Abtak Media Google News

૨૦૧૪માં કરવામાં આવેલી ગણતરીમાં ઘુડખરોની સંખ્યા ૪૪૫૧ નોંધાઈ હતી: ગણતરીમાં ૧૨૦૦થી વધુ લોકો લેશે ભાગ

આવનારી ૧૩ અને ૧૪ માર્ચના રોજ કચ્છનાં નાના અને મોટા રણમાં જંગલી વૈશાખનંદનોની ગણતરી કરવામાં આવશે જેમાં પાટણ, બનાસકાંઠા તથા સુરેન્દ્રનગર જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગણતરી દરમિયાન સૌપ્રથમ વખત નાયબ વન સંરક્ષણ વિભાગ દ્વારા ૧૧ ડ્રોનનો ઉપયોગ કરાશે. ભારતીય ઘુડખરની પ્રજાતિ એશિયાઈ સિંહોની માફક વિશ્ર્વમાં ફકત ગુજરાતમાં અને કચ્છનાં નાના તથા મોટા રણમાં જ જોવા મળે છે. સરકારનાં વનવિભાગ દ્વારા દર પાંચ વર્ષે આ ઘુડખરની ગણતરી કરવામાં આવે છે ત્યારે છેલ્લી ગણતરી વર્ષ ૨૦૧૪માં કરવામાં આવી હતી જેમાં જંગલી વૈશાખનંદનોની સંખ્યા ૪૪૫૧ નોંધાઈ હતી.

આગામી ૧૩ અને ૧૪ માર્ચના રોજ વૈશાખનંદનોની ગણતરી કરવામાં આવનાર છે ત્યારે આ કાર્યમાં ૩ રીઝનલ ઓફિસર, ૧૮ ઝોનલ ઓફિસર, ૭૭ સબ ઝોનલ ઓફિસર તેમજ ૩૬૨ સ્વૈચ્છિક સંસ્થાઓનાં સ્વયંસેવકોની સાથે ૧૨૦૦થી વધુ વ્યકિતઓ આ ગણતરીમાં ભાગ લેશે. વૈશાખનંદનોની ગણતરી કચ્છનાં નાના રણમાં તથા તેની આસપાસનાં વિસ્તારોમાં અને કચ્છનાં મોટા રણમાં કરવામાં આવશે. આ કાર્યમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે તા.૧૩ અને ૧૪ માર્ચના રોજ પ્રવાસીઓ તથા તમામ પ્રકારનાં વાહનો માટે એક જાહેરનામા દ્વારા પ્રવેશબંધી કરવામાં આવી છે. સાથો સાથ અભિયારણ્યની આસપાસ ગ્રામજનો અને પરંપરાગત રીતે મીઠુ પકવતા અગરીયાઓને આ કાર્યમાં સહકાર આપવા જણાવાયું છે. ઘુડખર ઉપરાંત કચ્છનાં નાના રણમાં જોવા મળતા અનેકવિધ અલભય પ્રકારનાં વન્ય પ્રાણીઓ જેવા કે કાળિયાર, ચિંકારા, વરૂ, રણલોકડી, રણબિલાડી વગેરેની વસ્તીનો પણ અંદાજો મેળવવામાં આવશે.

ગણતરી દરમિયાન ઘુડખરનાં કુદરતી નિવાસસ્થાનમાં તથા અન્ય તૃણાહાલી વન્યપ્રાણીઓની ખોરાકની ઉપલબ્ધિ અને તેઓને પડતા પડકારોની પણ વિગતો લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, નવનિર્મિત કેન્દ્રશાસિત પ્રદેશ લદાખમાં ઘુડખર જેવા દેખાતા તેની પેટા પ્રજાતિને તિબેટીયન વાઈલ્ડેસ તરીકે ઓળખવામાં આવે છે ત્યાં તેની વસ્તી પણ નજરે પડે છે. આધારભુત સુત્રોના જણાવ્યા અનુસાર વૈશાખનંદનો હવે અમદાવાદ અને મોરબી જિલ્લાના મહતમ ભાગોમાં પણ દેખાય છે. પ્રથમ વખત જે ગણતરી હાથ ધરવામાં આવશે તેમાં નાલસરોવર અને અમદાવાદનાં વિરમગામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સાથોસાથ મોરબી જિલ્લાના ગામોને પણ ગણતરીમાં લેવામાં આવશે.

3.Banna For Site

જંગલી વૈશાખનંદનની ગણતરી સમયે અભયારણ્યમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ

આગામી ૧૩ અને ૧૪ માર્ચનાં રોજ જે જંગલી વૈશાખનંદનોની ગણતરી કરવામાં આવી રહી છે તે માટે વનવિભાગ દ્વારા સૌપ્રથમ વખત ૧૧ ડ્રોનોનો ઉપયોગ કરવામાં આવશે. સાથો સાથ જાહેરનામું પણ પ્રસિઘ્ધ કરવામાં આવ્યું છે કે, ઘુડખરોની વસ્તી ગણતરી સમયે અભ્યારણ્યમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ પણ લાદવામાં આવ્યો છે.  કચ્છના નાના રણમાં તા.૧૩ અને ૧૪ માર્ચના રોજ ઘુડખર ગણતરીનું કાર્ય હાથ ધરવાનું હોઈ ગુજરાતના ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડનએ  એક જાહેરનામાં દ્વારા તા.૧૩ તથા ૧૪  માર્ચ, ૨૦૨૦ના બંને દિવસ દરમિયાન જાહેર જનતા અને વાહનોને પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે કચ્છના નાના રણ વિસ્તારના ઘુડખર અભ્યારણ્યમાં ઘુડખર ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેથી આ ઘુડખર ગણતરીની કામગીરીને ખલેલ ન પહોંચે તે માટે વન્યપ્રાણી સંરક્ષણ ધારા અંતર્ગત મળેલ સત્તાની રૂએ ઘુડખર અભ્યારણ્ય વિસ્તારમાં તા.૧૩ અને ૧૪ માર્ચ, ૨૦૨૦ના બંને દિવસો દરમિયાન જાહેર જનતા અને વાહનો માટે પ્રવેશ પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.  જેને ધ્યાને લઈ કચ્છના નાના રણ વિસ્તારમાં પરંપરાગત મીઠું પકવતા અગરીયા પરિવારો અને ઘુડખર અભ્યારણ્યના આસપાસના વિસ્તારના ગામલોકોને આ કામગીરીમાં વનવિભાગને સહયોગ આપવા વધુમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.