Abtak Media Google News

માણસ જાતે ભારે કરી…

માણસ જાતે ફેલાવેલા પ્રદુષણના કારણે વિશ્ર્વમાં કલાઈમેટ ચેન્જનું જોખમ વધી રહ્યું છે. જેના પરિણામે આગામી ૫૦ વર્ષમાં એટલે કે, ૨૦૭૦ સુધીમાં દુનિયાના ત્રીજા ભાગના ફૂલછોડ-વનસ્પતિ અને પ્રાણીઓનું નિકંદન નિકળી જશે તેવી ચોંકાવનારી વિગતો સાંપડી રહી છે. આગામી પાંચ દાયકામાં અનેક વનસ્પતિ અને પ્રાણીઓની જાત દુનિયામાંથી વિલુપ્ત થઈ જશે. તાજેતરમાં સંશોધકોની એક ટૂકડીએ ૫૩૮ પ્રજાતિઓ ઉપર ૫૮૧ વિવિધ સ્થળોએ અભ્યાસ કર્યો હતો. જેમાંથી ફલીત થયું હતું કે, કોઈ એક જ સ્થળ પર ૧૦ વર્ષ જેટલો સમય વિતાવ્યા બાદ પ્રજાતિને તે સ્થળે ટકવું મુશ્કેલ બની રહ્યું છે. આ મુશ્કેલી કલાઈમેટ ચેન્જના કારણે વધી રહેલા તાપમાનનો પરિણામે સર્જાઈ છે. સંશોધકોને જાણવા મળ્યું હતું કે, મોટાભાગની પ્રજાતિ વર્ષો પહેલા જે સ્થળે જોવા મળતી હતી ત્યાંથી નાશ પામી છે. ૫૩૮ પૈકીની ૪૪ ટકા પ્રજાતિ હવે કોઈ એક સ્થળે વસવાટ કરતી નથી. કલાઈમેટ ચેન્જના કારણે તાપમાનનો પારો સતત ઉંચો જઈ રહ્યો છે.

જો કોઈ સ્થળે સરેરાશ તાપમાનમાં ૦.૫ ડિગ્રી સેલ્સીયસનો વધારો થાય તો ૫૦ ટકા જેટલી પ્રજાતિને અસર થતી હોય છે. જો તાપમાન ૨.૯ ડિગ્રી સેલ્સીયસ જેટલું વધે તો ૯૫ ટકા પ્રજાતિ પર ગંભીર અસર થાય છે. માટે કલાઈમેટ ચેન્જને રોકી તાપમાન વધે નહીં તે જોવું જરૂરી બન્યું છે. વધતા તાપમાનના કારણે વન્ય પ્રાણીઓ વારંવાર સ્થળ બદલતા હોવાનું પણ સંશોધકોને જાણવા મળ્યું છે. તાજેતરમાં સંશોધકોએ વિવિધ ૧૯ સ્થળોએ અભ્યાસ કર્યો હતો. આ સ્થળોમાં તાપમાનનો પ્રમાણ વિભીન્ન હતું. તમામ ૧૯ સ્થળોએથી પ્રાણીઓ અને વનસ્પતિ પર તાપમાનની ગંભીર અસર થઈ હોવાનું સામે આવ્યું હતું.  જો પેરીસ સંધી મુજબ કલાઈમેટ ચેન્જ સામે લડવામાં આવશે તો દરેક ૧૦માંથી ૨ વનસ્પતિને બચાવી શકાશે તેવું સંશોધકોને માલુમ પડ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.