Abtak Media Google News

જેની સરકાર વેપારી…ની કહેવત આત્મસાત કરીને વડાપ્રધાનના ખાનગીકરણના મંત્રથી ગુજરાત સરકાર ૩ લાખ કરોડના દેવામાંથી થઈ જશે મુક્ત !!!

જેની સરકાર વેપારી… તેની પ્રજા ભિખારી…ની કહેવતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મસાત કરીને ખાનગીકરણના માર્ગે સરકારના બોજારૂપ જાહેર સાહસોને ખાનગી ધોરણે સંચાલન કરવાની જવાબદારીનું ખાનગીકરણ કરીને સરકારનું કામ રાજ ચલાવવાનું હોય તેનાથી વેપાર ન થાય, વેપાર અને રાજનું સંચાલન એક નદીના બે અલગ અલગ કિનારા જેવું હોય છે. જે સાથે રહે છે પણ ક્યારેય મળતા નથી. ભુતકાળની રાજકીય વ્યવસ્થામાં પણ રાજા શાસન ચલાવતા અને વેપાર ઉદ્યોગને રાજકીય સહકાર આપીને વિકાસની પુરી તક આપતા હતા. જૂના જમાનાની રાજ વ્યવસ્થામાં રાજ ક્યારેય વેપાર-વ્યવસાયમાં દખલગીરી કરતું ન હતું. એટલે જ મધ્ય યુગમાં ભારતને સોનાની ભૂમિ કહેવામાં આવતી હતી અને ઈતિહાસમાં અનેક દાયકાઓમાં ભારતે સુવર્ણ યુગ ભોગવ્યો હતો.

ભારત સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારી કંપનીઓને જાહેર સાહસોનું બોજ સરકાર માથેથી હટાવીને ખાનગી નિષ્ણાંત કંપનીઓને સંચાલન આપવાની જે પેટર્ન અપનાવી છે તેનાથી જાહેર સાહસોનો સરકાર પરનો બોજ અને ખોટ ખાતા એકમો ખાનગીકરણના કારણે નફા કરતા થઈ જાય તે માટેના રસ્તા ખોલ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાનગીકરણના મંત્ર ગુજરાત સરકાર માટે પણ આશિર્વાદરૂપ બની શકે છે. ગુજરાત સરકારના અંદાજ મુજબ ૨૦૧૯-૨૦માં સરકારને રૂા.૨૦૩૬૫ કરોડનું જાહેર સાહસોનું ઋણ ચૂકવવું પડ્યું હતું અને તે દર વર્ષે ૮.૮૯ ટકા જેટલું વધી રહ્યું છે. કહેવત છે કે વ્યાજના ચકરડાઓને ઘોડા પણ ન આંબે. સરકારનું આ દેવું ચક્રવૃદ્ધિ વ્યાજ તરીકે વધી રહ્યું છે અને છેવટ પાઘડીનો વળ છેડે આવે તેવી રીતે સરકારનો આ બોજ પ્રજા પર જ આવે તે વાતની હકીકતને સમયસર સ્વીકારીને રાજ્ય સરકાર હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાનગીકરણના મંત્રને અપનાવવા માંગે છે. ગુજરાત સરકારના જાહેર સાહસોના ખાનગીકરણથી ગુજરાતની ત્રણ લાખ કરોડનો બોજ ઉતરી જશે અને વાર્ષિક ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનું વ્યાજ અટકી જશે.

ગુજરાતની સરકારી જાહેર સાહસોની છેલ્લા પાંચ વર્ષની સ્થિતિ જોવા જઈએ તો રૂા.૮૬૧૩૧ કરોડ રૂપિયાનું બોજરૂપ જાહેર સાહસોનું વ્યાજ ચૂકવવું પડ્યું છે. વાર્ષિક અંદાજપત્ર મુજબ ગુજરાત સરકારના જાહેર ક્ષેત્રના બોજનો આંકડો ૨,૯૬,૨૬૮ કરોડ રૂપિયા જેવું વિશાળકાય છે અને તેના ઉપર ૨૦ હજાર કરોડ રૂપિયાનું વ્યાજનું ચકરડુ ચાલુ છે. કેન્દ્ર સરકારની કેગ દ્વારા દર વર્ષે ગુજરાત સરકારને જાહેર ક્ષેત્રના વળતર વિનાના રોકાણ અને સરકારના બોજ અંગે રિપોર્ટ આપવામાં આવે છે. ગુજરાત સરકાર પાસે ચાવીરૂપ જાહેર ક્ષેત્રનું રૂા.૭૦,૦૦૦ કરોડ અને ૧.૫ લાખ કરોડથી ૩ લાખ કરોડ રૂપિયા સુધીની અસકયામતોનું ખાનગીકરણ કરવામાં આવે તો સરકારના ૩ લાખ કરોડ રૂપિયાના દેવા બોજમાંથી મુક્તિ મળી જાય.વડાપ્રધાનના ખાનગીકરણના મંત્રથી ગુજરાત સંપૂર્ણપણે કરજમુક્ત બની શકશે. જેની સરકાર વેપારી… તેની પ્રજા ભિખારીનું રાજ વ્યવસ્થા પર કાયમી ધોરણે રહેલુ મેણુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાંગવા માંગે છે અને સરકારથી વેપાર કરાય જ નહીં, સરકારનું કામ રાજ કરવાનું છે. ભૂતકાળમાં પણ જ્યારે ભારતનું અર્થતંત્ર અને રાજ વ્યવસ્થા સધ્ધર અને સુવર્ણ યુગમાંથી પસાર થતી હતી ત્યારે પણ રાજા-મહારાજાઓ, બાદશાહો  ક્યારેય વેપાર પોતાના હાથમાં લેતા જ ન હતા. સરકારનું કામ રાજ વ્યવસ્થા સંભાળવું અને વેપારી વર્ગને પ્રોત્સાહન આપવાનું હોય. વડાપ્રધાનના આ મંત્રથી ગુજરાતના જાહેરક્ષેત્રોના ખાનગીકરણથી રાજ્ય પરનું ૩ લાખ કરોડ રૂપિયાનો બોજો ઉતરી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.