Abtak Media Google News

આજી ડેમ વિસ્તારમાં ૭૫ વર્ષથી કબ્જામાં રહેલી જમીન રેગ્યુલરાઇઝડ કરવાની અરજી નામંજુર થતા જીલ્લા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં રોષે ભરાયેલા વૃઘ્ધાએ ઠાલવી હૈયા વરાળ

કબ્જાની જમીન રેગ્યુલરાઇઝ કરવા મામલે એક વૃઘ્ધાએ કલેકટર કચેરીમાં હોબાળો મચાવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આજી ડેમ વિસ્તારમાં ૭પ વર્ષથી કબ્જામાં રહેલી જમીન રેગ્યુલરાઇઝ કરવાની અરજી નામંજુર થતા જીલ્લા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં વૃઘ્ધાએ હોબાળો મચાવીને અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કર્યા હતા. બાદમાં પોલીસે આ વૃઘ્ધા સામે અટકાયતના પગલા પણ લીધા હતા.

પ્રાપ્ત વિગત મુજબ આજી ડેમ ચોકડી પાસે માનસરોવર નજીક, ભાવનગર રોડ ખાતે રહેતા મંગળાબેન ગોવિંદભાઇ બોડા નામના વૃઘ્ધા પ્લોટ નંબર ૧૯૩ પૈકી ૨૪૨ વાર જેટલી જમીન કબ્જો ધરાવે છે આ જમીન નીયમીત કરી આપવા તેઓએ અનેક વાર રજુઆતો કરી છે

આ જમીન પર તેઓ છેલ્લા ૭પ વર્ષથી રહે છે. જયાં તેઓને ચાની કેબીન પણ હતી. અને સાથે કાચુ મકાન હતું જયાં તેઓ પરિવાર સાથે વસવાટ કરતા હતા.

આ જગ્યા ઉપર વર્ષ ૨૦૦૦-૨૦૦૭ અને ૨૦૧૨ માં મહાપાલિકા દ્વારા ડિમોલીશન હાથ ધરીને મકાન પાડી નાખવામાં આવ્યું હતું. બાદમાં સગા-સંબંધીની આર્થીક મદદથી તેઓએ ફરી મકાન બનાવ્યું હતું આ ર૪ર વાર જમીન રેગ્યુલરાઇઝ કરવા માટે તેઓએ ગાંધીનગર સુધી અનેક રજુઆતો કરી છે. ઉપરાંત મુખ્યમંત્રીના જીલ્લા સ્વાગત કાર્યક્રમમાં પણ આ પ્રશ્ર્ને વૃઘ્ધાને બોલાવવામાં આવ્યા હતા પરંતુ તેઓની કોઇ રજુઆતને ઘ્યાને લેવામાં આવી ન હતી.

કબજાની જમીન રેગ્યુલરાઇઝ કરવા મામલે આજે આ વૃઘ્ધા જીલ્લા કલેકટર કચેરીએ ચાલી રહેલા જીલ્લા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમમાઁ પહોંચી ગયા હતા. જયા તેઓએ હોબાળો મચાવીને અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. બનાવને પગલે પ્રહલાદનગર પોલીસની ટીમે કચેરીએ પહોંચીને વૃઘ્ધાની અટકાયત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.