Abtak Media Google News

વોર્ડ નં.૪માં ભગવતીપરા મેઈન રોડના છેડે ચોકઅપ થઈ ગયેલી ડ્રેનેજની લાઈન બદલાવતી વેળાએ બનેલી દુર્ઘટના: મેન હોલમાં ખાબકેલા એક મજૂરને બચાવવા જતા બીજા બે મજૂરો પડ્યા; ત્રણેયને ગેસ ગળતરની અસર

તાત્કાલીક ફાયર બ્રિગેડની ટીમે રેસ્કયુકરી ત્રણેયને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા: રામભાઈ લાલાણી નામના મજૂરની હાલત ગંભીર: ધારાસભ્ય, ડે.મેયર, વિપક્ષી નેતા, ડ્રેનેજ ચેરમેન સહિતના હોસ્પિટલે દોડી ગયા

શહેરના સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ નં.૪માં ભગવતીપરા મેઈન રોડ પર આજે સવારે ડ્રેનેજની લાઈનના રિપેરીંગ વેળાએ એક દુર્ઘટના બની હતી. ડ્રેનેજની ચોકઅપ લાઈન બદલાવતી વેળાએ ૩ મજૂરો મેન હોલમાં ખાબક્યા હતા. ત્રણેયને ગેસ ગળતરની અસર થવા પામી હતી. ત્રણ પૈકી એક મજૂરની હાલત ખૂબ જ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્રણેય મજૂરો હાલ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.આ અંગે કોર્પોરેશનની ઈસ્ટઝોન કચેરીના સિટી એન્જિનીયર હારૂન દોઢીયાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, વોર્ડ નં.૪માં ભગવતીપરા મેઈન રોડના છેડે વિનાયક ફલેટવાળી શેરીની બાજુમાં ડ્રેનેજની લાઈન ચોક અપ થઈ ગઈ હતી. આજે સવારે વોર્ડના ડ્રેનેજ ઝોનલ કોન્ટ્રાકટર મંગાભાઈ ભાણાભાઈ સોલંકીના ત્રણ મજૂર નાગજીભાઈ ધનજીભાઈ ધરેજીયા (ઉ.વ.૩૫), બાબુભાઈ અજૂભાઈ ધરેજીયા (ઉ.વ.૪૦) અને રામભાઈ પથાભાઈ લાલાણી (ઉ.વ.૨૫) ડ્રેનેજ લાઈન બદલવા માટે ખોદકામ કરી રહ્યાં હતા. ચોક અપ લાઈન આડુ કશુ હોવાની શંકા જતાં એક મજૂર થોડો ઉંડો ઉતયો હતો જેનો પગ લપસતા તે ડ્રેનેજ મેન હોલમાં ગરકાવ થઈ ગયો હતો તેને બચાવવા જતા અન્ય બે મજૂરો પણ જતા તેઓ પણ ડ્રેનેજની મેન હોલમાં પડ્યા હતા.

Img 20200910 Wa0007

સ્થાનિક લોકો દ્વારા આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચે તે પહેલા ત્રણેય મજૂરોનું રેસ્કયુ કરી તાત્કાલીક અસરથી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ડ્રેનેજ મેન હોલમાં પડતા ત્રણેય મજૂરોને ગેસ ગળતરની અસર થવા પામી હતી. રામભાઈ પથાભાઈ લાલાણી નામના ૨૫ વર્ષીય યુવાન મજૂર બેભાન થઈ ગયો હતો અને તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. અન્ય બે મજૂરોની હાલત સામાન્ય છે. ભગવતીપરામાં ડ્રેનેજ લાઈન બદલતી વેળાએ ત્રણ મજૂરો મેન હોલમાં પડ્યા હતા અને ત્રણેયને સિવિલમાં ખસેડવામાં આવ્યા હોવાની વાતની જાણ થતા રાજકોટ પૂર્વના ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ડેપ્યુટી મેયર અશ્ર્વિનભાઈ મોલીયા, વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા અને ડ્રેનેજ સમિતિના ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. મેન હોલમાં પડેલા ત્રણેય મજૂરો ડ્રેનેજનો ગેસ ગળી જવાના કારણે હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે.

Img 20200910 Wa0008

ઇજનેરો અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના પાપે દુર્ઘટના બની:વિપક્ષી નેતા

વોર્ડ નં.૪માં ભૂગર્ભ ગટરમાં ઉતરેલા ૩ કામદારોને ગટરનો ગેસ ગળી જતા હાલત ખુબ જ ગંભીર હોવાનું જાણવા મળતા વિપક્ષીનેતા વશરામભાઈ સાગઠીયા સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.

વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાને સ્થાનિક આગેવાન અને સામાજિક કાર્યકર મહેશભાઈ ભુપતભાઈ મહિપાલ દ્વારા આખી આંખો દેખી ઘટનાનો અહેવાલ કહેતા ઈજનેરો અને કોન્ટ્રકટર ની ગંભીર બેદરકારીનો ઘટસ્ફોટ થયો હતો. સ્થાનિક લોકોએ મળીને પોતાની ૩-૪  ફોરવ્હીલમાં સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને પાછળથી ફાયરબ્રિગેડ અને ૧૦૮ પહોંચ્યા હતા માટે મનપાનું તંત્ર ખોટા જશ ન ખાટે તેવી તાકીદ પણ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે એકપણ કામદારની પાસે સેફ્ટીકીટ પહેરેલી ન હતી  માથામાં હેલ્મેટ હતી તેમજ સેફ્ટી શુઝ પણ નહોતા પહેર્યા.

આ ઘટનાની જાણ થતા રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા સિવિલ હોસ્પિટલ ખાતે સત્વરે પહોંચ્યા હતા અને બનાવની વિગતો તેમજ પ્રાથમિક માહિતી મેળવી હતી, આ સ્થળે બાબુભાઈ આજુભાઈ ધરેજીયા ઉ.વર્ષ ૪૦, નાગજીરામ ધનજીરામ ધરેજીયા ઉ.વર્ષ ૪૮, રામભાઈ તખાભાઈ લાલાણી ઉ.વર્ષ ૨૦ને સ્થળ પર ગંભીર હાલત હોવાથી સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટરો અને હાજર સ્ટાફને ગંભીરતાથી સારવાર લેવા અને ટ્રીટમેન્ટ આપવા આદેશો આપ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.