Abtak Media Google News

ભાદરમાં ૧ વર્ષ ચાલે તેટલું પાણી સંગ્રહિત: ન્યારીમાં પણ જાન્યુઆરી સુધીનું પાણી: આજી સપ્ટેમ્બરમાં ડુકી જશે

મેઘરાજાએ મહેર કરતા રાજકોટની જળજ‚રીયાત સંતોષતા જળાશયોમાં પાણીની માતબર આવક થવા પામી છે જોકે ભાદરને બાદ કરતા હજુ સુધી એકપણ જળાશયમાં રાજકોટને આખું વર્ષ ચાલે તેટલું પાણી સંગ્રહિત થયું નથી. જો સપ્ટેમ્બર માસ સુધીમાં આજી ડેમ મેઘકૃપાથી ઓવરફલો નહીં થાય તો રાજય સરકાર ફરી સૌની યોજના અંતર્ગત નર્મદાના નીરથી આજીને છલકાવી દેશે.

રાજકોટની જળજ‚રીયાત સંતોષતા મુખ્ય ત્રણ જળાશયો પૈકી એકમાત્ર ભાદર ડેમમાં રાજકોટને આખું વર્ષ ચાલે તેટલો જળજથ્થો સંગ્રહિત છે. ૩૪ ફુટે ઓવરફલો થતા ભાદર ડેમની સપાટી હાલ ૨૫.૨૭ ફુટે પહોંચી છે. ડેમમાં ૩૪૨૨ એમસીએફટી પાણી સંગ્રહિત છે. જયારે ન્યુ રાજકોટની જળજ‚રીયાત સંતોષતો મહાપાલિકાની માલિકીનો એકમાત્ર ડેમ એવા ન્યારી-૧ની સપાટી હાલ ૧૭.૭૦ ફુટે પહોંચી છે. ડેમ ઓવરફલો થવામાં હજી ૮ ફુટ જેટલું બાકી છે. ડેમમાં કુલ ૫૨૧ એમસીએફટી પાણી સંગ્રહિત છે

જે ન્યુ રાજકોટને ૩૧મી જાન્યુઆરી સુધી ચાલશે. શહેરની જીવાદોરી ગણાતો અને ૨૯ ફુટની ઉંડાઈ ધરાવતો આજી-૧ ડેમ હાલ ૧૬.૮૦ ફુટ ભરેલો છે અને ડેમમાં ૩૦૩ એમસીએફટી પાણી ભરેલું છે જે સપ્ટેમ્બર માસના અંત સુધી ચાલે તેમ છે. ચોમાસાની સીઝનને હજી બે માસ બાકી હોય મેઘરાજાની મહેરથી તમામ જળાશયો છલકાઈ જશે તેવી આશા છે છતાં જો આજી ડેમ સપ્ટેમ્બર સુધીમાં મેઘકૃપાથી નહીં છલકાય તો રાજય સરકાર સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર આજીમાં ઠાલવી તેને ઓવરફલો કરી દેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગત જુન માસમાં આજી ડેમમાં નર્મદાના નીર ઠાલવતી સૌની યોજનાનું લોકાર્પણ કર્યું હતું. છેલ્લા એક વર્ષમાં રાજય સરકારે બે વખત આજી ડેમને નર્મદાના નીરથી ભરી દીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.