Abtak Media Google News

ગુજરાતમાં કોરોનાગ્રસ્તોનો આંકડો ૧૦ હજારને પાર

અગાઉ કોરોના મુકત જાહેર થયેલા કેરલ, ગોવા અને મણિપુરમાં કોરોનાના નવા કેસો નોંધાતા આરોગ્ય તંત્ર ચોંકયું !!!

વિશ્ર્વમાં હાહાકાર મચાવી રહેલી કોરોના વાયરસની મહામારીમાં ભારતમાં અત્યારે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યાનો આંકડો ૮૫૨૧૫ એ પહોચ્યો છે. જે ચીનમાં નોંધાયેલા આંકડાથી વધુ છે. સંક્રમિત  દર્દીઓની સંખ્યાને લઇને ભારત વિશ્ર્વમાં ૧૧માં ક્રમે પહોચ્યો છે. કોરોના સંક્રમિત કેસમાં ભલે ભારત ચીનથી આગળ નીકળી ગયું હોય પરંતુ ભારતમાં મૃત્યુદર કાબુમાં રહ્યો છે. ચીનમાં મૃત્યુ દર ૫.૫ ટકા છે જયારે ભારતમાં માત્ર ૩.૨ ટકા સંક્રમિત દર્દીઓના મૃત્યુ નોંધાયા છે. ભારતમાં અત્યાર સુધી કુલ ૨૭૦૦૦ દર્દીઓ સાજા થયા હોવાનું ચિત્ર કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જાહેર થયેલા આંકડાઓથી સ્પષ્ટ થયું છે.

ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૧૦ હજારને પાર પહોંચી થઇ પામી છે. જેથી, ગુજરાત દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યાક્રમમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ  બાદ ત્રીજા નંબરે પહોંચી જવા પામ્યું છે.

હાલમાં વેશ્ર્વિક રીતે ૪૪ લાખ લોકો કોરોના ગ્રસ્ત થયા છે તેમાં ત્રીજા ભાગના લોકો અમેરિકામાં છે અને ૩ લાખ લોકોના આ મહામારીમાં મોત નિપજી ચુકયા છે રશિયા, ઇગ્લેન્ડ અને સ્પેન આ પરિસ્થિતિમાં બીજા, ત્રીજા અને ચોથા સ્થાને છે ત્યાં પ્રત્યેક દેશમાં બે લાખ કેસો નોંધાયા છે. ચીનમાં અત્યારે સૌથી ઓછા લોકો સારવાર હેઠળ છે જો કે, પૂર્વના વુઆન શહેરમાં કેટલાક નવા કેસો નોંધાયા છે ચીનમાં અત્યાર સુધી ૪૬૩૩ લોકોના મૃત્યુ કોવિડ-૧૯ થી થયા છે. સાથે સાથે ૭૮૦૦૦ થી વધુ લોકોને સાજા કરીને રજા આપી દેવાઇ છે ચીન અને કેટલાંક દેશોમાં ધીરે ધીરે ધંધા રોજગાર ખુલી રહ્યા છે અને જનજીવન સામાન્ય બનાવવા પગલાઓ લેવાઇ રહ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર થયેલા આંકડાઓ મુજબ દેશમાં અત્યાર સુધીનો મૃત્યુ આંક ૨૬૪૯ નવા કેસોની સંખ્યા ૮૧૯૭૦ છેલ્લા ર૪ કલાકમાં ૧૦૦ નવા મૃત્યુ અને ૩૯૬૭ કેસો નોંધાયા હતા. જમ્મુ-કાશ્મીર, બિહાર અને કર્ણાટકમાં પોઝિટીવ લોકોની સંખ્યા ૧૦૦૦ ના આંકડાને પાર કરી ગઇ છે સાથે સાથે કેરલ, ગોવા, મણીપુર કે જે અગાઉ વાયરસ ફ્રી જાહેર કરવામાં આવ્યા હતા. ત્યાં પણ સંક્રમિત જગ્યાઓ અને દર્દીઓની સંખ્યા નોંધાઇ છે. સંક્રમિત દર્દીઓની નોંધ પાત્ર સંખ્યા મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાઇ છે. જયાં ૧૫૭૬ નવા દર્દીઓ નોંધાતા કુલ દર્દીઓનો આંક ૨૯૧૦૦ એ પહોચ્યો છે અને ૧૦૬૮  મૃત્યુ થયા છે. તામિલનાડુમાં ૪૩૪ નવા કેસ સાથે ૧૦૦૦૦ નો આંકડો વટાવી ગયો છે જયારે ગુજરાતમાં ૩૪૦ લોકોનો ટેસ્ટ પોઝિટીવ આવતા કુલ દર્દીઓની સંખ્યા ૧૦ હજારને પાર પહોંચી છે.

દેશમાં ૩૦ નગરપાલિકાના વિસ્તારમાં ૭૯૦૧ દર્દીઓ નોંધાયા છે. ભારતમાં ૨૫મી માર્ચથી લોકડાઉન ચાલી રહ્યું. ૧૪ એપ્રિલે આ લોકડાઉન પુરુ થયું હતું. પરંતુ પ્રથમ વખત ૩ મે અને ત્યારબાદ કેટલાક રાહતો સાથે ૧૭ મે સુધીસ લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. ચોથા તબકકાના લોકડાઉનનો નિર્ણય લેવાય ચુકયો છે. પરંતુ આ લોકડાઉનમાં રાજય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંં સ્થાનીક પરિવહન સુવિધા, રેલ સેવા અને બજારો ખુલ્લી રાખવા જેવી રાહતોની હિમાયત કરવામાં આવી છે વિમાન સેવા પણ બહાલ કરવામાં આવશે.

ગુજરાત ૧૦,૦૦૦ કોરોના પોઝિટિવ કેસ સાથે દેશમાં ત્રીજા ક્રમે

દેશભરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ઝડપભેર વધી રહી છે. ત્યારે દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્ર બાદ તમિલનાડુ અને ૧૦,૦૦૦ થી વધુ કોરોના પોઝિટિવ કેસ સાથે ગુજરાત ત્રીજા ક્રમે આવ્યું છે. રાજ્યમાં જ્યારે અત્યાર સુધી ૬૦૦ થી પણ વધુ દર્દીઓના વાયરસે ભોગ લીધો છે. રાજ્યમાં ગઈ કાલે વધુ ૩૪૦ કોરોના પોઝિટિવ કેસ સાથે કુલ કોરોનાગ્રસ્તની સંખ્યા ૧૦,૦૦૦ને પાર પહોંચી છે. અને વધું ૨૦ દર્દીઓના મોત નિપજ્યા છે. જ્યારે હજુ ૪૩ દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ૫૯ દિવસમાં કોરોનાએ ૬૦૦ થી વધુ લોકોના ભોગ લીધા છે. રાજ્યના કુલ કેસમાંથી ૯૦% પોઝિટિવ કેસ અને મોત માત્ર અમદાવાદ જિલ્લામાં જ નોંધાયા છે. અમદાવાદમાં અત્યાર સુધી ૭૧૭૧ પોઝિટિવ કેસ અને  ૪૭૯ દર્દીઓના મોત નિપજ્યા છે. જ્યારે રાજ્યમાં વડોદરા, સુરત અને ભાવનગરમાં પણ કોરોનાગ્રસ્તની સંખ્યા ઝડપથી વધી રહી છે.

રાજ્યમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ ૧૯ પ્રથમ કેસ પોઝિટિવ કેસના બે માસ થયા છે. ત્યારે રાજ્યમાં સુપર સ્પ્રેડરના અને લોકલ ટ્રાન્સમિશનના કારણે પોઝિટિવ કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે. રાજ્યમાં બે માસના સમયગાળામાં રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. હર એક જિલ્લામાં એક થી વધુ કોરોનાગ્રસ્ત વ્યક્તિ નોંધાયો છે. આરોગ્ય વિભાગના કહેવા મુજબ રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ કાબુમાં હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે લોકડાઉન બાદ આરોગ્યલક્ષી પગલાં પણ સફળ સાબિત થયા હોય તેમ લાગી રહ્યું છે. છતાં પણ છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં ૩૦૦ થી પણ વધુ પોઝિટિવ કેસ હર રોજ નોંધાઈ રહ્યા છે અને ૨૦ થી વધુ લોકોના મોત નો આકડો નોંધાઈ રહ્યો છે.

રાજ્યમાં સૌથી વધુ એપિસેન્ટર અમદાવાદ જિલ્લામાં કોરોનાનું વાવાઝોડું પ્રસરી રહ્યું છે ત્યારે ગઈ કાલે પણ અમદાવાદમાં વધુ ૨૬૧ પોઝિટિવ કેસ સાથે કુલ કોરોનાગ્રસ્તની સંખ્યા ૭૧૭૧ પર પહોંચી છે. જ્યારે સુરતમાં કોરોના પોઝિટિવ કેસનો આંક ૧૦૦૦ પાર થવા જઈ રહ્યું છે.

રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સાથે સાજા થતા દર્દીઓની સંખ્યા પણ વધતી જોવા મળી છે. અને અમદાવાદમાં ટોસિલિઝુમેબ ઈન્જેકશન થી કોરોનાના ચાર સંકર્મીતોને આપતા તેઓની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે. બે માસના કોરોના વાયરસના સિલસીલામાં અત્યાર સુધી રાજ્યમાં ૪૦૩૫ લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.