Abtak Media Google News

રાજધાનીમાં ટ્રેકટર રેલીને લઈને કોઈ મુશ્કેલીઓ ઉભી ન થાય તે માટે આંદોલનકારીઓની સ્વૈચ્છિક આચારસંહિતા: કડક અમલની હિમાયત

કડવો હોય લીંમડો પણ શિતળ તેની છાય…, બાંધવા હોય ‘અબોલડા’ તોયે પોતાની બાય… કહેવતમાં કડવા લીંમડાની શિતળતાના રૂપક સાથે ભાત્ર્રુ ભાવના વિશે કહેવાયું છે કે, ભાયો ભલે એકબીજા સાથે બોલતા ન હોય, અણગમો હોય પરંતુ તે ક્યારેય મનથી અળગા થતાં નથી. રાજધાનીમાં આવતીકાલે ભારે ચર્ચાસ્પદ બનેલા કિસાન આંદોલનની ટ્રેકટર રેલીને લઈને વ્યવસ્થામાં તંત્ર ઉંધેમાથે થયું છે ત્યારે આંદોલનકારીઓના મનના રામ જાગી ગયા હોય તેમ ‘હમ હૈ હિન્દુસ્તાની’ની ભાવના સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત રાજધાનીમાં શાંતિપૂર્ણ માહોલ રહે તે માટે આંદોલનકારીઓએ સ્વૈચ્છીક સ્વયંભુ રીતે આચારસંહિતા ઘડીને ટ્રેકટર રેલી દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાઓ ન બને તે માટે સ્વયંભુ શિસ્ત જાળવવાની જાહેરાત કરી ‘હમ હૈ હિન્દુસ્તાની’નો ભાવ ઉજાગર કર્યો છે.

આવતીકાલે પ્રજાસત્તાક પર્વની આંદોલનકારીઓની કિસાન રેલીને દિલ્હી પોલીસે મંજૂરી આપી છે. કિસાન સંગઠનોએ પણ આ રેલી સ્વયંભૂ શિસ્ત સાથે શાંતિપૂર્વક રીતે યોજાય તે રીતે કમરકસી છે.

સંયુક્ત કિસાન મોરચાએ રવિવારે રેલી દરમિયાન કોઈપણ પ્રકારનો અશાંત માહોલ ઉભો ન થાય તે માટે તંત્રને ખાતરી આપી છે અને દરેક દેખાવકારને જીવંત હેલ્પલાઈન નંબર સાથે રહેવા હિમાયત કરી છે. આંદોલનકારીઓએ દાવો કર્યો છે કે, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, બિહાર, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, ઝારખંડ અને છત્તીસગઢના આંદોલનકારીઓ ટ્રેકટર રેલીમાં જોડાશે. ટ્રેકટર રેલીમાં એક ટ્રેકટર ૨૪ કલાક સુધી ફરશે અને તેમાં ડ્રાઈવર સહિત પાંચ વ્યક્તિઓ સવાર થશે. આંદોલનકારીઓએ જાહેરાત કરી છે કે, અમે દિલ્હી જીતવા નથી જતાં, અમે દેશનું હૃદય જીતવા જઈએ છીએ. રેલી દરમિયાન કોઈપણ પ્રકારની માથાકૂટ ન થાય તે માટે દરેક ટ્રેકટર ચાલકોને આચારસંહિતાનું પાલન કરવા જણાવાયું છે. ૨૬મી જાન્યુઆરીની રેલીમાં માત્ર ટ્રેકટર ટ્રોલી વગરની વ્યવસ્થા કરવામાં આવી છે. માત્ર ટેબલોની ટ્રોલીઓને સામેલ કરવામાં આવશે, આંદોલનકારીઓ માટે કરવામાં આવેલી આચાર સંહિતામાં તમામને અફવાઓથી દૂર રહેવા અને સતત ફેસબુક પેઈઝના સંપર્કમાં રહેવા, કોઈપણ અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલીક હેલ્પલાઈનનો સંપર્ક કરવો, ટ્રેકટર કે મોટરમાં મુશ્કેલી સર્જાય તો હેલ્પલાઈન નંબરનો સંપર્ક કરવો અને ખોટકાયેલ વાહનો સાઈડમાં મુકી દેવા, સંયુક્ત કિસાન મોરચાના ૭૪૨૮૩ ૮૪૨૩૦ની હેલ્પલાઈન સતત ચાલુ રહેશે અને હેલ્પલાઈન પોલીસ કંટ્રોલ નં.૧૧૨ સતત ચાલુ રહેશે.  પોલીસે રૂટ ઉપર કડક સુરક્ષા ગોઠવી છે. કોઈપણ વાહન ઉપર રાષ્ટ્ર ધ્વજ સીવાયના રાષ્ટ્રીય પક્ષોના ઝંડા નહીં લહેરાય, કોઈ નશો નહીં કરે, વાહનો પર સંગીતના સાધનો વગાડવા પર પ્રતિબંધ અને ટ્રેકટર રેલીના દરેક લોકોને ક્યાંય પણ આડેધડ કચરો ન ફેંકવા જેવી વ્યવસ્થાનો ચુસ્ત અમલ કરવાની હિમાયત કરવામાં આવી છે. આમ આંદોલનકારીઓના દિલમાં દેશભક્તિની લાગણીએ ‘હમ હૈ હિન્દુસ્તાની’નું વાતાવરણ ઉભુ કર્યું છે. પ્રજાસત્તાક પર્વની ગરિમા જાળવવા માટે આંદોલનકારીઓએ મક્કમ નિર્ધાર વ્યકત કર્યો છે.

આંદોલનકારીઓની ટ્રેકટર રેલીમાં અફડા-તફડી માટે પાકિસ્તાની ૩૦૦ ટ્વીટર હેન્ડલર સક્રિય

Twitter Logo

આંદોલનકારીઓ અને સરકાર વચ્ચેની મડાગાંઠ ઉકેલવા પ્રયાસો ચાલી રહ્યાં છે. દરમિયાન આવતીકાલે પ્રજાસત્તાક પર્વ નીમીતે આંદોલનકારીઓએ દિલ્હીમાં ટ્રેકટર રેલીનું આયોજન કર્યું છે. સરકારે પણ વિરોધ વ્યકત કરવાના નાગરિક અધિકારોનું સન્માન કરી શરતોના આધીન ટ્રેકટર રેલીને મંજૂરી આપી છે. દરમિયાન દિલ્હી પોલીસે રવિવારે એક ઘટસ્ફોટ ર્ક્યો છે કે, દિલ્હીમાં ટ્રેકટર રેલી અને આંદોલનકારીઓમાં અફરા-તફરી માટેના કાવતરાના ભાગરૂપે પાકિસ્તાનના ૩૦૦ જેટલા ટ્વીટર હેન્ડલરો સક્રિય છે અને તે અફવાઓ ફેલાવી શકે. જાન્યુઆરી ૧૩ થી ૧૮ દરમિયાન ૩૦૦ જેટલા પાકિસ્તાની ટ્વીટર હેન્ડલરો દ્વારા દિલ્હીની ટ્રેકટર રેલી અંગે અફવાઓ ફેલાવવાનું શરૂ કર્યું છે. આંદોલનકારીઓના સંગઠનોને ગેરમાર્ગે દોરવા નાપાક તત્વો સક્રિય થઈ ગયા હોવાનું બહાર આવ્યું છે. દિલ્હી, હરિયાણા અને ઉત્તરપ્રદેશ પોલીસ આ ઘટનાના પગલે સક્રિય બની ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.