Abtak Media Google News

કુલ અડધો ડઝન આસામીઓ સામે દંડનીય કાર્યવાહી

રાજકોટ મહાપાલિકા દ્વારા સેમ્પલ લીધા બાદ મિસ બ્રાન્ડેડ અને સબ બ્રાન્ડેડ જાહેર થયેલા કેસો સામે આજે અધિક જિલ્લા કલેકટર પરિમલ પંડ્યાએ દંડનીય કાર્યવાહી હાથ ધરીને અડધો ડઝન જેટલા આસામીઓને રૂ. 2.17 લાખની પેનલ્ટી ફટકારી હોવાનું જાણવા મળ્યું છે.

મહાપાલિકાના દ્વારા શહેરમાં ફૂડ કે અન્ય કોઈ વસ્તુના સેમ્પલ લીધા બાદ તેનું પરીક્ષણ કરવામાં આવે છે. જેમાં પ્રોડક્ટમાં ભેળસેળ જણાયે કેસ કોર્ટમાં જાય છે. અને મિસ બ્રાન્ડેડ અથવા સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલા કેસો અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે જાય છે. આમ મિસ બ્રાન્ડેડ અને સબ સ્ટાન્ડર્ડના છ કેસોમાં આજે અધિક જિલ્લા કલેકટર પરિમલ પંડ્યાએ દંડનીય કાર્યવાહીના આદેશો કર્યા છે.

જેમાં ડો. યાજ્ઞિક રોડ ઉપર આવેલ સુમુખા એગ્રો. ઇન્ડ.લી. મિસ બ્રાન્ડેડ જાહેર થયેલ હોય તેને રૂ. 12 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે ગોવિંદબાગ શાકમાર્કેટ પાસે બ્રહ્માણીયાપરા-2 કોર્નર પર આવેલ શ્રી રામ ડેરી ફાર્મનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ હોવાથી તેને રૂ. 30 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. માલીયાસણ પાસે આવેલ કે.ડી. સેલ્સ કોર્પોરેશન નામના ડિસ્ટ્રિબ્યુટરનો નમૂનો મિસ બ્રાન્ડેડ જાહેર થયો હોવાથી તેને રૂ. 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગોંડલ રોડ ઉપર શિવાલીક-4માં આવેલ એવન્યુ સુપર માર્ટનો નમૂનો મિસ બ્રાન્ડેડ જાહેર થયેલો હોવાથી તેને રૂ. 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

એસ્ટ્રોન ચોકમાં રાધા ચેમ્બર્સમાં આવેલ અખિલેશ કોલડ્રિન્કનો નમૂનો મિસ બ્રાન્ડેડ જાહેર થતા તેને રૂ. 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે સહકાર સોસાયટી મેઈન રોડ ઉપર આવેલ સંતોષ સિઝન સ્ટોરનો નમૂનો મિસ બ્રાન્ડેડ જાહેર થતા તેને પણ રૂ. 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. આમ અડધો ડઝન કેસમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પરિમલ પંડ્યા દ્વારા રૂ. 2.17 લાખ પેનલ્ટી ફટકારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.