અમર ગીતોના ગાયક ‘વોઇસ ઓફ ધ નેશન’ લત્તા મંગેશકર “મેરી આવાજ હી… પહેચાન હૈ

હેપી બર્થડે લતાજી…

૪૦ હજારથી વધુ ગીતો ગાઇને વર્લ્ડ રેકોર્ડ કરનારા લત્તાજીએ સુંદર કર્ણપ્રિય, અવિસ્મણીય ગીતો ગાયા: ૧૯૬૯માં પદ્મભૂષણ ૧૯૮૯ માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ, ૧૯૯૯માં પદ્મવિભૂષણ અને ૨૦૦૧માં દેશના સર્વોચ્ચ સન્માન ‘ભારત રત્ન’થી સન્માનીત કરાયા હતા

આજે ગાયક કલાકારોને મળતી ગીતોની રોયલ્ટીની માંગણી સૌ પ્રથમ દેશમાં લત્તા મંગેશકરે કરી હતી: ફિલ્મોની સફળતા પાછળ તેના સુંદર કર્ણપ્રિય ગીતોના ગાયકોનો વિશેષ ફાળો હોય છે તેમ જણાવતા લત્તાજીએ બધા ગાયકોને રોયલ્ટી અપાવી હતી, જે આજે પણ ચાલુ જ છે

લત્તા મંગેશકર ભારતી ફિલ્મ જગતના શ્રેષ્ઠ ગાયક કલાકારનો જન્મ ર૮ સપ્ટેમ્બર ૧૯૨૯ના રોજ ઇંદોર ખાતે થયો હતો. ૧૯૪૨થી તેમણે ફિલ્મોમા: ગીત ગાવાનું શરૂ કર્યુ છે. કર્ણપ્રિય અમર ગીતો ફિલ્મ જગતને આપતા સૌથી વધુ ગીતછ ગાવાનો વર્લ્ડ રેકોર્ડ પણ લત્તાજીના નામે છે. તેઓ ગાયક ઉપરાંત સંગીતકાર અને ફિલ્મ નિર્માતા પણ છે. તેમના પિતા દીનાનાથ મંગેશકર અને માતા શેવંતી મંગેશકર હતા. તેમના પરિવારમાં આશા, ઉષા અને મીના ત્રણ બહેનો અને હ્રદયનાથ મંગેશકર ભાઇ છે. ત્રણેણ બહેનો ગાયન ક્ષેત્રે ખુબ જ પ્રગતિ કરી હતી.

લત્તા મંગશકર પ્રારંભિત તાલિમ પિતા પાસેથી જ મેળવી હતી. પાંચ વર્ષની ઉમરે મરાઠી નાટકમાં કામ કર્યુ હતું. પોતાની નાની બેન આશાને સ્કુલમાં લાવવા ન દેતા તેમણે સ્કુલ છોડી હતી. ૧૯૪૨માં પિતાના અવસાન પછી તેના ઉપર કુટુંબની જવાબદારી આવી પડી હતી. પ્રારંભે માસ્ટર વિનાયકે તેમને ઘણી મદદ કરી હતી. ૧૯૪૨માં તેમને મરાઠી ફિલ્મમાં ગાવાનો મોકો મળ્યો પણ ફિલ્મ રીલીઝ થઇ ત્યારે તે ગીત કાઢી નખાયું હતું. ૧૯૪૫માં લત્તાજી પરિવાર સાથે મુંબઇ આવી ગયા તેમને હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત શિક્ષા લેવાનું શરૂ કર્યુ. પ્રારંભે તેને નૃત્ય શો પણ કર્યા હતા. બાદમાં ૧૯૪૫માં હિન્દી ફિલ્મ ‘બડી માઁ’એક ભજન ગાયુંને ફિલ્મમાં બેન આશાએ નાનકડી ભૂકિા પણ કરી. ૧૯૪૮માં ‘મજબુર’ ફિલ્મથી શરૂ થયેલ સફળ ગાયન યાત્રા આજ પર્યત ચાલુ જ છે. લત્તાજી સંગીતકાર ગુલામ હૈદરને ગોડ ફાધર માને છે.

પ્રારંભે લત્તાજીને નુરજહૉની ગાયિકી નકલ કહેતા પણ બાદમાં સમગ્ર ભારતને વિશ્ર્વમાં તેના અવાજના દિવાના થયા. ઉર્દુમાં પડતી તકલીફને કારણે તેઓ તે પણ શિખ્યા, તેની પ્રમુખ હિટ ફિલ્મોમાં ફિલ્મ ‘મહલ’માં આયેગા… અનેવાલા… આયેગા… ૧૯૪૯માં હિટ ગીત પુરવાર થયું. ૧૯૫૦ થી ૧૯૬૦ સુધીનાં દશકામાં એવરગ્રીન હિટ ફિલ્મોમાં લત્તાના ગીતો હોય જ અનિલ વિશ્ર્વાસ (તરાના ૧૯૫૧) અને (હિર-૧૯૫૬) સાથે શંકર જયકિશન, નૌશાદ, એચ.ડી. બર્મન, હુશ્નલાલ ભગતરામ જેવા નામી સંગીતકારો સાથે ગીતો ગાયાને ફિલ્મો હીટ બનાવી . તેમની હિટ ફિલ્મો આ ગાળામાં દિદાર, બૈજાુ બાવળા, અમર ઉડન ખટૌલા, મધર ઇન્ડિયા, બરસાત, આહ, શ્રી૪ર૦, ચોરી ચોરી, હાઉસ નં.૪૪, દેવદાસ, મધુમતિ, અલબેલા, અનારકલી, આઝાદ જેવી હિટ ફિલ્મો હતી.

૧૯૫૦ થી ૭૦ અને ૧૯૮૦ સુધી લગભગ પાંચ દાયકા સતત કાર્યરત રહ્યા હતા, ૨૦૧૧માં પણ જગજીત, મહેંદી હસન, ગુલામ અલી સાથે આલમ્બ રેકોર્ડ કર્યા તો ૨૦૧૪માં સલિલ ચૌધરી ની કવિતાનું સ્વરાંકન કરીને ગીતો ગાયા હતા. ગત વર્ષે ભારતીય સૈન માટે ‘સોંગધ મુજે હે મીટ્ટી કી’ નું વિમોચન કરેલ હતું. લત્તાનું પહેલા નામ હેમા મંગેશકર હતું બાદમાં ફિલ્મ ગાયન ક્ષેત્રે પર્દાપણ વખતે લત્તા કરી નાખ્યું હતું. લત્તાના મામા, દાદા ગુજરાતી શેઠ હરિદાસ રામદાસ લાડ હતા. પાવાગઢમાં તેમના નાનીમાં રહેતા. તેમના પરિવારમાં મીના આશા, ઉષા અને હ્રદયનાથ જે બધા શ્રેષ્ઠ ગાયકો અને સંગીતકારો છે. લત્તાજી આજે તો કવીન ઓફ મેલોડી, વોઇસ ઓફ ધનેશન, વોઇસ ઓફ ધ મિલે નિયમ અને નાઇટીંગલ ઓફ ઇન્ડિયા  જેવા સંબોધનની પદવી મળી છે.લત્તાજીના પિતા ખુબ જ સારા જયોતિષ જાણનારા હતા. તેમણે લત્તાને કહેલ કે એક દિવસ  તું મહાન ગાયિકા બનીશ, બહુજ નામના મળશે, પણ હું તે જોવા નહી હોય, તું જીવનભર લગ્ન નહીં કરે કારણ કે કુટુંબની જવાબદારી તારી ઉપર છે, જે તું વહન કરીશ.

૧૯૭૦ થી ૮૦ના દાયકામાંં સંગીતકારોના પુત્ર સાથે પણ કામ કર્યુ જેમ કે રાહુલ દેવબર્મન (પુત્ર એસ.ડી. બર્મન) રાજેશ રોશન (પુત્ર-રોશન), અનુમલિક (પુત્ર સરદાર મલિક) અને આનંદ, મિલિંદ (પુત્ર- ચિત્ર ગુપ્ત) એવી જ રીતે ગાયક કલાકારોના પુત્ર સાથે પણ કામ કર્યુ જેમ કે અમીતકુમાર (પુત્ર કિશોરકુમાર), નીતીન મુકેશ (પુત્ર- મુકેશ) સાથે ગીતો ગાયા હતા.

૨૦૦૧માં લત્તાજીને ભારતના સર્વોચ્ચ નાગરીક સન્માન ‘ભારત રત્ન’થી સન્માનીત કરાયા હતા. તેમણે પાંચ ફિલ્મોમાં સંગીતકાર તરીકે કાર્ય કર્યુ. જેમાં રામ રામ પહવાના (૧૯૬૦), મરાઠા ટીટુકા મેલવાના (૧૯૬૩), મોહિત્યામી મંજાુલા (૧૯૬૩), સાધી મનસે (૧૯૬૫) ને તંબાડી મતી (૧૯૬૯) જે પૈકી ‘સાધી માનસે’ ફિલ્મને બેસ્ટ મ્યુઝિક ડાયરેકટરનો એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત ફિલ્મ નિર્માતા ક્ષેત્રે બાદલ (૧૯૫૩), ઝાંઝર (૧૯૫૩), કંચન ગંગા (૧૯૫૫) ને ૧૯૯૦માં ‘લેકીન’ જેવી હિન્દી ફિલ્મો બનાવી હતી.

લત્તાજીને ૧૯૬૯માં પદ્મભૂષણ, ૧૯૮૯માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ, ૧૯૯૯માં પદ્મ વિભૂષણ અને ૨૦૦૧માં ભારત રત્નનું સર્વોચ્ચ સન્માન મળેલ હતું. લત્તા મંગેશકરે ગાયકોને રોયલ્ટી મળવી જોઇએ તેવી પ્રબળ માંગણી કરી હતી. તેમણે મુવમેન્ટ ઉપાડી કે જયાં જયાં ગીતો વાગે ત્યાં ગાયકોને પણ રોયલ્ટી મળવી જોઇએ. રાજકપૂરે તેનો વિરોધ કર્યો કે આ અમારો વ્યવસાય છે ત્યારે લત્તાજીએ જણાવેલ કે ફિલ્મોની સફળતા પાછળ તેના સુંદર કર્ણિ૫્રય ગીતોના ગાયકોનો પણ વિશેષ ફાળો હોય છે અને અંતે બધા ગાયકોને પણ રોયલ્ટી મળવા લાગી હતી.

૧૯૪૮માં શશીધર મુખરજી ‘શહિદ’ ફિલ્મ બનાવતા હતા. ત્યારે તેમને લત્તાનો અવાજ પાતળો છે તેમ કહીને ગીતો ગાવા માટે રીજેક કર્યા હતા. આ સમયે નારાજ થયેલા ગુલામ હૈદરે જવાબ આપ્યો કે આગામી વર્ષોમાં નિર્માતા, નિર્દેશકો પોતાની ફિલ્મોમાં ગીતો ગાવા માટે લત્તાના પગ પડકશે અને તેમની ફિલ્મો માટે વિનંતી કરશે. જો કે ત્યારબાદના વર્ષોમાં આ વાત સાચી પડી તે લત્તાદીદીનો જમાનો આવ્યો. લગભગ દરેક ફિલ્મોમાં લત્તાના ગીતો હોય જ તેમણે રફી, તલત, મન્નાડે, મુકેશ, કિશોર, હેમંતકુમાર જેવા ખ્યાતનામ ગાયકો સાથે શ્રેષ્ઠ યુગલ ગીતો ગાયા, આજે ૯૧માં જન્મ દિવસે સઁપૂર્ણ સંગીતની આરાધનમાં લીન લત્તાજી સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. તેમને આજના જમાનાના ઘોંઘાટીયા ગીતો ગમતા નથી.લત્તા મંગેશકરે હિન્દી ફિલ્મો ઉપરાંત પંજાબી, ભોજપુરી, નેપાલી, ઉર્દુ, અંગ્રેજી, કોંકણી, તુલુ, મરાઠી, ગુજરાતી જેવી દેશની લગભગ તમામ ભાષામાં ગીતો ગાયા છે. ગુજરાતી ગીતોમાં પાંદડુ લીલુને રંગરાતો, નયન ચકચૂર છે, મહેંદી રંગ લાગ્યો, મહેંદી તે વાવી માલદે (ગરબો) જેવા અમર ગીતો ગાયા હતા. ગાયક મુકેશજીને તેઓ પોતાની ભાઇ માનતા હતા.ગુજરાતી ફિલ્મો મહેંદી રંગ લાગ્યો, ઘર દીવડી, ચૂંદડી ચોખા, કસુંબીનો રંગ, સત્વાન સાવિત્રી, જનમ જનમના સાથી, કુળવધુ, જેવીમાં ગુજરાતી ગીતો ગાયા હતા. લત્તાજી ભારતીય ફિલ્મ ઇતિહાસ છે જે ન ભૂતો ભવિષ્યતી જેવી ઘટના છે. જાણીતા સંગીતકાર મદન મોહન એમના પ્રિય સંગીતકાર હતા. તેમના ગળામાં માઁ સરસ્વતિએ ગાંધારનો વાસ આપ્યો છે. આજે ૯૧ વર્ષે પણ સંગીત સાધનાથી સ્વરને જાળવ્યોને જતન કર્યુ છે. લત્તાજીના જીવનમાં એક જ ફિલ્મ સંગીતકાર ઓ.પી. નૈયર  એવા હતા તે તેમણે કયારેય લત્તાજી પાસે ગીતો ન ગવડાવ્યા બાકી લગભગ બધા સંગીતકારો સાથે લત્તાજીએ ગીતો ગાયા છે.

-:: લત્તાજીના ગુજરાતી ગીતો ::-

 • * ઓધાજી મારા વાલાને વઢીને કહેજો….
 • * કોઇ ગોતી દયો મારો રામ….
 • * મહેંદી તે વાવી માલવેને એનો રંગ….
 • * નયન ચકચૂર છે….
 • * મને ઘેલી ઘેલી જોઇ….
 • * પાંદડુ લીલું ને રંગ રાતો….
 • * તને સાચવે પાર્વતી અખંડ સૌભાગ્ય વતી….
 • * હવે સખી નહી બોલુ નહી બોલું રે….
 • * તારો રે ભરોસે ભવ મુકયો મારો….
 • * વહેલી પરોઢ નો વાયરો વાયો….
 • * ઘુંઘટે ઢાંકુ એક કોડીયુ….
 • * મારા તે ચીતનો ચોર રે મારો ર્સાવરીયો….
 • * હું હરતી ફરતી રસ્તે રઝળતી વાર્તા….
 • * દાદાને આંગણ પાંગરો….
 • * ધારી કંડુ કંકણ પાનેતર એક નારી કરે પુકાર….
 • * મારા સાઁવરા ગીરધારી….
 • * હૈ કુંજલડી રે….
 • * હૈ હર હર જગ જનની….
 • * સારા જગનું ઝેર પીને શીવ….

રાજકોટ લાઈવ રેડીઓ ઉપર રાત્રે લતાજી ના ગીતો

ભારતની કોકિલ કંઠી પાર્શ્વ ગાયિકા લતાજી ના ૯૨ માં જન્મદિનને અનુલક્ષીને રાજકોટ લાઈવ રેડીઓ પર આજે રાત્રે ૯.૩૦ કલાકે એક વિશેષ શો પ્રસારિત થશે.. રાજકોટની જાણીતી ગાયિકા હિના કોટડીયા લતાજીના સુમધુર ગીતો રજૂ કરશે..નિર્માણ દિનેશ બાલાસરા નું છે જ્યારે પ્રસ્તુતિ દીપ્તિ બાલાસરા અને દિનેશ બાલાસરા કરશે.આ વિશેષ કાર્યક્રમ સાંભળવા માટે ફેસબુક પર જઇને રાજકોટ લાઈવ રેડિઓ સર્ચ કરીને પેઈજ પર ગીતો સાંભળી શકશો.

Loading...