Abtak Media Google News

કોર્પોરેશનને રૂ.૨૦.૬૮ લાખની આવક

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જયાં અભ્યાસ કર્યો હતો તે રાજકોટની મોહનદાસ ગાંધી વિદ્યાલયમાં પૂજય બાપુનાં વિદ્યાર્થીકાળનાં સંસ્મરણો કાયમી ધોરણે જળવાય રહે અને વિશ્ર્વભરનાં લોકોને તેમાંથી પ્રેરણા મળે તે માટે કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનાં ખર્ચે મહાત્મા ગાંધી મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. છેલ્લા ૯ માસ દરમિયાન ૩૩૫ વિદેશી મુલાકાતીઓ સહિત કુલ ૯૪,૩૮૪ લોકોએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી છે. મહાપાલિકાને રૂ.૨૦.૬૮ લાખની આવક થવા પામી છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ગત ૩૦ સપ્ટેમ્બરનાં રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મહાત્મા ગાંધી મ્યુઝિયમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ૧લી ઓકટોબરથી આ મ્યુઝિયમ લોકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. ૩૦ જુલાઈ સુધીમાં એટલે કે નવ માસમાં ૨૮,૪૨૦ બાળકો, ૬૫,૬૨૯ પુરુષ અને મહિલા જયારે ૩૩૫ વિદેશી મુલાકાતીઓ સહિત કુલ ૯૪,૩૮૪ લોકોએ મ્યુઝિયમની મુલાકાત લીધી છે. જેના થકી કોર્પોરેશનને ૨૦.૬૮ લાખની આવક થવા પામી છે. વિદેશી મુલાકાતીઓમાં ૩૦ કરતાં વધુ દેશ જેવા કે યુ.એસ.એ., સ્વીટઝરલેન્ડ, જાપાન, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ, મલેશિયા, સિંગાપોર, ઈજીપ્ત, સીરીયા, ફ્રાન્ચ, ઈંગ્લેન્ડ, મેકસીકો, જર્મની, સ્પેન, ઈટલી, સાઉથ કોરીયા, ગ્રીસ વિગેરે દેશનાં વિદેશી મુલાકાતીઓએ પણ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે. મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં મ્યુઝિયમ ઉપરાંત વિશાળ પાર્કીંગ, અદ્યતન લાયબ્રેરી, ફૂડ કોર્ટ, ગાર્ડન, સોવેનીયર શોપ, કોન્ફરન્સ રૂમ, મ્યુઝિયમ મુલાકાત માટે ગાઈડની સુવિધા, હેલ્પડેસ્ક, કલોક રૂમ વિ.સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. મહાત્મા ગાંધીજીનાં જીવનનાં આદર્શો દર્શાવતો લાઈટ એન્ડ સાઉન્ડ શો દરરોજ સાંજના ૭:૩૦ કલાકે પ્રદર્શીત કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.