Abtak Media Google News

હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામની સીમમાં સહકારી ખેતી મંડળીની જમીન પર માથાભારે શખ્સોએ અડીંગો જમાવતા આખરે વૃધ્ધે ન્યાય માટે મુખ્યમંત્રી સમક્ષ લેખિત રજુઆત કરી હતી પરંતુ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા આજે મંગળવારના રોજ અનસન (સત્યાગ્રહ) આંદોલન ત્યારબાદ તા.૧૭ના ૧૧ કલાકે આત્મવિલોપન કરવાની ચિમકી ઉચ્ચારતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

હળવદ તાલુકાના મુળ ઘનશ્યામપુર ગામના હાલ હળવદમાં રહેતા ૬પ વર્ષના વૃધ્ધ છગનભાઈ ગલાભાઈ મકવાણાના જણાવ્યા મુજબ વર્ષો પહેલા સરકાર દ્વારા ઘનશ્યામપુર ગામની સીમમાં સરકાર દ્વારા અન્નકોટ સામુદાયિક સહકારી ખેતી મંડળીને જમીન ફાળવવામાં આવી છે અને આ મંડળીના કાયદેસર કાયમી સભ્યો છે જયારે અમુક શખ્સોએ મંડળીના કાગળો સાથે ચેડા કરીને અમને બરતરફ અને જમીન પચાવવાનો કારશો રચી રહ્યા છે.

તદ્ઉપરાંત ઘણા વર્ષોથી માથાભારે શખ્સો દ્વારા અન્નકોટ સામુદાયિક સહકારી ખેતી મંડળીની જમીન ખાલી કરવામાં નહીં આવતા છગનભાઈ મકવાણાએ મુખ્યમંત્રી, જિલ્લા કલેકટર તેમજ જિલ્લા રજીસ્ટ્રાર તેમજ મામલતદારને અનેકવાર લેખિતમાં રજુઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવતા નાછુટકે આજે તા.૧૦થી ૧૭ સુધી મામલતદાર કચેરી સામે અનસન પર બેસી ઉપવાસ આંદોલનની શરૂઆત કરી છે જા ન્યાય આપવામાં નહીં આવે તો મામલતદાર કચેરી સામે તા.૧૭ના રોજ ૧૧ કલાકે આત્મવિલોપનની કરવાની ચિમકી આપતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બે માસ પૂર્વે પણ વૃધ્ધએ ઉપરોકત માંગને લઈને સત્યાગ્રહ પર બેઠા હોઈ ત્યારે મામલતદાર દ્વારા ખાતરી આપી પારણા કરાવેલ હોઈ પરંતુ આજદિન સુધી કોઈ કાર્યવાહી ન થતા વાયદા માત્ર પોકળ સાબિત થયા હોવાનું વૃધ્ધે જણાવ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.