આપણું વ્યક્તિત્વ સારું હશે તો આપણી સાથે સારું જ થશે

ચિન્ટુ નામનો 12 વર્ષનો અનાથ છોકરો એક નાનકડી ચા ની લારી ચલાવતો. સવારથી સાંજ સુધી મહેનત કરે પોતાના ખર્ચા કાઢીને મહિનાના અંતે ખૂબ ઓછા પૈસા બચતા હતા. રાતે ઝૂંપડીમાં સૂઈ જતો. ગરીબ હતો પણ મહેનત ખૂબ કરતો અને ચા બનાવવાનો સામાન પણ સારો જ વાપરતો. કમાતો ઓછું પણ આત્મસંતોષ વધારે મેળવતો કેમકે ભીખ માંગવા કરતાં મહેનત અને ઈમાનદારીથી કમાયેલા પૈસા વધારે સારા આવું ચિન્ટુનું માનવું હતું.

વિનાયક નામનો એક વ્યક્તિ ચિન્ટુની લારીએ દિવસમાં બે વખત સવારે અને સાંજે ચા પીવા આવતો પણ ક્યારેય પૈસા આપતો નહીં અને ચિન્ટુ ને મન ફાવે તેમ બોલીને જાય. ચા તો પીવે સાથે ખારી , બિસ્કીટ અને બીજું બધું પણ લઈને જાય પણ કોઈ દિવસ
પૈસા ચૂકવે જ નહીં. આવું ઘણા સમયથી ચાલી રહ્યું હતું. ચિન્ટુ તેને પૈસા ચૂકવવાનું કહે તો ચિન્ટુ ને મારતો અને ગમે તેમ બોલીને ચાલ્યો જતો.

ચિન્ટુ નાનો હતો એટલે વિનાયક ભાઈથી ડરતો. કોઈને કહી શકતો નહીં. એકવાર વિનાયક ભાઈ ચિન્ટુની લારીએ આવ્યા. ચા પીધી અને પોતાનો મોબાઈલ ભૂલીને ગયા. થોડીવાર પછી ચિન્ટુને ખબર પડી કે વિનાયક ભાઈ પોતાનો મોબાઈલ ભૂલી ગયા છે. ચિન્ટુ દોડીને મોબાઈલ પાછો આપવા ગયો. વિનાયક ભાઈ બહુ દૂર પહોંચી ગયા હતા. ચિન્ટુ દૂર સુધી દોડીને વિનાયક ભાઈને એનો મોબાઈલ આપવા ગયો. વિનાયક ભાઈ બોલ્યા કે આટલે દૂરથી તું મને મારો મોબાઈલ પાછો આપવા માટે આવ્યો છે?

વિનાયક ભાઈને થયું કે મેં અત્યાર સુધી આ છોકરાને કેટલો હેરાન કર્યો છે અને ક્યારેય એને પૈસા ચૂકવ્યા નથી. ઘણું બધું ખરાબ બોલી ગયો છું તો પણ આ છોકરો આટલે દૂરથી મને મારો મોબાઈલ પાછો આપવા આવ્યો. જો એ ચાહત તો મારો મોબાઇલ રાખી શકત પણ તે મને મારો મોબાઈલ પાછો આપવા માટે આવ્યો. વિનાયક ભાઈને તેની ભૂલ સમજાઈ ગઈ તેમણે ચિન્ટુને માફી માંગી અને ચિન્ટુએ હસતા હસતા તેમને માફ કરી દીધા.

તે દિવસ પછી વિનાયક ભાઈ ચિન્ટુનું ધ્યાન રાખવા લાગ્યા. વિનાયક ભાઈ એકલા રહેતા હતા. શહેરમાં એનું કોઈ હતું નહીં એટલે તેમણે ચિન્ટુને રહેવા માટે પોતાના ઘરમાં એક નાનકડી રૂમ આપી. ચિન્ટુ તે દિવસથી તેમની સાથે રહેવા લાગ્યો. ચિન્ટુને તેનું ધ્યાન રાખવા માટે એક વ્યક્તિ મળી ગયા અને વિનાયક ભાઈને પ્રેમ આપવા માટે એક નાનકડો છોકરો મળી ગયો. વિનાયક ભાઈ તેનું ખૂબ જ ધ્યાન રાખવા લાગ્યા. તેને પોતાના છોકરાની જેમ સાચવવા લાગ્યા.

આમ ચિન્ટુનું જીવન પૂરેપૂરી રીતે બદલાઈ ગયું.

માણસનું વ્યક્તિત્વ સારું હોવું જોઈએ. ગમે તેવા ખરાબ લોકો સાથે મુલાકાત થાય પણ હકારાત્મક રહેવું જોઈએ. ગમે તેવો ખરાબ વ્યક્તિ હશે તેને એક દિવસ તમારી કદર જરૂર થશે.

– આર. કે. ચોટલીયા

Loading...