Abtak Media Google News

ઘરેલુ ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવા સરકારનો પ્રયાસ; ૧૨ હજાર કરોડના રમકડાની આયાતની જગ્યાએ હવે, સ્થાનિક ઉત્પાદન પર ભાર મૂકાશે

‘આત્મનિર્ભર ભાત અભિયાન’ અંતર્ગત દરેક ક્ષેત્રે સ્વાવલંબીની ઝુંબેશ ચાલી રહી છે. મોટાભાગના ઉત્પાદનો ઘર આંગભણે જ થાય અને ઘરેલુ ઉત્પાદકોને પ્રોત્સાહન મળે તે માટે સરકાર એક પછી એક મહત્વના નિર્ણયો લઈ રહી છે. ત્યારે સરકારે રમકડાની આયાતને લઈ નવાં નિયમો જારી કર્યા છે. જે મુજબ આગામી માર્ચ મહિનાથી આયાતી રમકડા વગર લાયસન્સે ગેરકાયદેસર ગણાશે એટલે કે બહારથીભારતમાં આયાત થતા રમકડાઓ માટે હવે, લાયસન્સ ફરજીયાત ગણાશે આ માટે અગાઉથી મંજૂરી લેવી પડશે.

ભારતમાં રમકડા ઉદ્યોગને પ્રોત્સાહિતકરવા સરકારે આ નિર્ણય કર્યો છે. આ ઉપરાંત, તાજેતરમાં આંતરિક વેપાર અને ઉદ્યોગને પ્રોત્સાહિત કરવાના વિભાગ ડીપીઓઈઆઈટીએ રમકડા ઈન્ડસ્ટ્રીમાં ગુણવતાના ધોરણોને લાગુ કરવાના સમય મર્યાદામાં પણ ચાર માસનો વધારો કર્યો છે. બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાંડર્ડ તરફથી સર્ટીફીકેટ પ્રાપ્ત કરવાનું રમકડા ઉત્પાદકો માટે ફરજીયાત બનાવાયું હતુ જેના માટેની સમય સરકારે ૩૦ સપ્ટે. સુધીનો નકકી કર્યો હતો. પરંતુ હવે તેમાં વધારો કરી સમય મર્યાદા ૧લી જાન્યુઆરી ૨૦૨૧ સુધીની કરી દેવાઈ છે.

વિદેશોમાંથી આયાત થતા રમકડા માટે હવે, લાયસન્સ ફરજીયાત થતા અવરોધ પેદા થશે અને આવા ઉત્પાદનની કવોલીટી પર પણ પૂરતું ધ્યાન દેવાશે. સરકારનાં આ નિર્ણયથી આયાતી રમકડા પર અંકુશ સધાશે તો ઘરેલું રમકડા ઉત્પાદનને નવું બળ પૂરૂ પડાશે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્રમોદીએ તેમના ‘મન કી બાત’ કાર્યક્રમમાં પણ રમકડાં ઉદ્યોગનો ઉલ્લેખ કર્યો હતો અને તેના પર ખાસ ભાર મૂકવા જણાવ્યું હતુ.

જણાવી દઈએ કે, આપણા દેશમાં ૮૦% જેટલા રમકડશઓ ચીનથી આયાત થાય છે. દર વર્ષે ચીન ભારતમાં લગભગ ૧૨ હજાર કરોડ રૂપીયા રમકડાં થકી કમાય છે. જયારે એની સામે દેશમાં ઘરેલુ રમકડાનો કારોબાર માત્ર ૧ હજાર કરોડ જેટલો જ થાય છે. જોકે, હવે, સરકારના આ લાયસન્સ સીસ્ટમના નિર્ણયથી ચીનથી થતી રમકડાની આયાત પર સીધી અસર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.