Abtak Media Google News

ચાર માસના ટુંકા સમયગાળામાં ત્રણ વખત ટાંકો તુટવાની ઘટના બનતા મેયર ડો.જૈમન ઉપાધ્યાયે આપ્યા તપાસના આદેશ: જરૂર પડયે તમામ ૧૧ ટાંકાઓ આરસીસીના બનાવવા પણ સુચના

શહેરના વોર્ડ નં.૩માં રેલનગર વિસ્તારમાં મહાપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી આવાસ યોજનાનો ટાંકો છેલ્લા ત્રણ-ચાર માસમાં ગઈકાલે રાત્રે ત્રીજી વખત તુટવાની ઘટના બની હતી. જેની ગંભીરતાને ધ્યાનમાં લઈ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે આવાસ યોજના વિભાગના વડા અલ્પનાબેન મિત્રાને તાત્કાલિક અસરથી તપાસના આદેશ આપી દીધા છે. જરૂર પડયે પ્લાસ્ટીકની ટાંકીની જગ્યાએ તમામ ૧૧ ટાંકા આરસીસીના બનાવવા પણ તાકીદ કરાઈ છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ગઈકાલે મધરાત્રે શહેરના વોર્ડ નં.૩માં રેલનગર વિસ્તારમાં મહાપાલિકાની આવાસ યોજનામાં છત્રપતિ શિવાજી ટાઉનશીપની એ વિંગનો પાણીનો ટાંકો ધડાકાભેર તુટતા સ્થાનિકોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ડરના માર્યા લોકો મધરાત્રે પોતાના ઘરની બહાર નિકળી ગયા હતા. છેલ્લા ચાર માસમાં ત્રીજી વખત ટાંકો તુટવાની ગંભીર ઘટના બની હતી. દરમિયાન ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લેતા અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે આજે સવારે મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની અને આવાસ યોજના વિભાગના વડા અલ્પનાબેન મિત્રાને ટેલીફોન પર સમગ્ર ઘટનાના તપાસના આદેશ આપ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા ચાર માસમાં ત્રણ વખત આવાસ યોજનાની ટાઉનશીપમાં પાણીના ટાંકા તુટવાની ઘટના બની છે. જે ખરેખર ખુબ જ ગંભીર છે. ત્રણેય વખત સદનશીબે કોઈ જાનહાની થઈ નથી. અહીં હજારો લોકો વસવાટ કરી રહ્યા છે ત્યારે જો કોઈ પ્રસંગ ચાલુ હોય અને આવી ઘટના સર્જાય તો અનિચ્છનીય બનાવ બનવાની સંભાવના પણ રહેલી છે. ત્યારે ઘટનાની ગંભીરતાની પારખી તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. તેઓએ ઉમેર્યું હતું કે, અધિકારીઓની એવી પણ તાકીદ કરવામાં આવી છે કે, જો જરૂર પડે તો છત્રપતિ શિવાજી ટાઉનશીપની વિંગમાં જે ૧૧ ટાંકાઓ આવેલા છે તે તમામ આરસીસીના બનાવી નાખવા જેથી ભવિષ્યમાં પાણીનો ટાંકો તુટવા જેવી ઘટના સર્જાય નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે ચાર માસ પહેલા પણ પાણીનો ટાંકો તુટવાની ઘટના બની હતી ત્યારે અધિકારીઓ અને પદાધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. તેઓ જયારે ઘટનાની તપાસ કરી રહ્યા હતા તે વેળાએ અચાનક બીજો ટાંકો પણ ધરાશાયી થઈ ગયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.