Abtak Media Google News

અગાઉ પંચાયતોમાં છવાયેલું કોંગ્રેસી રાજ પડી ભાંગ્યું: અગાઉ તમામ મહાપાલિકાઓ કબ્જે કર્યા બાદ તમામ 31 જિલ્લા પંચાયતો અને 78 નગરપાલિકાઓમાં પણ ભાજપે કેસરિયો લહેરાવ્યો

જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની 8474 બેઠકોમાંથી ભાજપે 6239 બેઠકો જીતી હતી : ગત ચૂંટણી કરતા ભાજપે 4 ગણી વધુ બેઠકો જીતી વિક્રમ સર્જ્યો

ગુજરાતમાં પંચાયતોથી લઈને પાર્લામેન્ટ્રી સુધી હવે પંચાયત રાજ જ છવાયું છે. અગાઉ પાર્લામેન્ટ્રીમાં રાજ સ્થાપ્યા બાદ હવે પંચાયતોમાં પણ ભાજપે રાજ સ્થાપ્યું છે. ભાજપને ગુજરાતમાં નરેન્દ્ર મોદીના સાશનમાં જે જીત મળી હતી. તેનાથી ભવ્ય જીત રૂપાણીના સાશનમાં મળી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ અત્ર, તત્ર અને સર્વત્ર ભાજપ ક છવાય ગયું છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમામ મહાપાલિકાઓ ઉપર કેસરિયો છવાયા બાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં પણ કેસરિયો છવાઈ જવા પામ્યો છે. 31 જિલ્લા પંચાયતોની 980 બેઠકોમાંથી 799 બેઠકો ઉપર ભાજપ, 171 બેઠકો ઉપર કોંગ્રેસ અને 10 બેઠકો ઉપર અન્ય જ્યારે 81 નગરપાલિકાઓની 2720 બેઠકમાં 2086 બેઠકો ઉપર ભાજપ, 401 બેઠક ઉપર કોંગ્રેસ અને 233 બેઠક ઉપર અન્ય, 231 તાલુકા પંચાયતની 4774 બેઠકોમાં 3354 બેઠકોમાં 3354 બેઠકો ઉપર ભાજપ, 1231 બેઠકો ઉપર કોંગ્રેસ અને 164 બેઠકો ઉપર અન્યની જીત થઈ છે.આમ જિલ્લા- તાલુકા અને નગરપાલિકાઓની 8474 બેઠકો ઉપર 6239 બેઠકો ઉપર ભાજપ અને 1803 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયો છે.

વર્ષ 2015ના આંકડા જોઈએ તો ત્યારે જિલ્લા પંચાયતની 983 બેઠકોમાંથી 365 ભાજપ, 594 કોંગ્રેસ જ્યારે તાલુકા પંચાયતની 4707 બેઠકમાં 1967 ભાજપ અને 2536 કોંગ્રેસ જ્યારે નગરપાલિકાની 2715 બેઠકમાં 1562 બેઠકમાં ભાજપ અને 862 બેઠકમાં કોંગ્રેસ આવ્યું હતું. વર્ષ 2021માં ચિત્ર બદલાયું છે. કોંગ્રેસ પાસેથી મોટાભાગની તાલુકા પચાયતો, નગરપાલિકાઓ અને તમામ જિલ્લા પંચાયતોમાં ભાજપે સતા આંચકી લીધી છે.

હવે પંચાયતોથી લઈને પાર્લામેન્ટ્રી સુધી ભાજપ જ ભાજપ છે. કોંગ્રેસને કારમી હાર સહન કરવાનો વારો આવ્યો છે. જો કે અગાઉની વર્ષ 2015ની ચૂંટણીમાં પણ ભાજપ છવાઈ જાય તેવા પૂરતા સંજોગો સર્જાયા હતા. પણ પાટીદાર અનામત આંદોલન ફેકટર નડી જતા ભાજપને મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો. તેના કારણે મોટાભાગની તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતો કોંગ્રેસના હવાલે થઈ હતી. પણ હવે ભાજપે આ તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોમાં પોતાનું સાશન સ્થાપી દીધું છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ ગુજરાત રાજ્યમાં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં જેટલી ચૂંટણી યોજાઈ તેવા જેવી જ્વલંત સફળતા નહોતી મળી તેવી સફળતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આગેવાનીમાં મળી છે. ગુજરાતમાં સ્થાનીક સ્વરાજયની ચૂંટણીએ સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. આ ચૂંટણીએ ગુજરાત ભાજપનો ગઢ હોવાનો સમગ્ર દેશમાં સંદેશો આપ્યો છે. હાલ આ ચૂંટણીમાં શાનદાર જીતથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું કદ વધ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.