Abtak Media Google News

કલાકો સુધી પ્રવેશ ન અપાતા અરજદારોની ધીરજ ખુટી, અધિકારીઓએ મામલો થાળે પાડયો

લોક ડાઉન-૪ અમલી બનાવાયું છે પરંતુ લોકોની સુખાકારી ને ધ્યાને લઈ કેન્દ્ર સરકાર દ્વારા અનર્ક બાબતોમાં છૂટછાટ આપવામાં આવી છે. તેના ભાગરૂપે દેશભરમાં પાસપોર્ટ સેવા કેન્દ્રને પણ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં છે. ગઈકાલે રાત્રે પાસપોર્ટ કેન્દ્ર શરૂ થયાનો મેસેજ મારફત અરજદારોને જાણ કરવામાં આવી હતી જેના ભાગરૂપે અરજદારો સવારના ૯ વાગ્યે રાજકોટ પાસપોર્ટ કેન્દ્ર ખાતે આવી પહોંચ્યા હતા. પરંતુ આશરે અઢી કલાક સુધી કોઈ પણ અરજદારને કેન્દ્રમાં પ્રવેશ પણ ન આપવામાં આવ્યો તેમજ કોઈ પણ પ્રકારની કામગીરી પણ નહીં થતા અરજદારોમાં રોષ ભભૂક્યો હતો. અરજદારોએ જવાબદાર અધિકારી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ગોળ ગોળ વાતો કરી તેમને ટાળી દેવામાં આવ્યા હતા. જે બાદ અરજદારોએ રોષ વ્યક્ત કર્યો હતો. મામલો ગરમાતા એ ડિવિઝન પોલીસ મથકની ટીમ પાસપોર્ટ કેન્દ્ર ખાતે દોડી આવી હતી. એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ સી જી જોશી સહિતનાઓ એ અધિકારીઓ સાથે વાતચીત કરી અરજદારોને હાલાકી ન ભોગવવી પડે તેવી વ્યવસ્થા કરવા સૂચન કરાયું હતું પરંતુ કેન્દ્ર ખાતે સર્વર ડાઉન હોવાનું ગાણું કર્મચારીઓએ ગાયું હતું. લગભગ આશરે ૩ કલાકની મહેનત બાદ વહેલી તકે અરજદારોની અરજને પ્રાથમિકતા આપવામાં આવશે તેવી વાત મુકવામાં આવી હતી જે બાદ પોલીસે અરજદારોને સમજાવટપૂર્વક પરત મોકલ્યાં હતા તેમજ વહેલી તકે તેમની અરજી કબૂલી કાર્યવાહી કરવામાં આવશે તેવી બાહેન્ધરી આપી હતી.

આ વિશે ડો. અરવિંદ ભટ્ટ નામના અરજદારે જણાવ્યું હતું કે ગઈ કાલે રાત્રે તેમજ આજે સવારે અમને પાસપોર્ટ કેન્દ્રની ઓફિશિયલ સાઇટ પરથી મેસેજ મોકલવામાં આવ્યો હતો કે આવતીકાલથી પાસપોર્ટ કેન્દ્ર કાર્યરત થશે. જેના પરિણામે અમે  સવારના ૯ વાગ્યાના અહીં કતાર લગાવી રાહ જોઈ રહ્યા છીએ, વારંવાર સિક્યુરિટી ગાર્ડને વિન્નતી કરી કે આપ અમારી વાત કોઈ જવાબદાર અધિકારી સાથે કરાવો જેથી અમારો સમય વ્યર્થ ન જાય પરંતુ સિક્યુરીટી ગાર્ડએ વારંવાર તોછડાઇપૂર્વક એક જ જવાબ આપ્યો કોઈ અધિકારી હાલ હાજર નથી.

અમે અંદર ઉપસ્થિત કોઈ પણ કર્મચારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ તો પણ અમને અટકાવી દેવામાં આવ્યા જે બાદ તમામ અરજદારોમાં રોષ ભભૂક્યો અને તેની જાણ થતાં પોલીસ અધિકારી – કર્મચારીઓ દોડી આવ્યા હતા પરંતુ અહીંના અધિકારીઓ દ્વારા પોલીસ તંત્રને પણ યોગ્ય જવાબ ન આવ્યો. અહીં ફક્ત એક જ વાત કહેવામાં આવે છે કે સર્વર બંધ છે, અમને એક કોરા કાગળમાં નામ અને મોબાઈલ નંબર લખી આપવાનું કહેવામાં આવ્યું પરંતુ તેનો કોઈ મતલબ રહેતો નથી, ફક્ત ને ફક્ત અરજદારોને હેરાન પરેશાન કરાઇ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.