૨૧મી સદીમાં ભારતના કેટલા એરપોર્ટ જોખમી?

કરીપુર એરપોર્ટનો રન-વે ટેબલ ટોપ હોવાથી દુર્ઘટના ઘટી: ભારે વરસાદ અને પવનનાં કારણે લેન્ડીંગ સમયે વિમાન રન-વે પર આગળ નિકળી ખીણમાં પડયું

હાલ કેરલનાં કોઝીકોડ એરપોર્ટ ઉપર મોટી દુર્ઘટના થઈ હતી જેમાં દુબઈથી આવી રહેલ એર ઈન્ડિયાનું પ્લેન એરસ્ટ્રીપ ઉપર લેન્ડીંગ વખતે ફસડાઈ ગયું હતું. ભારે પવન તથા ભારે વરસાદનાં કારણે આ દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. રન-વે પરથી પ્લેન ઓવરશૂટ થયા બાદ ૩૫ ફુટ ઉંડી ખાઈમાં પડયું હતું જેના લીધે પ્લેનના બે ટુકડા થઈ ગયા હતા. આવી જ એક ઘટના કેરલમાં ઘટી હતી ત્યારે સૌથી મોટો પ્રશ્ર્ન એ છે કે ૨૧મી સદીમાં ભારતનાં એવા કેટલા એરપોર્ટ છે કે જે અત્યંત જોખમી હોય. એરસ્ટ્રીપ અને યોગ્ય રન-વેનાં અભાવે ઘણીખરી વખત દુર્ઘટના ઘટતી હોય છે ત્યારે એવી જ એક ઘટના કોઝીકોડ એરપોર્ટ પર જોવા મળી હતી. મલ્લાપુરમના એસ.પી.નાં જણાવ્યા મુજબ આ દુર્ઘટનામાં ૧૮ લોકોનાં મોત નિપજયા હતા તેમાં એરફોર્સનાં રીટાયર્ડ વિંગ કમાન્ડર અને કો-પાયલોટનું પણ મૃત્યુ નિપજયું હતું.

એર ઈન્ડિયાની ફલાઈટ જે દુબઈથી આવી રહી હતી તેમાં ક્રુ-મેમ્બર સહિત ૧૯૦ મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા જેમાં ૧૨૮ પુરુષ, ૪૬ મહિલા અને ૧૦ નવજાત બાળકોની સાથે ૬ ક્રુ-મેમ્બર્સ સામેલ હતા. ફસાયેલા મુસાફરોની મદદ માટે દિલ્હી અને મુંબઈથી બે સ્પેશિયલ ફલાઈટ કોઝીકોડ મોકલવામાં આવી હતી. હાલ વૈશ્ર્વિક મહામારી કોરોનાનાં કારણે વિમાન સેવાઓ બંધ રાખવામાં આવી છે ત્યારે વંદે ભારત મિશન હેઠળ ચલાવાતી વિમાન સેવાનો લોકોએ લાભ લીધો હતો. કોઝીકોડનું કરીપુરનું એરપોર્ટ પર્વતીય વિસ્તારોમાં છે. તેનું રન-વે ટેબલ ટોપ છે જેથી ચોકકસ અંતર પછી રન-વેનાં આગળનાં ભાગમાં ઉંડી ખીણ છે. આવા સ્થળે પાયલોટ પાસે વિમાનને રોકવા અથવા તો તેને સ્થિર કરવા માટે ખુબ જ ઓછી જગ્યા મળતી હોય છે. વિશેષજ્ઞોનું એવું પણ માનવું છે કે, ભારે વરસાદનાં કારણે અને ભારે પવન ફુંકાતા પાયલોટ વિમાનનું નિયંત્રણ રાખી શકયા ન હતા અને તે વિમાન રન-વે પર આગળ નિકળી ખીણમાં પડી ગયું હતું.

દુબઈથી આવી રહેલા આ બોઈંગ વિમાનનું ભારે વરસાદ અને પવનનાં કારણે ક્રેસ લેન્ડીંગ થયું હતું. ડીજીસીએનાં જણાવ્યા પ્રમાણે વિઝીબીલીટી માત્ર ૨ હજાર મીટર જેટલી જ હતી જેથી રન-વે નંબર ૧૦ ઉપર વિમાન લપસી ખાઈમાં પડી ગયું હતું. ડીજીસીએ દ્વારા આ ઘટનાની તપાસ અર્થે આદેશો પણ આપવામાં આવ્યા છે.

Loading...