Abtak Media Google News

જામનગરના મોટી ખાવડી ગામમાં ગેરકાયદે ગેસ રીફીલીંગના ચાલતા કૌભાંડ પર ગઈરાત્રે આરઆર સેલ ત્રાટકી હતી તે સ્થળેથી  નાના-મોટા બાટલાઓ, ગેસ રીફીલીંગ માટે  રાખવામાં આવેલી ત્રણ નળી, વજન કાંટો સહિતના મુદ્દામાલ સાથે બે શખ્સો ઝડપાયા છે. જ્યારે મુખ્ય સૂત્રધાર ફરાર થઈ ગયો છે તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

જામનગર તાલુકાના મોટી ખાવડી ગામમાં એક સ્થળે ગેસના બાટલામાંથી ગેરકાયદેસર રીતે કટીંગ કરી અન્ય નાના બાટલામાં તેનું ફીલીંગ કરવાની કાર્યવાહી કરાતી હોવાની બાતમી રાજકોટ રેન્જના આઈજીની આરઆર સેલના હે.કો. રામદેવસિંહ ઝાલાને મળતા પીએસઆઈ એમ.પી. વાળાના માર્ગદર્શન હેઠળ આરઆર સેલનો કાફલો મોટી ખાવડીમાં મુખ્ય બજારમાં આવેલા ઘનશ્યામસિંહ ગુમાનસિંહ જાડેજાના રહેણાંક કમ ગોડાઉનમાં ધસી ગયો હતો.

આ સ્થળે તલાશી લેવામાં આવતા ત્યાંથી ત્રીસ સીલબંધ બાટલા મળી આવ્યા હતા. જ્યારે બાજુમાં બનાવવામાં આવેલી પતરાવાળી ઓરડીમાં શક્તિસિંહ ગુમાનસિંહ જાડેજા અને ઉત્તમ ઈશ્વરભાઈ સોની નામના ખાવડીના જ બે શખ્સો મોટા બાટલામાંથી વજન કરી નાના બાટલામાં ગેસનું રીફીલીંગ કરતા જોવા મળ્યા હતા.

તે ઓરડીમાંથી પણ આરઆર સેલને ગેસના સાત ખાલી બાટલા, ચાર લીટરના નાના છેતાલીસ ખાલી બાટલા અને ચૌદ ભરેલા બાટલા, ઈલેકટ્રીક વજન કાંટા નંગ-૩, ગેસ રીફીલ કરવા માટે રાખવામાં આવેલી નોઝલ સાથેની ત્રણ નળી તેમજ ગેસ વેચાણમાંથી ઉપજેલા મનાતા રૃા.૪૦૪૦૦ રોકડા કબજે કરી આરઆર સેલે કુલ રૃા.૧,૪૮,૪૦૦નો મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે કબજે કરી શક્તિસિંહ તથા ઉત્તમ સોનીની અટકાયત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.