સ્કૂલ ચલે હમ…. દસ મહિના બાદ ફરી પાઠક શાળા શરૂ !!

દસ મહીના બાદ ફરી વિદ્યાની મંદિર વિદ્યાર્થીરૂપી ભક્તોથી છલકાયુ: સંજયભાઈ કોટક

આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષાઓ લેવાવાની છે. ત્યારે વિદ્યાર્થીઓના લાંબા ગાળાના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારે ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ ઉપરાંત કોલેજ કક્ષાએ અંડર ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષના તથા પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો હતો, આજથી શાળાકાર્ય શરૂ થઈ ચૂક્યું છે. પ્રથમ દિવસે રાજકોટની શાળાઓમાં નિયમોના પાલન સાથે ફરીથી વિદ્યાર્થીઓનું ભણતર કાર્ય શરૂ થઇ ચૂક્યું છે. આજે શાળાઓમાં ઉમળકાભેર વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા શાળા દ્વારા કોરોના મહામારી ને લઇ નિયમોની ખાસ તકેદારી રાખવામાં આવી હતી સોશિયલ ડિસ્ટન્સ, થર્મલ સ્કેનર, સેનિટેશન સહિતના નિયમો માટે એસઓપીનું ધ્યાન રાખવામાં આવ્યું હતું.

પાઠક સ્કૂલના કેમ્પસ ડાયરેક્ટર સંજયભાઈ કોટકે ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવાયું હતું કે, આજથી બોર્ડના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ અનલોક થઈ છે ત્યારે ફકત વિદ્યાર્થીઓમા જ ખુશી નહીં પરંતુ વાલીઓ અને શિક્ષકોમાં પણ ખુશીનો માહોલ દેખાયો છે. અમારી સ્કૂલના તમામ કલાસરૂમ સેનેટાઇઝ કરેલા છે. વિદ્યાર્થીઓને આજે પ્રવેશ વખતે પણ સેનેટાઇઝ કરવામાં આવ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓને હાલ શરૂઆતના દિવસોમાં લર્નિંગ પ્રોસેસ જ કરાવામાં આવશે કેમ કે છેલ્લા ૧૦ મહીનાથી વિદ્યાર્થીઓ સ્કૂલે આવ્યા નથી ત્યારે હવે ઓફલાઈન ક્લાસમાં ફરી રૂચિ અપાવવા લર્નિંગ સહિતની પ્રવુતિઓ કરાવાશે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા ૧૦ મહિનાથી વિદ્યાર્થીઓ ઓનલાઇન ભણ્યા છે જેથી તેઓની એકાગ્રતા માં ઘટાડો થયો છે ત્યારે એકાગ્રતા વધે તેઓ પ્રયાસ કરાશે. બોર્ડનું વર્ષ વિદ્યાર્થીઓ માટે મહત્વનું છે ત્યારે પ્રેક્ટીકલ અને થિયરી બંન્ને વિષયમાં વિદ્યાર્થીઓ નિપુણ થાય અને તેઓનું ભવિષ્ય ઉજળું બને તેવો અમારો પ્રયાસ છે. આજે ફરી સ્કૂલ ધમધમી છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

શાળાના અભ્યાસમાં રિવિઝન કરવાથી બોર્ડની પરીક્ષામાં કામ આવશે

પાઠક સ્કૂલની વિદ્યાર્થીની ખીમસુરિયા તુલસીએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લાંબા સમય બાદ સ્કૂલ શરૂ થઈ તેનો આનંદ છે. અમે તો ઓનલાઇન શિક્ષણમાં પણ પૂરી એકાગ્રતા સાથે અભ્યાસ કરતા હતા. ઓનલાઇન શિક્ષણ ખરાબ નથી. જો કે હવે સ્કૂલ શરૂ થઈ છે એટલે મિત્રો સાથે અભ્યાસ કરવાની ખૂબ જ મજા આવશે અને લોકડાઉનના સમયમાં પણ મિત્રો અને સ્કૂલની ખૂબ જ યાદ આવી. ત્યારે અમારૂ આ બોર્ડનું વર્ષ છે જેથી ઓફલાઈન સ્કૂલ ચાલુ થવાથી પરીક્ષાની ત્યારી કરવામાં સરળતા રહેશે.

Loading...