Abtak Media Google News

ચાઈના અને થાઈલેન્ડથી આવતા આયાતી ટાયર એન્ટી ડમ્પીંગ ડયૂટીના કારણે મોંઘા થશે: ઘર આંગણે ઉત્પાદિત ટાયરોને પ્રોત્સાહન મળવાની શકયતા

ઘર આંગણે ઉત્પાદિત વાહનના ટાયરને પ્રોત્સાહિત કરવા તેમજ કિંમતી હુંડીયામણને બચાવવા ડાયરેકટરેટ જનરલ ઓફ ટ્રેડ રેમીડીયશ (ડીજીટીઆર)એ આયાતી ટાયર ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી લાદવા હિમાયત કરી છે. ડીજીટીઆરને ઘર આંગણાના ઉત્પાદકોએ આ અંગે રજૂઆત કરી હતી. જેને ધ્યાને રાખીને ડીજીટીઆરએ આ પ્રકારની ભલામણ કરી છે.

ભારતમાં ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીનું ટર્નઓવર ખૂબજ મોટું છે. ભારતમાં ટુ-વ્હીલરથી માંડી ટ્રક અને લોરીનો ઉપયોગ ખુબ મોટા પ્રમાણમાં વ્યક્તિગત તેમજ કોમર્શીયલ ઉપયોગ માટે થાય છે. ઓટો મોબાઈલ ઈન્ડસ્ટ્રી ફકત વાહનથી નહીં પરંતુ વાહનમાં લાગતા તમામ પાર્ટસના સમન્વયથી ધબકતું હોય છે. તેવા સમયમાં આયાતી ટાયર પર એન્ટી ડમ્પીંગ ડયૂટી લાદીને ઘર આંગણે ઉત્પાદિત ટાયરોને પ્રોત્સાહિત કરવા તેમજ કિંમતી હુંડીયામણને બચાવવા ડીજીટીઆરએ વિદેશી-આયાતી ટાયર પર એન્ટી ડમ્પીંગ ડયૂટી ૫ વર્ષ સુધી લાદવાની ભલામણ કરી છે. ભારતની ટાયર ઉત્પાદન સાથે સંકળાયેલી અપોલો ટાયર લી., જે.કે. ટાયર ઈન્ડ., સીએટ ટાયર લી. તેમજ એમઆરએફ લી.એ આ અંગે ડીજીટીઆરને રજૂઆત પણ કરી હતી.

ડીજીટીઆરએ એક પરિપત્રના માધ્યમથી જણાવ્યું છે કે, ભારતમાં ગત વર્ષના પ્રમાણમાં આ વર્ષે ઓટો મોબાઈલ ક્ષેત્રનું ટર્નઓવર વધ્યું છે. લોકો ટુ-વ્હીલરથી માંડી અનેકવિધ પ્રકારના વાહનનો ઉપયોગ વધુ કરી રહ્યાં છે અને તેવા સમયમાં ઓટો મોબાઈલ ક્ષેત્રમાં વપરાતી અનેકવિધ પ્રોડકટ્સની આયાત પણ વધી છે. જેના કારણે ભારતની કિંમતી હુંડીયામણ વિદેશના દેશોમાં જઈ રહી છે. જેને અટકાવવા આયાત પર પ્રતિબંધ મુકવાની જરૂરીયાત છે અથવા તો એન્ટી ડમ્પીંગ ડયૂટી લાદીને મહદઅંશે આયાત અટકાવવાની જરૂરીયાત છે. ડીજીટીઆરએ નાણા મંત્રાલયને પાંચ વર્ષ સુધી આયાત ટાયર પર એન્ટી ડમ્પીંગ ડયૂટી લાદવાની ભલામણ કરી છે.

ભારતમાં મુખ્યત્વે ટાયરનો જથ્થો ચાઈના અને થાઈલેન્ડથી આવતા હોય છે. સસ્તા ભાવે મળતા આયાતી ટાયરથી લોકો આકર્ષાતા હોય છે અને આયાતી ટાયરની પસંદગીને પ્રાથમિકતા આપતા હોય છે પરંતુ જો આયાતી ટાયર પર એન્ટી ડમ્પીંગ ડયૂટી લાદવામાં આવે તો આયાતી ટાયરની કિંમતમાં વધારો થશે તેવા સમયે લોકો ઘર આંગણે ઉત્પાદિત ટાયરોની ખરીદી કરવા તરફ વળશે. જેના પરિણામે ડીજીટીઆરએ આ પ્રકારની ભલામણ નાણા મંત્રાલયને કરી છે.

સમગ્ર વિશ્વમાં ચાઈના સસ્તી પ્રોડ્કટસમાં પ્રખ્યાત છે ત્યારે ટાયરના મામલામાં પણ ચાઈના સસ્તા ટાયરથી ભારતના ઓટો મોબાઈલ ક્ષેત્રમાં ઘુસણખોરી કરી રહ્યું હતું. લોકો ક્યાં પ્રકારના ટાયરનો ઉપયોગ કરવો હિતાવહ છે તે અંગે જાગૃત નહીં હોવાથી સસ્તા ટાયરને પ્રાધાન્ય આપતા હોય છે. ખરા અર્થમાં સુરક્ષા અને ટાયરને સીધો સંબંધ છે બાબતથી લોકો બિલકુલ અજાણ છે જેના પરિણામે ચાઈનાએ ભારતીય ઓટો મોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં ઘર બનાવ્યું છે. પરંતુ હવે એન્ટી ડમ્પીંગ ડયૂટી અમલી બન્યા બાદ મહદઅંશે લોકો ટાયર અને સુરક્ષાના સંબંધ અંગે જાગૃત થશે અને ઘર આંગણે ઉત્પાદિત તેમજ સુરક્ષીત ટાયરનો ઉપયોગ કરશે.

થાઈલેન્ડથી આવતા ટાયરો ભારતમાં મોટાભાગે હેવી વ્હીકલમાં લગાવવામાં આવતા હોય છે. પરંતુ ભારતમાં પણ ઉચ્ચ ગુણવત્તાયુક્ત હેવી વ્હીકલના ટાયરનું ઉત્પાદન થઈ રહ્યું છે. થાઈલેન્ડની સાપેક્ષે ભારતમાં અદ્યતન ટેકનોલોજીના અભાવે થાઈલેન્ડના ટાયરની કિંમત ભારતના ટાયરથી અમુક અંશે ઓછી હોય છે. જેથી હેવી વ્હીકલમાં થાઈલેન્ડના ટાયરનો ઉપયોગ વધુ થતો હોય છે. પરંતુ એન્ટી ડમ્પીંગ ડયૂટી લાગ્યા બાદ સરેરાશ આયાતી ટાયરના ભાવ પણ ભારતીય ટાયરના ભાવ એક સરખા થવાની શકયતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.