથી. પરંતુ હજુ આપણા દેશમાં કોઈ પણ ઠેકાણે લોકોમાં ઘોર હતાશા ફરી વળી હોવાનું જણાતું નથી.

આપણો માનવ સમાજ અનેક મુશિબતો વચ્ચે થાકયો છે અને નાનાં મોટા નુકશાન વેઠી વેઠીને ગળે આવી ગયો છે એ ખરૂં, પણ એ લડવાની હિંમત હારી ગયો નથી અને ફરી બેઠા થઈ જવાની એમની હામ ભાંગી ગઈ હોય એવું લાગતું નથી !

આપણા નેતાઓ, રાજપુરૂષો, રાજકર્તાઓ અને સુકાનીઓએ કોરોના વાયરસની સામે લડવાને લગતી રોજીંદી પ્રવૃત્તિઓને હવે માનસિક રીતે સામાન્ય રોજીંદી પ્રવૃત્તિઓમાં ફેરવી નાખી છે.

અત્યારે આપણો આખો માનવ સમાજ અવનવી ભૂલભૂલામણીઓ વચ્ચે જીવે છે. કોરોના વાયરસના નાનાંમોટા અડપલા ચાલુ છે, અવળચંડાઈ પણ જેમની તેમ રહી છે.

સામાન્ય સ્થિતિનાં કુટુંબો આર્થિક રીતે ભાંગી ગયા છે. એમનાં કામ ધંધા અને ધંધારોજગાર છિન્નભિન્ન થયા છે. સમદુ:ખિયાઓ પોતાની અસહ્ય ખરાબ સ્થિતિનું એકબીજા પાસે વર્ણન કરતાં રોઈ પડે છે ! છોકરાઓની દયા આવતી હોવાનો એમને અફસોસ છે. એમની જરૂરત મુજબનું કાંઈ જ તેઓ પામતા નથી. આમદાની થંભી ગઈ છે. ચૂકવણાઓ વખતસર ચૂકવી શકાતા નથી.

અહીં એવો ખ્યાલ પણ ઉપસે છે કે, આપણા દેશમાં માનવ સંશાધનની વિપુલ સંપત્તિ છે. કરોડો સ્ત્રી-પુરૂષો, યુવાનો-યુવતીઓ કશાજ કામ વગરના છે. અશિક્ષીત લોકો પાસે નાની સરખી આમદાની પૂરતાંય કોઈ કામકાજ નથી. સવા અબજની વસતિમાં કરોડો લોકો જો બેકાર, બેરોજગાર, અને કોઈપણ જાતની કામગીરી વગરનોય તો એમની અને આપણા માનવ સમાજની કેવી કરૂણાજનક અને દયાજનક હાલત થાય એ વર્ણવી શકાય તેમ નથી. ન શિક્ષણ, ન ધંધો રોજગાર, ન મજૂરી, ન કોઈ ટેકનિકલ ક્ષમતાની આમદાની…

આ બધું જોવા-જાણવાની અને દેશના માનવ-સંશાધન વિકાસની જવાબદારી સરકારની હતી સરકારમાં બેઠેલાઓએ આ અતિ મહત્વનાં ખાતાં પ્રત્યે કાંતો લેશમાત્ર ધ્યાન આપ્યું નથી, અથવા તો એને લગતી આવડત દાખવી નથી.

કરોડો લોકોના હાથ, પગ, દિલ, દિમાગ, બુધ્ધિ, શ્રમ, ખંત, ઉધમ, પરિશ્રમ અને સામૂહિક આદાન-પ્રદાન જો વિવિધ કામગીરી તથા ઉત્પાદન લક્ષી પ્રવૃત્તિઓમાં પરોવાયા હોત તો વિપુલ સંપતિના અસંખ્ય દ્વાર ખૂલી શકયા હોત અને વિપુલ સંપત્તિનાં પૂંજેપૂંજ અતલસના ગાલીચા ઉપર આળોટતા થયા હોત ! શિક્ષિત લોકોની ફોજ ખડી થઈ શકી હોત. અને અવનવા ઉત્પાદનો તેમજ હજારો ફેકટરીઓ સાથે આપણો દેશ વિકસિત દેશોની હરોળમાં ઉભો હોત !

ભારતની વસતિના કદનો વ્યાપ જોતા અને તેનો છેલ્લે છેલ્લે દર્શાવાયેલા વિકાસ-દરને લગતું ગણિત માંડતાં ભારતની સામે નવી નવી નોકરીઓની સમસ્યા ઉભી થશે અને તે અત્યંત ગંભીર પણ બનશે. શિક્ષિત બેકારોની સમસ્યાણ સરકારને અકળાવ્યા વિના નહિ રહે.

આપણે ત્યાં ગ્રેજયુએટ યુવાનોએ પટ્ટાવાળાની નોકરી સ્વીકારવી પડે છે. એ વાત હવે કોઈથી અજાણી રહી નથી.

જે સરકારો સત્તાધીશ બને છે તે દરેક મોટી સંખ્યામાં નોકરીઓ ઉભી કરવાનાં વચનો આપતી રહે છે. વિરોધ પક્ષો નોકરીના મુદ્દનો સરકારની ટીકા કરવામાં ઉપયોગ કરે છે. એ ઓછુ સૂચક નથી.

એવો દાવો કરવામાં આવે છે કે ભારત અત્યારે એક એવો દેશ છે કે, જયાં વિશ્ર્વના કોઈપણ દેશની સરખામણીમાં વધુમાં વધુ મોટી સંખ્યામાં યુવાનો છે.

આ યુવાનો નોકરીઓ, અને વર્તમાન પરિસ્થિતિમાં સારી રીતે કુટુંબનો ગુજારો થઈ શકે એટલી આમદાનીની અપેક્ષા રાખશે જ…. આ બાબત ભલે પ્રથમ દ્રષ્ટિએ સામાન્ય લાગે છે, પરંતુ વાસ્તવમાં એની ગંભીરતા અને અગત્યતા સંબંધમાં આંખ આડા કાન કરવા જેવું નથી !  યુવાનોની સંવેદના લાંબો વખત ટકી રહેતી નથી એમની ધીરજનો જલ્દી અંત આવી જાય છે અને તે વિગ્રહમાં પરિણમી શકે છે. આમ, નોકરી અને બેરોજગારી આગામી સમયની બહુ ગંભીર સમસ્યાઓ બની શકે છે.

માનવ સંશાધન વિકાસ સંબંધમાં સુસ્તી દાખવવી એ વિપુલ સંપત્તિના ગેરઉપયોગ સમાન છે. એને લગતી આવડત દેશ માટે શુભશુકન બની શકે અને આવી આવડત ન હોવી એ દેશ માટે અપશુકન સમાન છે. જો એને લગતી આવડત અને ફરજમાં ઈમાનદારી દાખવાયા હોત તો આજની કોરોનાગ્રસ્ત બૂરી હાલત વખતે એ આશીર્વાદરૂપ બની શકત ! આગામી સમયમાં નોકરી રોજગારીની સમસ્યા વધઉ વણસશે એમ ચેતવ્યા વિના છૂટકો નથી !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.