Abtak Media Google News

“વાસાવડ મધ્યે આવેલી જાજરમાન ત્રણ માળની હવેલીમાં લૂંટા‚ઓએ ત્રણેક કલાક સુધી લૂંટ ચલાવી પણ કોઈ કાંઈ કરી શકયુ નહીં !

બાબરા ફોજદાર જયદેવે લોનકોટડા ધાડ ખૂનનો ગુન્હો શોધી કાઢી મોરભાઈ અને નોંધણવદરની લૂંટા‚ ટોળકીની તપાસ કરતા આ લોકોએ બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુન્હા કરવાનું બંધ કરી બાબરાના પડોશી તાલુકા જસદણમાં લૂંટફાટ બળાત્કાર ચાલુ કર્યા

પરંતુ જયદેવે જસદણ ફોજદાર સુરૂભાને આટકોટ ખાતે મુલાકાત વખતે ચર્ચા થતા આગુનેગારોના નામ ઠેકાણા આપતા સુરૂભાએ પણ તપાસ શરૂ કરતાં ગુનેગારોએ જસદણ તાલુકાને પણ પડતો મૂકી હદ બદલી ને ગોંડલ તાલુકો તથા પડોશી તાલુકા બગસરા અને વડીયામાં ત્રાટકવાનું ચાલુ કર્યું આ ગેંગ અગાઉથી જ આ તાલુકાની માહિતગાર હતી તેથી રાજસ્થાનથી આવી રાત્રીનાં ગમે તે એક ગામમાં ત્રાટકી લૂંટફાટ કરી બીજે દિવસે રાજસ્થાન નાસી જતા પરંતુ આ ત્રણ તાલુકામાં તો આગેંગે કાળોકેર વતાવી દીધો.

જેમ આટકોટ બસ સ્ટેન્ડ આંતર જીલ્લા ગુનેગારોનું જંકશન પોઈન્ટ હતુ (જુઓ પ્રકરણ ૩૦ પાંચાળભૂમી) તે રીતે ગોંડલ તાલુકાના વાસાવડનું બસ સ્ટેન્ડ પણ બાબરા જસદણ ગોંડલ વડીયા, બગસરા, કુંકાવાવ અને જેતપૂર તાલુકાના ગામડાઓનાં ગૂનેગારોનું મિલન સ્થળ હતુ.।

અગાઉ નવી નવી આઝાદી હજુ આવી જ હતી બે ત્રણ મહિના જ થયા હતા ત્યારે વાસાવડમાં રહેતા મેમણ વેપારીની ઝાઝરમાન હવેલીમાં ધાડ પડેલી અને તે સમયે‚રૂ.૬૦ હજારની લૂંટ થયેલ જે લૂંટ બાદ બરાબર ૪૫ વર્ષ બાદ ફરીથી વાસાવડમાં ધાડ પડી પરંતુ આ નોંધણવણદરીયા ધાડપાડુ ગેંગે આ સમયની મોટામાં મોટી અને લાંબા સમય સુધીની અધધ… અને ભયાનક લૂંટ પણ વાસાવડમાં જ કરી વાસાવડ ગામની મધ્યે જ એક વેપારીની ત્રણ ચાર મજલાની આઠ દસ ઓરડાની જાજરમાન અને ભવ્ય હવેલી આવેલી હતી વેપારી પણ ખૂબજ પ્રતિષ્ઠિત અને જાણીતા હતા જેઓ ત્રણ પુત્રોના પરિવાર સાથે રહેતા હતા.

રાત્રીનાં સાડા બારેક વાગ્યે આ ધાડપાડુઓ આ હવેલીમાં ખાબકયા. વાસાવડ આઝાદી પહેલાનું જાગીરદાર પોલીસ મથક પણ હાલ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનનું આઉટ પોસ્ટ હતુ જેમાં એક જમાદાર અને બે કોન્સ્ટેબલોની નિમણુંક હતી આ વ્યુહાત્મક આઉટ પોસ્ટ હોય ત્યાં ૩૦૩ની રાયફલો પણ ઈસ્યુ થયેલી હતી. પરંતુ કમનસીબે તે સમયે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઈન્સ્પેકશન ચાલુ થયેલ હોય હથીયાર તપાસણી માટે ગોંડલ પોલીસ થાણામાં મૂકયા હતા એટલે કે પોલીસ નિ:શસ્ત્ર હતી.

હવેલીમાં દેકારો મચ્યો અને હવેલી ગામની વચ્ચે જ આવેલી હોય આખુ ગામ જાગી ને આવી ગયું. ત્યારે એવી વાત જાણવા મળેલી કે પોલીસ જવાનો પણ જનતા સાથે જ આવી ગયેલા પણ ગુનેગારોએ આયોજન પૂર્વક અને પૂરી તૈયારી અને હથીયારો સાથે પૂરી સંખ્યામાં એટલેકે આઠ દસ જણા પડેલા આથી જે લોકો હવેલી તરફ જવા પ્રયત્ન કરે તેની ઉપર તાકાતથી અને ગોફણથી પથ્થરોનો મારો થતો હોઈ ગામ લોકો અને પોલીસ હવેલીથી દૂર જ જોતા રહી ગયા.

ત્યારે એમ કહેવાય છે કે આ લૂટ ધાડ આ માહોલમાં આટલી મેદની વચ્ચે ત્રણેક કલાક સુધી ચાલેલી ગુનેગારોએ વારાફરતી પોતાની જગ્યા બદલી તમામે વારાફરતી પોતાના કરતુતો પૂરા કરી લગભગ છત્રીસ લાખ રૂપીયાનો મુદામાલ સોના ચાંદીના ઝવેરાત અને દાગીના ઉસેડી ગયા અને બહુ સહેલાઈથી પથ્થરમારો કરતા કરતા ગામ લોકો અને ગામ વચ્ચેથી નીકળીને નાસી ગયેલા તે સમયે વાસાવડમાં ટેલીફોન હતા પણ લાઈન આઉટ ઓફ ઓર્ડર બોલતી હોય બહાર ગામ કોઈ જાણ થઈ શકી નહી અને કોઈ મદદ પણ મળી શકી નહી.

રાત્રીના બનાવની સવારે ફરીયાદ નોંધાઈ ‚પીયા પાંચેક છ લાખના મુદામાલની જ ફકત લૂંટ જ થયાનું તેમાં જાહેર થયું સમગ્ર સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને પોલીસદળમાં હાહાકાર મચી ગયો. ફરી એ જ પોલીસ અધિકારીઓના ધાડેધાડા વાહનોના કાફલા સાથે ઉમટી પડયા. એજ જૂની પધ્ધતિએ તપાસ શ‚ થઈ ધારાગઢના સંધી વંથલી, કમઢીયાના ડફેરો અને બીજી અન્ય સાતનારી ગેંગ વિગેરેની તપાસ થવા લાગી જૂના ગુનેગારોને પોલીસ તપાસવા લાગી.

તે બનાવ બન્યો તે પહેલા બાબરી ધ્વંશ થયેલો અને પોલીસ બંદોબસ્તમાંથી હજુ નવરી પડે ત્યાં બે ત્રણ મહિનામાંજ આ બાબરી ધ્વંશના પ્રત્યાઘાત રૂપે મુંબઈમાં સીરીયલ બોમ્બ ધડાકા થયેલા અને પુષ્કળ માનવ જીંદગીઓ તેમાં હોમાઈ ગયેલી તે બોમ્બ બ્લાસ્ટના પ્રત્યાઘાત રૂપે આખા દેશમાં કોમી તનાવ હતો અને ગુજરાતના અમુક શહેરો અને ગામડાઓમાં પણ તેના પ્રત્યાઘાતો પડેલા તેમાં અમરેલીના દામનગર ટાઉનમાં પણ કોમી તનાવ થયેલ અને લઘુમતી બહુમતી કોમ વચ્ચે એક ધાર્મિક સ્થાનની જગ્યા અંગે તોફાનો થતા.

અને એક અઠવાડીયાથી દામનગરમાં કફર્યું ચાલુ હોય, જૂનાગઢ રેન્જના પોલીસ વડા સૈયદે તેમના સ્પેશ્યલ સ્કોડના ફોજદાર માનસિંહ રાઠોડને પૂછયું કે રેન્જમાં કોણ એવો ફોજદાર છે જે દામનગરની પરિસ્થિતિ તુરત થાળે પાડી શકે? આથી માનસિંહ રાઠોડે બાબરાના ફોજદાર જયદેવના નામની સલાહ કરી આથી રાતોરાત તેમણે જયદેવની નિમણુંક દામનગર ફોજદાર તરીકે કરી દીધી પરંતુ અમરેલી પોલીસ વડા આથી નારાજ થયેલા.જયદેવે દામનગર હાજર થતા જ કફર્યું (સંચારબંધી) ઉઠાવી લીધો અને તોફાનીઓને પડકાર કર્યો કે હવે કરી જુઓ ચાળો પરંતુ તે પછી દામનગરમા કોઈ તોફાન થયેલા જ નહિ.

વાસાવડ લૂંટધાડના આ ગુન્હાની તપાસ ગોંડલના સીપીઆઈ ધર્મેન્દ્રસિંહ ઝાલા કરી રહ્યા હતા ઝાલાએ આવા તાજેતરમાં જ બાબરા જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ ધાડલૂંટના ગૂન્હાઓનો પણ અભ્યાસ કર્યો બાબરા આવી લોનકોટડા કેસની ડાયરીમાં જયદેવે આરોપીઓ અંગે કરેલી નોંધો જોઈ સીપીઆઈ ઝાલા જયદેવ તથા તેની કાર્યપધ્ધતિ ને વર્ષોથીજાણતા હતા. જયદેવની ક્રાઈમ અને ક્રીમીનલો ઉપરની દાદાગીરીથી પણ વાકેફ હતા આથી સીપીઆઈ ઝાલાએ દામનગર આવી આ બાબતે ફોજદાર જયદેવને મળ્યા ચા પાણી પીધા પછી ઝાલા હસતા હસતા બોલ્યાકે શું આ લોન કોટડામાં તમે ડીટેકશન વિશે લખ્યું છે.

તે સાચુ છે? જયદેવે મનમાં સમજી ગયો કે આબાબત દાદાગીરીથી કબુલ કરાવેલ છે કે કેમ તે જાણવા માગે છે. આથી જયદેવે પણ તેવો જ મર્મથી જવાબ આપ્યો કે આ ખૂન સાથે ધાડનોઅતિ ગંભીર ગુન્હો છે તે ગુન્હામાં ખોટુ કરવાનો અર્થ અને પરિણામ શું હોય તેની મને ખબર છે. સેશન્સ કોર્ટમાં ટ્રાયલ દરમ્યાન તો જે સાચુ હોયતે સામે આવી જ જાય છે તે અનુભવની વાત છે.

આ સાંભળીને ઝાલા ગંભીર બની ગયા અને પુછયું કે ‘આરોપીઓ આટલી નીચ કક્ષાએ જઈ શકે છે?’ આથી જયદેવેકહ્યું તો એ બાબતે પુછો જસદણ ફોજદાર સુ‚ભાને.ગોંડલ સીપીઆઈ ઝાલા સુ‚ભાને મળ્યા સુ‚ભાએ તેમના તાબાના જનસાળી ગામના ગુન્હા વાળીની વાત કરી અને નહિ નોંધાયેલ બળાત્કારની પણ વાત કરી અને તેમને આ બાબતે મળેલ સાંયોગીક પૂરાવાની પણ વાત કરી.

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ દળમાં તે પછીજે ચર્ચા થઈ હોય તે ખરી પરંતુ પછી એવી વાત સાંભળવા મળેલી કે જસદણના બાહોશ ફોજદાર સુ‚ભાને તેમની ફોજ લઈને આરોપીઓની તપાસમાં રાજસ્થાનના જયપુર અને ભરતપૂર શહેરોમાં મોકલવામાં આવેલા સુ‚ભા પુરી મકકમતા અને વિશ્ર્વાસથી ભરતપૂરમાં આવેલા ઝુંપડપટ્ટીં ખાબકેલા અને એક આરોપીનો પકડીને હાથ કડી પણ પહેરાવી દીધેલી.

પછી બાકીના ને પકડવા જયપૂર ઝુંપડ પટ્ટીમાં પડેલા પરંતુ આરોપીઓએ પાળેલા તેમના ખાસ દેશી વાઘરીયા લાવરા કુતરા પોલીસ ઉપર છૂટા મૂકતા પોલીસને બટકા ભરીલેતા ભરતપૂરથી પકડાયેલ આરોપી પણ હાથકડી સાથે નાસી છૂટવામાં સફળ થયેલો આથી ગુજરાત પોલીસ ખાલી હાથે પાછી આવેલ પણ આ કિસ્સાથી એ સાબીત અને પાકકુ અને નકકી થઈ ગયું કે આ ધાડપાડુ આધુનિક બહારવટીયા આ નોંધણવદરના મૂળ નિવાસીઓ જ છે.

તે બનાવ પછી તો આ ખૂંખાર ટોળકીએ બગસરા અને વડીયા પોલીસ સ્ટેશનો ની હદમાં તો રીતસરનોકાળો કેર વર્તાવી દીધો વડીયા પોલીસ સ્ટેશનના ઢૂંઢીયા પીપળીયા ગામેતો આ ટોળકીએ એકી સાથે એક ખૂન બે ખૂનની કોશીષ સાથે લૂંટ ધાડના ગુન્હા આચરીને ખળભળાટ મચાવી દીધો. જનતમાં હાહાકારક અને આતંકમચી ગયો. સમાચાર પત્રોમાં તસ્વીરો સાથે તમામ ગુન્હાની હકિકતો પણ છપાણી પોલીસ ઉપર ‘માછલા ધોવાયા’.પણ તે પછીના ટુંકા ગાળામાંજ ફોજદાર જયદેવની બદલીઓ દામનગરથી કોડીનાર અને કોડીનારથી લાઠી (કલાપીનું) પોલીસ સ્ટેશનમાં થયેલ.

એક દિવસ સવારના નવેક વાગ્યે જયદેવ લાઠી પોલીસ સ્ટેશનની ચેમ્બરમાં બેઠો હતો ત્યાં અમરેલી ક્રાઈમ બ્રાંચના ફોજદાર ધોળાવદરા આવ્યા અને જયદેવને કહ્યું કે બે ત્રણ હાથકડીઓ વધારે હોય તો ઉછીની આપો અમે રાજસ્થાન જયપૂર ભરતપૂર ધાડના શકદાર આરોપીઓને પકડવા જઈએ છીએ અમે ભૂલથી અમરેલીથી સાથે લીધી નથી જયદેવે ધોરાવદરાને પૂછયું કે એકલા જ જાવ છો કે બીજા કોઈ અધિકારી આવે છે? આથી ધોરાવદરાએ કહ્યું કે રાજકોટ ગ્રામ્યના ક્રાઈમ બ્રાંચના ફોજદાર જગીરા પણ આવે છે.

આ બાબત ઉચ્ચ અધિકારીઓની મીટીંગમાં નકકી થયેલી છે. આ મીટીંગમાં જસદણ ફોજદારે ભરતપૂર જયપૂરમાં કરેલ કોમ્બીંગની અને બનેલ બનાવની પણ ચર્ચા થયેલ તેથી ખાસ અમરેલી જીલ્લા અને રાજકોટ ગ્રામ્ય જીલ્લાની બંને ક્રાઈ બ્રાંચો જોઈન્ટ ઓપરેશન કરશે તેમ નકકી થયું છે. રાયફલોતો રાજકોટ જિલ્લાની પોલીસ લાવી જ હશે તેથી અમારે તે સાચવવા સાથે લઈ જવાની જ‚ર નથી.

જયદેવે ધોળાવદરાને કહ્યું એક કામ કરો ફકત હાથકડીઓ નહિ બે રાયફલો પણ લેતા જાવ કેમકે આગુનેગારો ઝનૂની અને માથાભારે છે. કદાચ અલગ પણ પડવાનું થાય પછી આ રાજકોટ ફોજદાર જગીરા પણ બનેલી આઈટમ છે. તે કોઈ હથીયાર નહિ આપે. પરંતુ પ્રોફેસર ટાઈપ ફોજદાર ધોરાવદરા એ કહ્યું કે એમ કાંઈ સાવ થોડુ થઈ શકે? અને રાયફલો લેવાની ના પાડી ફકત હાથકડીઓજ લઈને ગયા.

ત્યારબાદ એક દિવસ જયદેવે સમાચાર પત્રમાં વાંચ્યું કે આ નોંધણવદરીયા ગુનેગારોને ફકત રાજકોટ ગ્રામ્યની ક્રાઈમ બ્રાંચ અને ફોજદાર જગીરાએ જ પકડેલા અને જાણે ખૂંખાર આતંકવાદીઓને પકડયા હોય તે અદામાં તસ્વીરો છપાયેલી હતી. અમરેલી ક્રાઈમ બ્રાંચના માણસો જયારે લાઠી પોલીસ સ્ટેશનમાં લઈ ગયેલ હાથકડીઓ પાછી જમા કરાવવા આવ્યા

ત્યારે તેમને જયદેવે આ બાબતે પુછપરછ કરતા તેઓએ માંડીને વાત કરી કે ‘સાહેબ આ આરોપીઓને ભરતપૂર જયપૂરની ઝુપડપટ્ટીઓમાં પકડવા માટે અર્ધીરાત્રે કોમ્બીંગમાં અમે પણ સાથે જહ તા અને પકડાયેલા પાંચ પૈકી બે આરોપીઓ અમે પકડેલા છે. પરંતુ અમારી પાસે રાયફલોનહિ હોય આરોપીઓને રાજકોટ પોલીસના હથીયારી કબ્જામાં રાખેલા.

ઓપરેશન પુ‚ થયા પછી જયપૂર ગેસ્ટ હાઉસમાં ફોજદાર જગીરાએ જે ખેલ નાખ્યો હોય તે પણ પેલી હિન્દી ફિલ્મ ‘અર્ધ સત્ય’ની માફક તમામ કાર્યવાહી પોતે એકલા એ જ કરી હોય તે રીતના કેસ કાગળો બનાવી નાખ્યા અમારા ફોજદારે જગીરાની લાજ કાઢતા હોય તેમ કાંઈ દબાવીને કહી શકયા નહિ અને આરોપી પકડયાનો જસ એકલી રાજકોટ ગ્રામ્યની ક્રાઈમ બ્રાંચ લઈ ગઈ.’

પરંતુ એક વખત જયદેવને રાજકોટ ખાતે રાજકોટ ગ્રામ્ય ક્રાઈમ બ્રાંચના જમાદાર મળતા પુછયું કે બીચારી અમરેલી ક્રાઈમ બ્રાંચને સાથે લઈ જઈ ઉપયોગ કરીને કાર્યવાહીમાં સાથે નહિ બતાવી કાગળોમાંએકલા જ કામગીરી કરી નાખી? આથી જમાદારે કહ્યું ‘ના સાહેબ ના આ અમરેલી વાળાતો ગેસ્ટ હાઉસમાં સુતા જ રહેતા હતા પણ પકડી તો અમે જ લાવ્યા છીએ.’

તે જે હોય તે પણ આખરે ધાડપાડુ ગેંગે બાબરા, જસદણ, ગોંડલ, બગસરા અને છેલ્લે વડીયા પોલીસ સ્ટેશનમાં આતંક મચાવ્યા બાદ જ સૌ પ્રથમના બાબરાના લોનકોટડાના ગુન્હામાં નામ ખૂલી ગયા હોવા છતા એવા સંજોગો અને તેમના નસીબે આટલો લાંબો સમય ખેલ પાડીને પણ આખરે પકડાયા ખરા!

પેલો મુખ્ય આરોપી મોરભાઈ તો હજુ વોન્ટેડ જ હતો. પકડાયેલ આરોપીઓના રીમાન્ડ લેવાયા અને દરેક પોલીસ સ્ટેશને વારાફરતી બે ત્રણ મહિના પોતાની કસ્ટડીમાં લઈ તપાસો કરી આરોપીઓએ તમામ ગુન્હા કબુલી લીધેલા તેમાં જે ગુન્હામાં ભલે ફરિયાદમાં ફરિયાદીએ લખાવ્યુ નહોય પણ આરોપીઓ એ પોતે જે મોઢાકાળા કરેલા બળાત્કાર કરેલા તે વિગત પણ પોલીસને જણાવી દીધી પરંતુ ફરિયાદી પક્ષોએ આબ‚ જવાની બીકે આવી કોઈ જાહેરાત બાદમાં પણ કરેલી નહિ.

આ લૂંટ ધાડમાં મેળવેલ મુદામાલ ને સગેવગે કરવામાં આરોપી મોરભાઈ મુખ્ય ચાવી ‚પ હતો. પરંતુ હજુ સુધી તે પકડાયો ન હતો. આ પકડાયેલ ટોળકીએ પાછલથી કરેલા ગુન્હાનો લૂંટનો માલ પોતાની રીતે વેચેલો તેમાં બાબરાનાં મોટા દેવળીયા ગામના એક શિક્ષકનું નામ ખૂલ્યું પણ તે પોલીસને હાથ આવ્યો નહિ અને તે પણ લાંબો સમય વોન્ટેડ રહ્યા બાદ તેણે પણ કોઈ અગમ્ય કારણોસર જાતે જ આત્મહત્યા કરી લીધી આ લૂંટ ધાડની શ્રેણીમાં આ માનવ મૃત્યુનો ચોથો બનાવ હતો પ્રથમ લોનકોટડા ધાડમાં વૃધ્ધાની હત્યા બાદ લોનકોટડાના સાહેદ ખેડુતની જ આત્મહત્યા બાદ વડીયાના ઢુંઢીયા પીપળીયા ગામે આરોપીએ લૂંટ કરતી વખતે કરેલી હત્યા અને ચોથા આ માસ્તર ગયા. આમ પોલીસ તપાસની પુરાવાની બીજી અગત્યની કડી તુટી ગઈ.

તે પછી આ ટોળકીએ બીજા એક બાવાજી ઈસમનું નામ આ લૂંટના મુદામાલ સગેવગે કરવામાં આપ્યું પણ આ ઈસમ ટીબીનો દર્દી હોય જયુડીશીયલ કસ્ટડીમાં જ રાજકોટ કોઠારીયા જસાણી ટીબી હોસ્પિટલમાં સારવારમાં પોલીસની દેખરેખ નીચે રખાયો હતો.

જયાં આ આરોપીએ પણ હવે શું થશે તે બીકે ટીબીની દવાની ટીકડીઓનો જેટલો જથ્થો હતો તે એક સાથે જ ગળી જઈને આત્મહત્યા કરી લીધી આમ આ લૂંટ ધાડની શ્રેણીમાં આ પાંચમો માનવ મૃત્યુનો બનાવ બન્યો આ પાંચમાં ત્રણ વ્યકિત સાવ નિર્દોષ બે વ્યકિત ફકત મુદામાલના નિકાલ કરવાવાળા મરણ ગયા પરંતુ ક્રુર ઘાતકી બળાત્કારી અને લૂંટના પૈકીના કોઈ આરોપીએ આત્મહત્યા કરી નહિ! પોલીસ દ્વારા આ આરોપીઓ વિ‚ધ્ધ કાવત્રુ કરી આયોજનપૂર્વક હત્યા અને લૂંટ ધાડના ગુન્હાઓ કરવાનો ખાસ ગેંગ કેસ પણ કરવામાં આવ્યો.

પરંતુ પોલીસ ખાતામાં પણ માર્કેટીંગ જ ચાલતુ હોય તેમ જો જીતા વોહ સિકંદર’ જેવું જ થાય છે. યશના અધિકારી જસદણના ફોજદાર સુ‚ભાપણ હતા જેમણે જાતે નિર્ણય લઈ જયદેવની હકિકત ઉપરથી રાજસ્થાન જઈ એકલા જ ઓપરેશન કર્યું નસીબ જોગે આરોપીઓના તાલીમ પામેલા કુતરાઓએ બાજી ઉંધી વાળીતે જુદી વાત છે.

પરંતુ ગેંગ દ્વારા કરાયેલા સૌ પ્રથમ ગુન્હાને જ બાબરા ફોજદાર જયદેવે પોતાની કોઠાસુઝ અને વિપરીત સંજોગો છતાં આરોપીઓના નામ સરનામા મેળવી લીધેલા. પરંતુ બાબરીધ્વંશ અને બદલીના સંજોગો પણ જો જયદેવને જ તે સમયે રાજસ્થાન જવાની મંજુરી મળી હોત તો આરોપીઓ અવશ્ય પકડાયા જ હોત અને જે બીજા નીચ કક્ષાના બળાત્કારી અને ક્રુર હત્યા અને આત્મહત્યાના બનાવો બન્યા તે પણ બનવા પામેત નહિ.

પરંતુ આખરે ચાર વર્ષ પછી ફોજદાર જયદેવને અમરેલીના તે વખતના પોલીસ વડાએ આ લોનકોટડાનો ગુન્હો પ્રથમથી જ કોઠાસુઝથી ડીટેકટ કરવા અને સમગ્ર ગેંગનો પર્દાફાશ કરવાના અતિ મહત્વના અને બુધ્ધીમતાના કાર્ય માટે કોમેન્ડેટરી નોટ (પ્રશંસા પત્ર) અને ‚પીયા ૧૦૦નું ઈનામ આપી કદર કરી.

પરંતુ આખરે પોલીસની કાર્યવાહીનું ‘દળીદળીને ઢાંકણીમાં નાખ્યા બરાબર’ થયું. આ ટોળકી વિ‚ધ્ધના તમામ કેસો જુદી જુદી અદાલતોમા લાંબો સમય ચાલ્યા બાદ તમામ ક્રુર નિર્દયી આરોપીઓ નિદોર્ષ છૂટી ગયા એક અતિ મહત્વના અને બુધ્ધીમતાના કાર્ય માટે કોમેન્ડેટરી નોટ (પ્રશંસા પત્ર) અને રૂ.૧૦૦ નું ઈનામ આપી કદર કરી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.