Abtak Media Google News

ખાનગી ન્યુઝ ચેનલના સર્વેમાં ભાજપને ૧૧૩થી ૧૨૧ બેઠકો અને કોંગ્રેસને ૫૮ થી ૬૪ બેઠકો મળવાનો અંદાજ: મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી ગુજરાતવાસીઓની પહેલી પસંદ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે એક માસ જેટલો સમયગાળો બાકી રહ્યો છે ત્યારે દેશની એક ખાનગી ન્યુઝ ચેનલ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં રાજયમાં સતાધારી પક્ષ ભાજપ ફરી એક વખત તોતીંગ બહુમતી સાથે સરકાર બનાવે તેવું જાહેર કરવામાં આવ્યું છે. જોકે સૌરાષ્ટ્રમાં ભાજપને મોટી નુકસાની જવાની ભીતિ પણ આ સર્વેમાં વ્યકત કરવામાં આવી છે.

એક ન્યુઝ ચેનલ દ્વારા ઓકટોબર માસમાં હાથ ધરવામાં આવેલા ઓપીનીયન પોલમાં ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપને ૧૧૩ થી ૧૨૧ બેઠકો મળી શકે છે અને કોંગ્રેસને ૫૮ થી ૬૪ બેઠકો મળવાની સંભાવના છે. ૨૨ વર્ષથી રાજયમાં શાસન કરી રહેલા ભાજપ સામે આ વર્ષે અનેક પડકારો હોવા છતાં ગુજરાતમાં ફરી ભાજપની સરકાર રચાઈ તેવો દાવો કરવામાં આવ્યો છે. બે મહિના અગાઉ જયારે આજ ન્યુઝ ચેનલ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો ત્યારે ભાજપને ૧૮૨ માંથી ૧૪૪ થી લઈ ૧૫૨ બેઠકો મળશે તેવું અનુમાન આપવામાં આવ્યું હતું અને કોંગ્રેસ માત્ર ૨૬ થી ૩૨ બેઠકો પૂરતી સીમીત રહેશે તેવું જણાવવામાં આવ્યું હતું. જોકે બે માસ બાદ ફરી હાથ ધરાયેલા સર્વેમાં ભાજપને બહુમતી મળતું હોવાનું જણાવવામાં આવ્યું છે. બીજા સર્વેમાં ભાજપની બેઠક ઘટતી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. કારણોમાં નોટબંધીને ઓગસ્ટ માસમાં ૫૫ ટકા લોકોએ યોગ્ય માન્યો હતો. જયારે ઓકટોબર માસમાં ૩૬ ટકા લોકોએ જ યોગ્ય માન્યો હતો. જીએસટીને ઓગસ્ટ માસમાં ૩૮ ટકા લોકોએ યોગ્ય માન્યો હતો. જયારે ઓકટોબરમાં માત્ર ૨૪ ટકા લોકોએ જ યોગ્ય ઠેરવ્યો છે.

ગુજરાતવાસીઓએ મુખ્યમંત્રી તરીકે સૌથી વધુ વિજયભાઈ રૂપાણીને પસંદ કર્યા છે. વિજયભાઈ રૂપાણીએ ૧૮ ટકા લોકો મુખ્યમંત્રી તરીકે પસંદ કરે છે. જયારે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરત સોલંકીને ૭ ટકા લોકો જ મુખ્યમંત્રી તરીકે પસંદ કરે છે. દક્ષિણ ગુજરાતમાં ભાજપને ૫૧ ટકા અને કોંગ્રેસને ૩૩ ટકા, સૌરાષ્ટ્ર કચ્છમાં ભાજપને ૪૨ અને કોંગ્રેસને ૪૨ ટકા, ઉતર ગુજરાતમાં ભાજપને ૪૪ અને કોંગ્રેસને ૪૯ ટકા જયારે મધ્ય ગુજરાતમાં ભાજપને ૫૪ અને કોંગ્રેસને ૩૮ ટકા મત મળતા હોવાનું સર્વેમાં જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.