કોરોનાના ‘લક્ષણ’ છુપાવશો તો ‘રક્ષણ’થી  રહેશો વંચિત

કોરોના મહામારીના પગલે ભારત સહિત સમગ્ર વિશ્ર્વમાં અત્યારે ઉચ્ચાટનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે ત્યારે દરેક વ્યક્તિ, વર્ગ અને પરિવાર માટે કોરોનાના લક્ષણને છુપાવવા સ્વ અને સમાજ માટે સૌથી વધુ ઘાતક પુરવાર થાય તે હકીકત દરેકને સમજી લેવાની જરૂર છે. કોવિડ-૧૯ વાયરસ કોરોનાનું ઉદગમ ચીનના વુહાનને માનવામાં આવે છે. ચીનથી યુરોપ, અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલીયામાં પ્રસરેલા કોવિડ-૧૯એ દુનિયા આખીને આંટો લઈ હવે એશિયાના કોઈ દેશને બાકી છોડ્યો નથી. કોરોનાની રસી માટે સંશોધન ચાલી રહ્યું છે. રશિયાના વૈજ્ઞાનિકોએ સ્પુટનીક-વીનું નિર્માણ ર્ક્યું છે. હવે તો ઘણા દેશોએ આ રસી બનાવી લીધાનો દાવો કર્યો છે પરંતુ આ રસી આવતા આવતા હજુ ઓછામાં ઓછા છ મહિના લાગી જશે ત્યારે કોરોનાએ હવે નવેસરથી ઉથલો મારવાનું શરૂ કર્યું છે ત્યારે કોરોના સાથે કેવી રીતે કામ લેવું તે અસમંજસ સમગ્ર વિશ્ર્વમાં ઉભુ થયું છે. મોટાભાગના તબીબો કહે છે કે, કોરોનાને સાવચેતીથી દૂર રાખી શકાય. સંક્રમિત અવસ્થામાં પણ જો પ્રારંભીક અસરમાં આ રોગનું નિદાન થઈ જાય તો તેને કાબુમાં લઈ શકાય પરંતુ જો સામાજીક ધોરણે આ રોગને અસ્પૃશ્ય ગણી તેના પ્રારંભીક લક્ષણો જાહેર કરવામાં વિલંબ થઈ જાય તો તે સ્વ અને સમાજ માટે વધુ ઘાતક પુરવાર થશે.

કોરોનાનું નવેસરનું રાઉન્ડ શરૂ થઈ ચૂક્યું છે. શિયાળાનો સમય ચાલે છે, તહેવારોની ઉજવણી દરમિયાન ભીડ અને લોકોની બેવકુફીથી સંક્રમણનો દર વધ્યો છે. જો કે, પ્રથમ તબક્કાને બાદ કરતા હવે કોરોનાનો રિકવરી રેટ સંતોષજનક રીતે વધી રહ્યો છે. મૃત્યુદર પણ કાબુમાં છે ત્યારે દરેક વ્યક્તિ માટે એ વાતે સાવચેતી રાખવી જોશે કે સંક્રમિત થવાથી બચવાની સાથે સાથે કોરોનાના કોઈપણ પ્રારંભીક લક્ષણ જરા પણ ઉજાગર થાય તો તાત્કાલીક તેને નજર અંદાજ કર્યા વગર જાહેર કરી દેવા જોઈએ. કેન્દ્ર સરકારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના સંક્રમિત પ્રભાવિત રાજ્યોમાં કેન્દ્રીય નિરક્ષણ સમીતીને મોનીટરીંગ માટે રવાના કરી દીધી છે ત્યારે લોકોની પણ બેદરકારી કે ગભરાહટ વગર કોરોના સંબંધીત લક્ષણો દેખાય એટલે તુર્ત જ જાહેર કરી દેવાની સાવચેતી જ આ રોગને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ થશે. જો લક્ષણ જાહેર કરવામાં વિલંબ થશે તો પછી ‘રક્ષણ’ મેળવવાનો સમય વીતી જશે તે વાત દરેકે સ્વીકારીને આજના સમયગાળામાં જાગૃતિની સાથે સાથે સચેતતા દાખવવી જોશે.

Loading...