Abtak Media Google News

શહેર અને ગ્રામ્ય વિસ્તારના સાડા ત્રણ લાખથી વધુ બાળકોને જીવલેણ રોગથી મુકત કરવા તંત્રએ તૈયારી બતાવી

સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગે કેન્દ્ર સરકારના માર્ગદર્શન નીચે ગુજરાતમાં આગામી ૧૬ જુલાઈથી ઓરી અને રૂબેલા નામના ખતરનાક રોગમાંથી બાળકોને ભયમુકત કરવા તૈયારી આરંભી છે. ગઈકાલે જુનાગઢ જીલ્લા પંચાયતે તેમજ મનપાના આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ડબલ્યુએચઓના વરીષ્ઠ અધિકારીને સાથે રાખી એક પત્રકાર પરીષદ સંબોધી હતી. જેમાં ઉપરોકત જીવલેણ રોગોથી બાળકોને બચાવવા શરૂ થનાર રસીકરણ અભિયાન અંગે વિસ્તૃત જાણકારીઓ આપી હતી. શહેર તેમજ ગ્રામ્યકક્ષાએ નવ માસથી લઈ પંદર વર્ષ સુધીના બાળકોને આ રસીકરણ માટેનો કાર્યક્રમ શહેર તેમજ ગ્રામ્ય કક્ષાએ આગામી ૧૬ જુલાઈથી શરૂ કરી છ સપ્તાહ જેટલા સમયમાં તબકકાવાર કરાશે.

આ અંગે વધુ વિગત અનુસાર જુનાગઢ ગઈકાલે ડબલ્યુએચઓના વરીષ્ઠ અધિકારી ડો.કમલાકર લસકરેના સીધા માર્ગદર્શન નીચે મનપાના આરોગ્ય અધિકારી ડો.ડેડાણીયા તેમજ જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગના ડો.એચ.એચ.હોપાએ એક પત્રકાર પરીષદ સંબોધી હતી. ભુતકાળમાં પોલીયો, શીતળા, અછબડા જેવા બાળકોમાં થતા જીવલેણ રોગો સામે રાજય સરકાર તેમજ ડબલ્યુએચઓના ઉપક્રમે રસીકરણ અભિયાનો ચલાવી લગભગ આ રોગોને નાબુદ કરવામાં મોટી સફળતા મેળવી છે ત્યારે આગામી ૧૬ જુલાઈથી ગુજરાતમાં શરૂ થતા આ અભિયાનમાં જુનાગઢ જીલ્લા પંચાયત તેમજ મનપા પણ કામગીરી કરશે.

ઓરી અને રૂબેલા (નુરલીલી)ને ઉપસ્થિત અધિકારીઓ એક જીવલેણ રોગ ગણાવ્યા હતા. ઓરીના લીધે બાળકોમાં વિકલાંગતા તેમજ અકાળે મૃત્યુ થવાની ઘટનાઓ બની શકે છે. જયારે રૂબેલા ગર્ભવતી મહિલાથી લઈ પંદર વર્ષ સુધીના બાળકોમાં મોટાભાગે આ ચેપગ્રસ્ત વાઈરસ જોવા મળે છે. આ રોગને નિયંત્રણમાં લાવવા રસીકરણ અભિયાન અત્યંત જરૂરી હોય વધુમાં વધુ બાળકો આ અભિયાનનો લાભ લઈ રસીકરણ કરાવી શકે તે હેતુથી જીલ્લાઓમાં અને તાલુકાઓમાં હાલ રાજય સરકારે તૈયારીઓ આરંભી છે. ડબલ્યુએચઓના વરીષ્ઠ અધિકારી ડો.કમલાકરે વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે, અગાઉ ૧૬ જેટલા રાજયોમાં તેમના માર્ગદર્શન નીચે આ અભિયાન સફળતાપૂર્વક પાર કરી શકયા છે. જુનાગઢ મનપાના ડો.ડેડાણીયાએ જણાવ્યું હતું કે, શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લગભગ ૩,૭૦,૦૦૦ જેટલા બાળકોમાં આ રસીકરણ કરાશે. આંગણવાડીથી લઈ સરકારી તેમજ ખાનગી સ્કૂલોને પણ આ અભિયાનમાં જોડવામાં આવશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.