Abtak Media Google News

ફિલ્મી સ્ટાઈલે જીંદગી જીવવા જતા તેની જીંદગી તો નર્ક બની પણ માબાપ પણ દુ:ખી દુ:ખી થઈ ગયા !

કાલ્પનીક વાર્તા ફિલ્મોની-૨

જીપમાં બેસાડી પોલીસ સ્ટેશને જતા રસ્તામાં વરરાજાનાં દર્દ ભર્યાત ગાવાનું ચાલુ જ હતુ.

‘દુનિયા બનાને વાલે

કયા તેરે મન મે સમાઈ…

કાહેકો દુનિયા બનાઈ… તુને કાહે કો દુનિયા બનાઈ…

કાહે બનાયે તુને માટી કે પુતલે….

કાહે બનાયા તુને દુનિયા કા ખેલા….

જીસ મેં લગાયા જવાની કા મેલા…’

આ સાંભળીને ફોજદાર જયદેવે તેને કહ્યું કે ભગવાને તો તને સારા કામ કરવા માટે બનાવ્યો હતો. ચોરીઓ કરવા માટે નહિ તેથી ભગવાનને દોષ દેવાનું રહેવા દે. આથી જવાબમાં (ચોરીઓ શા માટે કરી) બીજુ ગીત ઉપાડયું…

‘સજનવા વેરી હો ગઈ હમાર….

કરમવા વેરી હો ગઈ હમાર…

ભાગ ના બાંટે કોઈ….

ડુબ ગયે હમ બીચ ભંવર મેં…..

કરકે સોલા પાર….’

પોલીસ સ્ટેશને આવી ને મુરતીયાને આવું કેમ બન્યુંં તે માંડી ને વાત કરવા કહેતા તેણે પ્રથમ એક મોટો નિ:સાસો નાખ્યો અને વાત ચાલુ કરી જે આ પ્રમાણેની હતી. તેનો સંબંધ આ કન્યા સાથે જ્ઞાતિના રીત રીવાજ મુજબ જ થયો હતો. પોતે ભાવનગર પોશ વિસ્તારમાં નાનુ એવું વાહનોનું સર્વીસ સ્ટેશન ચલાવીને કુટુંબનું ગુજરાન ચલાવતો હતો તે પણ આ ક્ન્યાના પિતાને ખબર હતી જોકે તેમની પણ કોઈ મોટી અપેક્ષાઓ ન હતી. પરંતુ સંબંધ થયા પછી એક વખત પોતે મુંબઈ પોતાના સસરાના ઘેરગયો દરેકને હળ્યો મળ્યો અને સાસુને વિનંતી કરી કન્યાને લઈને હું ફિલ્મ જોવા ગયો. અને મને પ્રેમનો નશો ચડી ગયો. કન્યા પણ હજુ નાદાન હતી. ભોળી હતી. અમે બંને મુંબઈ ચોપાટી વિગેરે જગ્યાએ ખૂબ હર્યા ફર્યા બાદ બે ચાર દિવસમાં પાછો ભાવનગર આવી ગયો. અહીંથી જ મારી પડતી અને દુર્દશાની શરૂઆત થઈ.

ભાવનગર આવ્યા પછી મને મનમાં ફિલ્મના હીરોનીજેમ જ મારી મંગેતર હવે પ્રિયતમાના જ વિચારો આવ્યા કરતા. પરંતુ વારંવાર મુંબઈ જવું અને ખર્ચા કરવાના નાણા આ નાના સર્વીસ સ્ટેશનની આવકમાંથી વાપરવા પરવડે તેમ ન હતા. હું મોટર સાયકલનો કારીગર તો હતો જ અને તેને કારણે સમાજમાં મારી પ્રતિષ્ઠા પણ સારી હતી. પણ એક નબળી ક્ષણે મને વિચાર આવ્યા કે જો મોટર સાયકલ ચોરી કરી નંબર પ્લેટ બદલીને થોડી ઓછી કિંમતે વેચી દઉ તો નાણાની ઝડપથી આવક થાય.

આથી એક આરટીઓ એજન્ટનો સંપર્ક કરી કોરી રજીસ્ટ્રેશન બુકો મેળવી લીધી અને તેના ખોટા સીકકા પણ બનાવી લીધા અને ચોરેલા મોટર સાયકલની નંબર પ્લેટ બદલીને નવા નંબર વાળી આર.સી.બુકો ડુપ્લીકેટ બનાવી ને વેચવા મૂકી દીધા. અને ગ્રાહકોને સમજાવ્યા કે મોટા શહેરોમાં પૈસાદાર લોકો મોટર સાયકલ થોડો સમય વાપરીને બીજા નવા લે છે. તેથી આ નવા જેવા જ સેકન્ડ હેન્ડ મોટર સાયકલો છે તેમ કહી આવાહનોનું મારા સર્વીસ સ્ટેશન ઉપર જ વેચાણ ચાલુ કર્યું માલ ઉપડવા માંડયો અને રૂપીયાની રેલમ છેલમ ચાલુ થઈ ગઈ.

હું ભાવનગરથી જ મારી મંગેતર માટે સોનાનો ચેઈન ભેટ આપવા માટે લઈને મુબંઈ ગયો. મુંબઈ સસરાને ત્યાં વાતોના ફડાકા માર્યા કે સર્વીસ સ્ટેશનના ધંધાની સાઈંડમાં જમીન મકાન લે વેચ દલાલીના કામમાં ફાવટ આવી ગઈ છે. અને સારો ફાયદો થયો છે. વિગેરે વાતો બનાવી ને મુંબઈમાં ત્રણ ચાર દિવસ જલસા માર્યા છૂટા હાથે પૈસા વાપરી હર્યા ફર્યા અને સાસુ સસરાનો વિશ્વાસ સંપાદન કરીને ભાવનગર પાછો આવ્યો.

ભાવનગર આવીને ફરી એજ ટુંકો અને ઝડપી રસ્તો સારા મોટરસાયકલ ચોરવાના ખોટી આરસીબુક સાથે વેચી મારવાના દરમ્યાન એક મોટર કાર ઉપર પણ હાથ અજમાવ્યો અને તેના પણ લેવાલ મળી ગયા અને વળી પાછા નાણાનાં ઢગલા થયા. આથી ફરીથી મુંબઈ ઉપડયો આ આંટે તો સાસુ સસરાની મંજૂરી લઈને બાય એર મંગેતર ને લઈને ગોવા ફરવા ઉપડી ગયો. ગોવામાં માપ્સાની સારી હોટલમાં અમે બંને મુકામ કરીને ગોવાના જુદા જુદા દરીયા કાંઠાની મોજ કરી.

આ રીતે સર્વીસ સ્ટેશનની સાઈડમાં આ મોટર સાયકલો અને કારો ચોરી કરીને વેચી દેવાનો ધંધો ઝપાટા બંધ રીતે ચાલ્યો. પોતે દર વખતે ભાવનગરથી જ પોતાની મંગેતર માટે મોંઘીદાટ ભેટો લઈ જતો ઘરના સભ્યો માટે પણ લઈ જતો. તે તમામને બહુ સારૂ લાગતુ હતુ. પરંતુ તેમને હું ચોરીઓ કરૂ છું તેનો અણસાર પણ ન હતો.

આમ નિયમિત રીતે મહિને દોઢ મહિને રૂપીયા એકઠાથતા જ પોતે મુંબઈ ઉપડી જતો અને મંગેતરને લઈને પૂના, માથેરાન, અંજતા ઈલોરાની ગુફાઓ, મૈસુર વિગેરે જગ્યાએ ખૂબ હર્યો ફર્યો મોજ મજા કરી બધુ બરાબર ચાલતુ હતુ પછી તો મારા લગ્નનું નકકી થયું અને લગ્નની કંકોત્રીઓ પણ છપાઈ ગઈ. તમામ સગાવહાલાને કંકોત્રી વહેચી પણ દીધી. લગ્નને હવે દસબાર દિવસની જ વાર હતી પૈસાની તો બોંતાળ હતી તેથી મિત્રો અને ઘરના સભ્યોને કહેલું કે પુરા ઠાઠમાઠથી અને રજવાડી સ્ટાઈલથી જ લગ્નનું આયોજન કરવાનું છે. તમામ પુરા ઉંમગથી તૈયારીઓ કરતા હતા. લગ્નની તમામ ખરીદી અને તૈયારીઓ થઈ ગઈ હતી અને મારી બહેનો પણ સાસરેથી ઘેર આવીને ઉમંગથી લગ્નના દિવસની રાહ જોતા હતા. ઘરમાં આનંદ અને ઉત્સવ જેવું વાતાવરણ હતુ.

પરંતુ એક દિવસ એવું બન્યું કે પોતે ચોરીને વેચેલા એક મોટર સાયકલ વાળાએ કોઈ ડોસીમાંને હડફેટે લેતા તે મૃત્યુ પામ્યા અને પોલીસ કેસ થયો. ગુન્હાની તપાસ કરનાર જમાદારે ખૂબ ચીકાસ કરી મોટર સાયકલના કાગળો જોયા અને કાંઈક શંકાસ્પદ બાબત શોધી કાઢી આથી મોટર સાયકલ વાળો મારી પાસે વાહનના કાગળોની પૂર્તતા માટે આવ્યો મે મોટર સાયકલ વાળાને કહ્યું કે જમાદાર સાથે જે કાંઈ નાણાંકીય વ્યવહાર કરવો પડે તે કરી નાખો પૈસા મારી પાસેથી લઈ જાવ પણ પ્રકરણ બંધ વાળો. ખૂબ પ્રયત્ન કર્યા પણ આખરે ‘પાપ પીપળે ચડીને પોકાર્યું’ અને મારા લાખ પ્રયત્ન છતા ચોરીનો પરપોટો ફૂટી ગયો સાહેબ ! એમ કહી મુરતીયાએ ધ્રુસ્કુ મૂકીને રડીને દર્દભર્યા ગીત ગાવાનું ચાલુ કર્યું

‘સપના મેરા તુટ ગયા

તુમ ના રહા કુછના રહા….’

‘વકત ને કીયા કયા હસી સીતમ્

હમ ના રહે ના હમ…તુમ રહેના તુમ…’

મુરતીયાનું હૈયુ હળવું થયા પછી જયદેવે આગળ શું થયું તે પુછપરછ ચાલુ કરી તેણે કહ્યું કે ભાવનગર ક્રાઈમ બ્રાંચના જમાદાર તાજમહમદ ઉર્ફે તાજુદીનને આ બાબતની ખબર પડી અને આજથી દસેક દિવસ પહેલા રાત્રીના હું મારા સર્વીસ સ્ટેશન ઉપરથી ઘેર જતો હતો ત્યાં મને રસ્તામાંથી જ ઉપાડી લીધો પછી તો ચંદુભા જમાદાર વિગેરે એ રાત્રીના જ મારી જીંદગીમાં માણી ન હોય તેવી સરભરા કરી.

આથી મેં કરેલી સઘળી ચોરીઓની હકિકત જણાવી દીધી પછી તો પોલીસ અને હું દરરોજ દિવસ રાત દોડાદોડી કરી મેં જયાં જયાંથી મોટર સાયકલો ચોરેલા તે જગ્યા બતાવી દીધી તથા જેને જેને મોટર સાયકલો મોટરકારો વેચેલી તે દર્શાવી દીધું અને જૂના નંબરોની પણ માહિતી આપી દીધી. આથી પોલીસે તો મારા લગ્ન પહેલા જ હાથ કડી દોરડા બાંધી મારા ફૂલેકા કાઢવાનું ચાલુ કરી દીધું કુલ અડસઠ મોટર સાયકલો અને આઠ મોટરકારો વાળાના ફૂલેકા જયાં ત્યાંથી નવાપરા પોલીસ હેડ કવાર્ટર સુધી કાઢ્યા.

આ ખરીદનાર નિદોર્ષ લોકો મને ગાળો આપતા પણ હું કંટાળીને કહેતો કે ત્યારે નવા નકોર વાહનો સસ્તામાં લેવા સારા લાગતા હતા? શરૂમાં મને એમ કે બે ત્રણ દિવસમાં પોલીસની કાર્યવાહી પૂરી થઈ જશે અને મુંબઈ તથા લાઠીમાં કોણ સૌરાષ્ટ્ર સમાચાર વાંચે છે તે આ મારી ચોરીઓના સમાચાર વાંચી મારા આ પાપકર્મોની જાણ તેમને થશે? તેવું હું માનતો હતો. પરંતુ લગ્નને ચાર પાંચ દિવસ બાકી રહ્યા છતા પણ પોલીસની કાર્યવાહીતો લંબાતી જ જતી હતી એક ગુન્હામાથી બીજા ગુન્હામાં મારી ધરપકડ થતી જતી હતી. આ બનાવ બનતા મારા માતા પિતા અતિ દુ:ખી થઈ ગયા હતા અને નારાજ પણ થઈ ગયા હતા. તેમણે મને કહ્યું ‘અરે નાલાયક પેલા’ અર્ધો ખાતા હતા તે ઠીક હતુ આ અમને ‘અંધારામાં રાખી’ જાકુબીના ધંધા કરીને સમાજમાં મોઢૂં દેખાડવા જેવા તો ન રહેવા દીધા પણ હવે જીવવા જેવા પણ રહેવા દીધા નથી. તે અમારી વૃધ્ધાવસ્થા બગાડી તે તારી જુવાની લજવી.’ પણ મેં આ બધુ મકકમતા રાખી સહન કરી લીધુંને બધુ સારૂ થઈ રહેશે. તેમ કહી માતા પિતાને સમજાવ્યા છતાતેઓ રડતા રડતા જ ગયા. મને મારા તમામ અરમાનો સમુદ્રમાં ડુબતા લાગ્યા મને પણ ખૂબ દુ:ખ અને આઘાત લાગ્યો પણ ખૂબજ મોડુ થઈ ગયું હતુ.

પરંતુ મેં લગ્નની તારીખ તો નહિ જ જવા દેવાનું નકકી કર્યું, મિત્રોની મદદથી વકીલ રોકીને લગ્ન પૂરતા પણ જો જામીન મળે તેમાટે વ્યવસ્થા કરવા જણાવ્યું મિત્રો તો મિત્રો જ હોય છે ને? નારાજગી સાથે પણ મદદ કરી વકીલમારફતે ત્રણ દિવસ પૂરતા જામીનનો ખાસ હુકમ કરાવ્યો. મારે હવે બે દિવસ પછી વળી પોલીસની શરણાગતીમાં જવાનું છે અને જે જે પોલીસ સ્ટેશનો વાળા લઈ જાય ત્યાં ત્યાં જવાનું છે.તેમ કહીતે ચૂપ થઈ ગયો.

જયદેવે તેને પોતે કન્યાને મળી આવ્યાની વાત કરી અને કહ્યું કે કન્યા તને મળવા પણ ઈચ્છતી નથી તેમ જણાવ્યું. આથી તે વધુ દુ:ખી થયો અને રડી પડયો. પછી ધીમેથી કહ્યું ‘સાહેબ મને ફકત એક વખત તેનું મોઢુ જોવા દયો બસ પછી હું લાઠીથી ભાવનગર જતો રહીશ. જયદેવે કહ્યું ‘કન્યા પણ આઘાતમાં છે. તેનું આખુ કુટુંબ દુ:ખી છે. હવે પાછા તારે તેમને વધુ દુ:ખી કરવા છે?

થોડીવારે તેણે કહ્યું ‘સાહેબ હું એક સાદી ચીઠ્ઠી લખી આપું તે મારી પ્રિયતમા મંગેતરને મોકલાવો અને તે ચીઠ્ઠી ઉપર તેણી મ ને જે જવાબ આપે તે પછી હું તુરંત જ રવાના થઈ જઈશ.જયદેવેને થયું કે જોઈએ તો ખરા કે ચીઠ્ઠીમાં શું લખે છે. આથી તેણે મુરતિયાને એક કોરો કાગળ આપ્યો અને કહ્યું આની ઉપર એક બાજુ જ જે તારે લખવું હોય તે લખી આપ આથી તેણે તે કાગળની ફરતે વેલકુલની ડીઝાઈનનું ચિત્રકામ કર્યું અને વચ્ચેના ભાગે બે ગીતોની લાઈનો લખી.

(૧) હમ તુમસે જુદા હો કે .. મર જાયેંગે રો રો કે…

(૨)સો બાર જનમ લેંગે બાર બાર જનમ લેગે ફીર ભી હમ તુમસે જુદા નહિ હોંગે…

તારી રાહમાં…

જયદેવે ચિઠ્ઠી લઈ સામંતસિંહ જમાદારને આપી અને કહ્યું કે આ ચિઠ્ઠી લઈ કન્યાને ઘેર જઈ કન્યાને આપો અને તેનો જ પ્રત્યુતર આજ ચીઠ્ઠીના પાછલના ભાગે લખાવીને પાછી લાવો. સામંતસિંહ તેમનું સ્કુટર લઈને ઉપડયા.

પણ તેઓ ગયા તેવા જ થોડી વારમાં પાછા આવ્યા તેઓ મંદ મંદ હંસતા હતા અને કહેતા હતા કે મારા દિકરા ફિલ્મી બાબુડીયા ન કરવાનું કરે છે. અને પછી તેઓતો ધંધે લાગે છે જ છે. પણ બીજાને પણ ધંધે લગાડે છે. જયદેવે ચિઠ્ઠીની પાછળના ભાગે લખેલુ લખાણ વાંચીને આશ્ચર્ય પામી ગયો. ચીઠ્ઠીની પાછળ લખ્યું હતુ.

‘આવતા એક હજાર ભવ સુધી પણ રાહ જોતો નહિ’ આ ચીઠ્ઠી મુરતીયાને આપતા તે વાંચીને પોક મૂકીને રડ્યો સામંતસિંહે તેને પાણીનો ગ્લાસ આપીને પાણી પાયું પાણી પીને મુરતીયાએ ફરી દર્દીલૂં ગીત ચાલુ કર્યું.

‘દોસ્ત દોસ્ત ના રહા પ્યાર પ્યાર ના રહા

જીંદગી હમે તેરા એતબાર ના રહા’

‘જુબાં પે દર્દ ભરી દાસ્તાં ચલી આઈ…

બહાર આને સે પહેલે ફીઝા ચલી આઈ..’

આ સાંભળીને જયદેવને થયું કે માળા ફિલ્મી મજનૂ આટલું થયા છતા થાકતા નથી, નકકી આ ગાંડો થઈ જશે આથી તેણે ટેક્ષી ડ્રાઈવરને બોલાવી ને કહ્યું કે આ મુરતીયાને સાચવીને લઈજજે રસ્તામાં કયાં…ક? પણ ડ્રાઈવરે જ કહ્યું સાહેબ આ બનેલી આઈટમ છે બીજાને ગુમ કરીદે તેમ છે. તેની ચિંતા કરતા નહિ.

અને આમ ફિલ્મી માનસીકતા અને ફિલ્મી ઢબે જીવન જીવવાનો પ્રયત્ન કરનાર ફકત એક વ્યકિતની વરરાજાની જ બનેલી જાન લીલા તોરણે જ અને પરણ્યા વગર જ રવાના થઈ.વરરાજાએ જ જાનડીનો રોલ અદા કરીને મંગલ ગીત ગાવાને બદલે કરૂણ ગીત ગાતા ગાતા ટેક્ષીમાં વિદાય લીધી.

‘તેરી દુનિયા સે દૂ…ર. ચલા મેં.

બહુત દૂર ચલા મૈં. હોકે મજબૂર ચલા મૈં’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.