Abtak Media Google News

શહેરની બજારોમાં અનેરા દ્રશ્યો સર્જાયા: લસણ-ડુંગળીના ગગડતા ભાવો સામે નિદ્રાધીન સરકારને ઢંઢોળવા નવતર વિરોધ

રાજકોટ જીલ્લાના ધોરાજી-ઉપલેટાનાં ધારાસભ્ય લલિત વસોયાએ ગતરોજ માર્કેટીંગ યાર્ડમાં લસણ-ડુંગળીની પૈસાના ભાવોમાં જે ખરીદી કરવામાં આવી હતી તેની સામે નિંદ્રાધીન સરકારને જગાડવા ધોરાજી ખાતે નવતર વિરોધ કરેલ હતો.જેના ભાગરૂપે  સવારે તેઓ સરકાર સામે પ્રહાર કરતા વિવિધ બેનરો વાળી રેંકડી(લારી) લઈ તેમના કાર્યકર્તાઓ સાથે શહેરભરના મુખ્ય બજારોમાં લસણ તથા ડુંગળી મફતમાં વેંચાણ કરવા માટે નીકળેલ હતા.

ધારાસભ્ય વસોયા પોતે લસણ તથા ડુંગળી લઈ તેમના કાર્યકર્તાઓ સાથે રેંકડી લઈ બજારમાં નીકળેલ હોવાની તથા મફતમાં લસણ-ડુંગળી વિતરણની વાત વાયુવેગે ફેલાતા લોકોના ટોળા એકત્ર થયા હતા અને ધારાસભ્ય વસોયા દ્વારા મફતમાં વિતરણ કરાયેલ લસણ ડુંગળીનો લાભ લીધેલ હતો.

જેને લઈને શહેરની બજારમાં અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા.આ તકે ધારાસભ્ય લલિત વસોયાએ સાથે વાત કરતા તેઓએ જણાવેલ કે સરકારના રાજમાં ખેડૂત પાયમાલ થઈ રહ્યો છે તથા ખેડૂત દિવસ રાત મહેનત કરે છતાં પણ પોષણક્ષમ ભાવો મળતા નથી તેને લઈને જગતનો તાત ચિંતિત છે

સાથોસાથ ખેડૂત માર્કેટીંગ યાર્ડ પર જે બારદાનમાં લસણ ભરીને વેચવા આવે છે જેની કિંમત આશરે ૨૫ રૂપિયા જેવી હોય છે જ્યારે તેમની અંદર રહેલા લસણની કિંમત તે કરતા ઓછી હોય છે તેમ જણાવી સરકાર સામે આકરાં પ્રહારો કરેલ હતા.સાથોસાથ સરકાર સામે ચીમકી આપતા ઉચ્ચારેલ કે હજી તો નિંદ્રાધીન સરકારને જગાડવા તેમનો પ્રાથમિક તબક્કાની લડાઈ છે જ્યારે આવનાર સમયમાં સરકાર ખેડૂતની પડખે નહિ આવે તો જોવા જેવી થશે તેમ સ્પષ્ટ કહી દીધેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.