જેતપુરમાં દિનદહાડે યુવકની આંખમાં મરચુ છાંટી રૂ. ૪ર લાખની દિલધડક લૂંટ

ધોરાજીનો સોના-ચાંદીનો સેલ્સમેન જેતપુરમાં લૂંટાયો: રૂ. ર લાખ રોકડ, રૂ. ૪૦ લાખના દાગીના ભરેલો થેલો ઝુંટવી હવામાં ઓગળી ગયા

લુંટના પગલે જેતપુર દોડતા રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મિણા: એલસીબી, એસઓજીની ટીમો પણ જેતપુર પહોંચી

લુંટારૂઓના સગડ મેળવવા સીસીટીવી કેમેરાઓ તપાસતી પોલીસ: બન્ને લુંટારૂઓએ હેલમેટ પહેરી હતી: છરી વડે હુમલો પણ કરાયો

જેતપુરમાં આજે ધોરાજીથી સોના-ચાંદીનાં દાગીના વેંચવા આવેલા સેલ્સમેનને શહેરના નાના ચોક, રમાકાન્ત વિસ્તારમાં આંતરી બે હેલમેટ ધારી બાઇક સવારો રૂા બે લાખ રોકડ અને આશરે ૭૦૦/૮૦૦ ગ્રામ સોનુ ભરેલો થેલો આંખમાં મરચાની ભૂકી છાંટી લુંટી ગયાની ઘટનાથી શહેરભરમાં ચકચાર જાગી છે આ બનાવમાં લુંટારૂઓએ સેલ્સમેનને પગમાં છરીનો ઘા મારતા તેમને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બીજી બાજુ આવી મોટી રકમ અને સોનાની લુંટના પગલે રાજકોટ જીલ્લા પોલીસ વડા બલરામ મિણા અને સ્થાનીક ડેપ્યુટી સાગર બાગમારે ઘટના સ્થળે દોડી જઇ લુંટારૂઓના તાગ મેળવવા તપાસનો ધમધમાટ શરુ કયો છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ધોરાજીના હિરપરા વાડી વિસ્તારમાં રહેતો અને સોના-ચાંદીના દાગીનાનું હોલસેલ વેચાણ કરતો ચીમનભાઇ કાળાભાઇ વેકરીયા આજે સવારે નવેક વાગ્યે જેતપુરમાં આવ્યો હતો.

અહી શહેરની મતવા શેરી અને ત્યારબાદ સોની બજારમાં જવા માટે ચીમનભાઇએ સોની બજાર પાછળના રમાકાન્ત રોડનો ઉપયોગ કરી ત્યાંથી નીકળતો હતો ત્યારે થોડે બાઇક ઉભુ રાખી, ચુપચાપ ચીમનભાઇ પાછળ પહોચેલા ર હેલમેટ ધારી શખ્સોએ ચિમનને આંતરી, છરી વડે હુમલો કરી મરચાની ભૂંકી ઉડાડતાં ચીમનભાઇ નીચે પડી ગયા હતા.આવા સમયે બન્ને અજાણ્યા લુંટારૂઓએ આ સેલ્સમેન પાસેનો રોકડ રૂપિયા ર લાખ અને ૭૦૦ થી ૮૦૦ ગ્રામ સોનું (રૂ. આશરે ૪૦ લાખ) ભરેલો થેલો ઝુંટવી હવામાં આંગળી ગયા હતા.

બીજી બાજુ અજાણ્યા હેલમેટ ધારી લુંટારૂઓનાં છરી વડેથી કરાયેલા હુમલાથી ચીમનભાઇને લોહી નીગળતી હાલતમાં સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. હોસ્પિટલ બિછાનેથી ચીમનભાઇએ પોલીસને પોતાની સાથે લુંટની બનેલી ઘટનાની વિગતો આપતા જીલ્લાભરની પોલીસે સર્તકતા દાખવી તપાસ શરુ કરી છે.

બે લુંટારૂઓ હેલમેટ ધારી હતાં

ચીમન વેકરીયાએ પોલીસને કહ્યું કે રમાકાન્ત રોડ પર તેમની પાછળ અચાનક ધસી આવેલા શખ્સોએ હેલમેટ પહેરી હોવાથી ચહેરા જોઇ શકાયા ન હતા. આંખોમાં મરચાની ચટણી છાંટી દીધી હોવાથી આંખોમાં સખ્ત બળતરા થવા લાગતા લુંટારૂઓ નાસી જવામાં સફળ થયા હોવાનું જણાવ્યું હતું.

જેતપુરમાં ચારે બાજુ રસ્તાઓની નાકાબંધી

પોલીસે કહ્યું કે આવી મોટી લૂંટની ઘટનાની જાણ થતાં પોલીસે જેતપુરનો મુખ્ય રોડ રસ્તા પર નાકાબંધી કરીને ફરીયાદીએ આપેલા વર્ણન  મુજબના શકમંદ હેલમેટ ધારીઓને તપાસાયા હતા. હાલ પોલીસે શંકા જણાય તેવા રસ્તાઓ અને રોડ પરના સીસી ટીવી કેમેરાના સીસી કુટેજ તપાસવા કવાયત આદરી છે.

એસ.ઓ.જી., એલ.સી.બી. પોલીસની ટીમો કામે લાગી

રાજકોટ જીલ્લા પોલીસ વડા બલરામ મીણાની સુચનાથી રાજકોટ એલસીબી (રૂરલ) અને એસઓજી (રૂરલ) ની ટીમો જેતપુર દોડી જઇએ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. પોલીસ તંત્રની આ મહતવની શાખાઓના પોલીસ વડાઓએ લુંટ કેસમાં અગાઉ સંડોવાયેલા જુના આરોપીઓના પણ સગડ મેળવવા કવાયત આદરી છે.

લુંટારૂઓએ રેકી કર્યાનું અનુમાન

ચીમને પોલીસને જણાવ્યું હતુ કે, પોતે છેલ્લા ત્રણ ચાર વર્ષથી જેતપુરમાં સોના-ચાંદીના વેચવા આવે છે. અને મોટે ભાગે મતવા શેરી અને સોની બજારમાં પહોચવા રમાકાન્ત રોડનો ઉપયોગ કરતો હોવાથી કદાચ લુંટારૂઓએ અગાઉ રેકી કરી હોવી જોઇએ, કારણ કે રમાકાન્ત રોડ પર લોકોની સવારના સમયે બહુ અવર જવર હોતી નથી.

એસ.પી. મિણા જેતપુર દોડયા

આશરે રૂ. ૪૦ થી ૪ર લાખની લુંટના પગલે રાજકોટ જીલ્લા પોલીસ વડા બલરામ મિણા જેતપુર દોડી જઇને સ્થાનીક પોલીસ ઉ૫રાંત ડેપ્યુટી સાગર બાગમાર સાથે મસલતો કરી બનાવ સ્થળે પહોચ્યા હતા. પોલીસનાં જણાવ્યા મુજબ હાલ રમાકાન્ત રોડ પરના અમુક સીસી કેમેરામાં કુટેજ તપાસીય રહયા છે.

સોનુ રોકડ કોના હતાં? તપાસ શરૂ

ધોરાજીના ચિમન વેકરીયાએ પોલીસને પોતાની પાસેની રોકડ રૂ.  બે લાખ અને રૂ. ૪૦ લાખના સોનાના દાગીના હોવાની વાત દોહરાવી છે ત્યારે આ વાતમાં કેટલું તથ્ય છે? ચિમન પાસેની આ રોકડ અને સોનું કોનું હતું? કોઇ વેપારીઓને દેવા આવ્યો હતો કે શું?  સોનાની કાનની બુંટીઓ અને વીંટીઓ જેતપુરના કોઇ સોની મહાજનને આપવાની હતી કે કેમ? વિગેરે બાબતે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Loading...