Abtak Media Google News

ઉત્તરભારતમાં હિમવર્ષાના કારણે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં બે દિવસ બાદ ઠંડીનું જોર વધે તેવી હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં ૧૧મી ડિસેમ્બર બાદ ઠંડીનું જોર વધે એવી શકયતા છે. દક્ષિણ અને પશ્ર્ચિમ અરેબીયનમાં ડિપ્રેશન સર્જાયું છે જોકે તેની અસર બે દિવસ બાદ વર્તાશે તેવી આગાહી કરવામાં આવી છે. સૌથી ઓછું તાપમાન નલીયામાં ૧૦ ડિગ્રી આસપાસ રહેવાની શકયતા વ્યકત કરાઈ છે. આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. રાજકોટનું તાપમાન સવારે ૧૪.૭ ડિગ્રી જેટલું રહ્યું હતું. ગુજરાત સહિત માઉન્ટ આબુમાં પણ શિયાળાની સીઝન શરૂ થઈ ગઈ છે. તાપમાનનો પારો દિવસેને દિવસે ગગડી રહ્યો છે ત્યારે મંગળવારે સવારે તાપમાન ૨ ડિગ્રી થતા માઉન્ટ આબુનાં જાણીતા તળાવોમાં બરફ જામી ગયો હતો. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર ઉતર-પૂર્વનાં ઠંડા પવનો ફુંકાતા ગુજરાતમાં ઠંડીનો ચમકારો પણ વધશે.

રાજકોટનાં તાપમાનની વાત કરવામાં આવે તો આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૪.૭ ડિગ્રી નોંધાયું હતું જયારે મહતમ તાપમાન ૩૦.૪ ડિગ્રી નોંધાયું હતું. ગઈકાલની તુલનામાં વાત કરીએ તો ગઈકાલનું લઘુતમ તાપમાન ૧૩.૨ ડિગ્રી જેટલું નોંધાયું હતું તો આજે પારો ઉંચકયો છે અને ૧૪.૭ ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન નોંધાયું છે. જયારે હવામાં ભેજનું પ્રમાણ ૬૭ ટકા અને ૬ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાયો હતો. વેસ્ટન ડિસ્ટબન્સની અસરનાં કારણે ગુરુવારથી રાજકોટ સહિત રાજયભરમાં ઠંડીનું જોર વધશે. ઉતર-ભારતમાં હિમવર્ષાનાં કારણે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં બે દિવસ બાદ ઠંડીનું જોર વધે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.રાજયભરનાં શહેરોમાં લઘુતમ તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદનું લઘુતમ તાપમાન ૧૫ ડિગ્રી, ડિસાનું ૧૨.૬ ડિગ્રી, બરોડાનું ૧૭ ડિગ્રી, સુરતનું ૧૮.૮ ડિગ્રી, રાજકોટનું ૧૪.૭ ડિગ્રી, ભાવનગરનું ૧૭ ડિગ્રી, પોરબંદરનું ૧૮.૬ ડિગ્રી, વેરાવળનું ૧૯.૩ ડિગ્રી, દ્વારકાનું ૧૮.૯ ડિગ્રી, ઓખાનું ૨૧.૭ ડિગ્રી, ભુજનું ૧૪.૪ ડિગ્રી, નલીયાનું ૧૦.૬ ડિગ્રી, સુરેન્દ્રનગરનું ૧૪.૯ ડિગ્રી, કંડલાનું ૧૩.૪ ડિગ્રી, ગાંધીનગરનું ૧૩.૮ ડિગ્રી, મહુવાનું ૧૭.૫ ડિગ્રી, દિવનું ૧૮.૯ ડિગ્રી, વલસાડનું ૧૯.૯ ડિગ્રી, વલ્લભવિદ્યાનગરનું ૧૫.૫ ડિગ્રી અને કચ્છનું ૧૮.૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

7537D2F3 8

રાજયમાં સૌથી વધુ ઠંડી નલીયામાં પડી રહી છે. આજે નલીયાનું લઘુતમ તાપમાન ૧૦.૬ ડિગ્રી નોંધાયું હતું જયારે મહતમ તાપમાન ૨૯.૨ ડિગ્રી નોંધાયું છે અને હવામાં ભેજનું પ્રમાણ ૭૫ ટકા નોંધાયું છે. જયારે અન્ય કેટલાક શહેરોમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. રાજયમાં ઉતર-પૂર્વનાં પવન ફુંકાઈ રહ્યા છે અને વેસ્ટ ડિસ્ટબન્સની અસરનાં કારણે આગામી બે દિવસ ઠંડીનું જોર હજુ વધુ તેવી શકયતા સેવાઈ રહી છે.

વહેલી સવારે અને મોડીરાત્રે ફુલગુલાબી ઠંડીની અસરનાં કારણે મોર્નિંગ વોક કરવા જતા લોકોની સંખ્યામાં અને જીમ જતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ઠંડીથી બચવા લોકો ગરમ કપડાનો ઉપયોગ કરી રહ્યા છે. કેટલીક જગ્યાએ રાત્રીનાં સમયે લોકો તાપણાનો ઉપયોગ કરી ઠંડીથી બચી રહ્યા છે. આગામી દિવસોમાં હજુ પારો નીચો ગગડશે અને ઠંડીનું જોર વધશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.