Abtak Media Google News

પોલીસ કોન્સ્ટેબલ જેઠ સહિત ચાર શખ્સોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું

જૂનાગઢ મધુરમ બાયપાસ પર આવેલા સુદામા પાર્કમાં રહેતા મહિલા એએસઆઇની મિલકતના પ્રશ્ને પતિ, સાસુ, સસરા અને પોલીસમેન જેઠ સહિતના શખ્સોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસબેડામાં ખળભાળાટ મચી ગયો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુદામા પાર્કમાં રહેતા મહિલા એએસઆઇ કિરણબેન પંકજભાઇ વેગડા નામની વિપ્ર પરિણીતાની હત્યા તેના પતિ પંકજ વેગડા, સસરા ભવાનીશંકર વેગડા, સાસુ રસીલાબેન વેગડા અને પોલીસમેન જેઠ દિપક વેગડા નામના શખ્સોએ હત્યા કર્યાની કેશોદની શ્રધ્ધા સોસાયટીમાં રહેતા મહેશભાઇ કનુભાઇ જોષીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જૂનાગઢ સી ડિવિઝન પોલીસ મથકમાંથી તાજેતરમાં જ વિસાવદર ખાતે બદલી થયેલા કિરણબેન વેગડાની મિલકતના પ્રશ્ર્ને પતિ પંકજ વેગડા સહિતના સાસરીયા સાથે માથાકૂટ ચાલતી હોવાથી ગતરાતે કિરણબેન પોતાના ઘરે હતા ત્યારે બાટવા ખાતે પોલીસમાં ફરજ બજાવતા દિપક વેગડા પોતાના ઘરે આવ્યો હતો અને માથાકૂટ ઉગ્ર બનતા પતિ પંકજ વેગડા, જેઠ દિપક વેગડા, સસરા ભવાનીશંકર અને સાસુ રસીલાબેને એક સંપ કરી કિરણબેનના પેટ અને હાથ પર છરીના ઘા ઝીંકી દેતા તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

જૂનાગઢ સી ડિવિઝન પોલીસ મથકના પી.એસ.આઇ. ડી.કે.વાઘેલા અને રાઇટર ગોવિંદભાઇએ મહેશભાઇની ફરિયાદ પરથી પતિ સહિત ચારેય સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.