Abtak Media Google News

રાજકોટમાં ૨૦૦૭માં મૃત્યુ પામેલ વ્યકિતના નામે પરમીટ નીકળી: રીન્યુ પણ થઈ ગઈ: ફરિયાદ

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી વચ્ચે પણ ‘પ્યાસી’ આત્માઓ પ્યાસ બુઝાવવા બિમારીના નામે છડેચોક દારૂ પીવાની પરમીટ કઢાવી પ્યાસ બુઝાવી રહ્યા છે ત્યારે એક ચોંકાવનારા કિસ્સામાં રાજકોટમાં ‘ભૂતે’ પણ ‘પરમિટ’થી પ્યાસ બુઝાવી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવતા સનસનાટી મચી જવા પામી છે.

નશાબંધી વિભાગમાં ચાલતી લોલમલોલને ખુલ્લી પાડતી ઘટના સામે આવતા હાલ તો ‘નશાબંધી વિભાગે તમામ પરમીટ ધારકોનું વેરીફીકેશન ચાલુ કર્યું છે તેવામાં આ વેરીફિકેશન કરવા પાછળનું કારણ જોઈએ તો વર્ષ ૨૦૦૭ના માર્ચ મહિનામાં મૃત્યુ પામેલ સીકંદર માસરીના નામે પરમિટ ૨૦૧૬માં ઈશ્યુ કરવામાં આવી હતી જે ૨૦૧૭નાં માર્ચ મહિનામાં શરૂ કરી દેવામાં આવી હતી.

મૃત વ્યકિતના નામે પરમીટ કાઢવા મામલે સરકાર દ્વારા પરમીટ ઈશ્યુ કરનાર નશાબંધી વિભાગના અધિકારી આર.બી.વ્યાસને શંકાના દાયરામાં લઈ પરમીટ માટે જરૂરી આવકનો દાખલો કાઢી આપનાર એમ.જી.પટેલ (મામલતદાર કચેરીનાં કર્મચારી રાજકોટ) અને પરમીટ માટે ભલામણ કરનાર ગોંડલના ડોકટર ભાણજી બગડાની પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી હતી. જોકે બાદમાં બંને જામીન પર છુટયા હોવાનું જાણવા મળ્યું છે.

વધુમાં ‘ભૂતિયા’ પરમીટ મામલે પોલીસે બનાવટી દસ્તાવેજોના આધારે દારૂની પરમીટ મેળવવાના આ પ્રકરણમાં આઈપીસી કલમ ૪૬૮, ૪૭૧, ૧૧૪ અને ૪૬૬ અંતર્ગત ગુનો નોંધી મૃત વ્યકિતના નામે પરમીટ કાઢવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છેકે મૃત્યુ પામેલી વ્યકિતના નામે ઈશ્યુ થયેલી આ પરમિટ ચાર-ચાર વખત રીન્યુ થઈ ગઈ હોવા છતાં ૧૨૦૬૦ નંબરની આ પરમીટ કોને કઢાવી અને કોણે તે પરમીટનો ઉપયોગ કર્યો તે હજુ સુધી પોલીસ શોધી શકી નથી.

બીજી તરફ ભુતીયા પરમીટ કાઢવા મામલે હાલમાં કાનુની કાર્યવાહી ચાલી રહી છે અને પરમીટ ઈશ્યુ કરનાર અને હાલ નિવૃત થયેલા એકસાઈઝ વિભાગના નિવૃત સુપ્રિન્ટેન્ડેન્ટ આર.પી.ભટ્ટની ટુંક સમયમાં જ ધરપકડ કરવામાં આવનાર હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. જોકે મૃત્યુ વ્યકિતના નામે પરમીટ નિકળવા પ્રકરણમાં મોડે મોડેથી જાગેલા નશાબંધી વિભાગે હાલમાં પરમીટ ધારકોનું વેરીફીકેશન શરૂ કર્યું છે અને ૭૦ વર્ષથી વધુ ઉંમરના પરમીટ ધારકોની તો બારીકાઈથી ચકાસણી કરવામાં આવી રહી હોવાનું સુત્રોએ અંતમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.