Abtak Media Google News

દેશમાં એક દિવસમાં ૩૨૭૭ કોરોનાગ્રસ્ત : ૧૨૮ દર્દીનો વાયરસે ભોગ લીધો

સૌરાષ્ટ્રમાં ગીર ગઢડા, મોરબી, કોડીનાર અને ગીર સોમનાથમાં વધુ ૧૯ કોરોનાની ઝપટે

ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં સંદનતર વધારો થઈ રહ્યો છે. ૨૪ કલાકમાં વધુ ૩૯૮ પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા ૮૦૦૦ને પાર પહોંચી છે. જ્યારે વધુ ૨૧ના કોરોના વાયરસે ભોગ લીધો હતો. કુલ મૃત્યુઆંક ૫૦૦ની નજીક પહોંચી રહ્યો છે. જ્યારે દેશમાં પણ કોરોનાનો વ્યાપ વધતો રહ્યો છે. એક દિવસમાં દેશભરમાં એક દિવસમાં ૩૨૭૭ કોરોનાગ્રસ્ત કેસ નોંધાયા છે અને ૧૨૮ દર્દીઓના ભોગ વાયરસે લીધા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ વતન પરત ફરતા લોકોની સંખ્યા સાથે કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં પણ વધારો થયો છે.

રાજ્યમાં કોરોનાની મહામારી વકરી રહી છે ત્યારે ખાસ કરીને અમદાવાદમાં સ્પ્રેડરની સંખ્યામાં વધારો થતાં સંદતર લોકડાઉન ની અમલીકરણની ફરજ પાડવામાં આવી છે. રાજ્યમાં ગઈ કાલે વધુ ૩૯૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અને વધુ ૨૧ દર્દીઓના ભોગ કોરોના વાયરસે લીધાનું જાણવા મળ્યું છે. આ સાથે રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૮૦૦૦ને પાર પહોંચી છે અને કોરોના પોઝિટિવ દર્દીઓના મોતની સંખ્યા પણ ૫૦૦ની નજીક પહોંચી રહી છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં કોરોના બેકાબુ પરિસ્થિતિમાં જણાઈ રહ્યું છે. સુપર સ્પ્રેડરના કારણે અમદાવાદમાં કોરોનાની સંખ્યામાં બેફામ વધારો થઈ રહ્યો છે. ૨૪ કલાકમાં વધુ ૨૭૮ પોઝિટિવ કેસ અને ૧૮ દર્દીઓના મોત નિપજતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૫૫૪૦ અને મૃત્યુઆંક ૩૮૧ સુધી પહોંચી રહ્યો છે. સુપર સ્પ્રેડર ના ફેલાવાથી અમદાવાદ ની સ્થિતિ બેકાબુ બની છે. જેથી અમદાવાદમાં ફરજીયાત લોકડાઉનની અમલીકરણની ફરજ પાડવામાં આવી છે.

દેશભરમાં પણ કોરોનાનો વ્યાપ વધતો જોવા મળી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં વધુ ૩૨૭૭ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે અને દેશમાં વધુ ૧૨૮ દર્દીઓના મોત નિપજ્યા છે. અત્યાર સુધી દેશમાં ૬૨,૯૩૯ પોઝિટિવ કેસ અને ૨૧૦૯ કોરોનાગ્રસ્ત દર્દીઓના ના ભોગ વાયરસે લીધા છે. રવિવારના રોજ મળતી માહિતી મુજબ દેશભરમાં હાલ કોરોના સંક્રમણના ૪૧,૪૭૨ એક્ટિવ કેસ છે. જ્યારે ૧૯,૩૫૮ દર્દીઓના સફળ ઈલાજ થતા રિકવરી રેટ વધીને ૩૦.૭૫ ટકા પર પહોંચ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધનએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસમાં કોરોના કેસનો ડબલિંગ રેટ ૧૨ દિવસ રહ્યો છે. અને અત્યાર સુધી દેશમાં ૪૩૬૨ કોવિડ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ૩ લાખ જેટલા દર્દીઓ સારવાર લઇ શકે છે.  દેશભરમાં ૪૮૩ જિલ્લામાં ૭૭૪૦ હોસ્પિટલો કોવિડ ૧૯ ની સારવાર માટે અલગ તારવામાં આવી છે. અને છેલ્લા ૨૪ કલાકમાં દેશના ૨૪ રાજ્યમાં કોરોનાના એક પણ પોઝિટિવ કેસ નોંધાયા નથી.

સૌરાષ્ટ્રમાં પણ વતન પરત ફરતા લોકોની સંખ્યામાં ધસારો વધી જતાં કોરોનામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. બે દિવસમાં કોડીનાર, ગીર ગઢડા, ગીર સોમનાથ, જૂનાગઢ અને મોરબીમાં કોરોનાની પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે. જેમાં જૂનાગઢમાં મધુરમ વિસ્તારમાં રહેતા ૨૪ વર્ષનો યુવાન જે મુંબઈની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતો હતો. જેને કોરેન્ટાઇન કરી સેમ્પલ મેળવી લેબમાં રિપોર્ટ કરવામાં આવતા યુવાન કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં ૨ ભેસાણ તાલુકા અને એક જૂનાગઢ સિટીમાંથી ૧ મળી કુલ ૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સુરેન્દ્રનગરમાં પણ મૂળી તાલુકામાં એક ૪૬ વર્ષની મહિલા અને ૧૩ વર્ષનો તરૂણ કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા છે.

સૌરાષ્ટ્રમાં વધુમાં કોડીનારમાં જિન પ્લોટમાં મહારાષ્ટ્રથી આવેલા વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યા હતા. કારમાં આવેલા દ્રાઈવર પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા બાદ પોતે મહારાષ્ટ્રનું હોવાનું કહી પોતે કારમાં દિવ સુધી પહોંચી ગયો હતો. જ્યાંથી તે વિદેશી પ્રવાસીઓને એરપોર્ટ સુધી મુકવા જતો હતો ત્યારે દિવ પોલીસે તેની અટકાયત કરી સ્ક્રેનિંગ કરતા કોરોનાના લક્ષણો જણાતા તેને ગીર સોમનાથના હવાલે કરી સેમ્પલ મેળવતા તેને કોરોના પોઝિટિવ આવ્યો હતો. કોરોનાગ્રસ્ત દ્રાઈવર ઉના સહિત અનેક ગામમાં ફર્યો હોવાનું જણાવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. જ્યારે દિવ પોલીસ અને ભાડે બેઠેલા વિધેસી પ્રવાસીઓને પણ કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

ગીર ગઢડામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં અચાનક ઉછાળો આવ્યો છે. બે દિવસ પહેલા ગ્રીન ઝોન તરફ જઇ રહેલા શહેરમાં અમદાવાદથી આવેલા યુવાનને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેની સાથે કારમાં આવેલા અન્ય પાંચ વ્યક્તિઓને પણ કોરોના સંક્રમણમાં આવતા તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા એક સાથે ૬ વ્યક્તિઓ કોરોનામાં સપડાયા છે. જ્યારે મોરબીમાં પણ વાંકાનેર ગામમાં એક વ્યક્તિને કોરોનાના લક્ષણ જણાતા રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી રિપોર્ટ મેળવતા તેમને કોરોના પોઝિટિવ નોંધાયો હતો. જ્યારે વીર સોમનાથમાં પણ કોરોના વાયરસના સંક્રમણમાં આવતા એક સાથે ૮ લોકો કોરોનાની ઝપટે ચડી જતા તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

અમદાવાદમાં કોરોના ‘બે કાબુ’બનાવવા માટે જવાબદાર ૩૩૪ સુપર સ્પ્રેડરોને શોધી કઢાયા

આભ ફાટયુ હોય ત્યાં ધીંગડુ કયાં દેવું, અમદાવાદ અત્યારે રાજયમાં કોરોના મહામારીનું ભયંકર હોટસ્પોટ બનીને ઉભરી રહ્યું છે. તંત્રએ અત્યાર સુધીમાં ૩૩૪ જેટલા સુપર સ્પ્રેડરોને ઝડપી લઇ આ મહામારીને નાથવા માટે કરીયાણા અને શાકભાજી સહિતની દુકાનો પણ ૧પ મે સુધી બંધ રાખવાના આદેશો કર્યા છે.

કોરોનાના સુપર સ્પેડરો રોગના જીવાણુંઓને વ્યાપક પ્રમાણમાં લોક સમુહમાં ફેલાવવામાં નિમિત બને છે. આવા સુપર સ્પેડરોમાં શાકભાજીના ફેરીયા કરિયાણા અને દુધની ડેરીના માલિકો, પેટ્રોલ પંપના માલિકો અને સફાઇ કર્મચારીઓ કે જે પોતાના ધંધા માટે બહાર રહીને સઁક્રમણના જોખમમાં આવી જાય છે. શનિવાર સુધીમાં રાજયમાં કુલ ૭૭૯૭ પોઝિટીવ કેસ ૪૭૨ મૃત્યુમાંથી એકલા અમદાવાદમાં જ ૫૫૪૦ પોઝિટીવ અને ૩૬૩ મૃત્યુ નોંધાયા હતા. એવી દહેશત વ્યકત કરાઇ રહી છે કે અમદાવાદમાં અત્યારની પરિસ્થિતિએ ૧૪ હજાર જેટલા સુપર સ્પેડરો થઇ ગયા છે અને તેઓને આગામી ૩ દિવસોમાં શોધી લેવાનું લક્ષ્ય રાખવામાં આવ્યો છે. આ કવાયત અમદાવાદના તમામ વિસ્તારો, પરાઓ ઉપરાંત જીલ્લાના ગામડાઓમાં હાથ ધરવામાં આવશે.

અમદાવાદ કોર્પોરેશને તો ર૦મી એપ્રિલ થી જ જીવંત સર્વેથી આ કામગીરી શરુ કરીને ૩૮૧૭ નમુનાઓ એકઠા કર્યા હતા. તેમાં ૩૩૪ પોઝિટીવ કેસ મળ્યા હતા. શનિવારે વેજલપુરના કરિયાણાના દુકાનદારને પોઝિટીવ આવતા તંત્રએ આ દુકાને પંદર દિવસ દરમિયાન જે ધરાકો માલ લેવા આવ્યા હતા તે તમામને કોરોનાટાઇન કરવામાં આવ્યા છે તેવી જ રીતે ધોલકાના તરબુચનો વેપારી પોઝિટીવ મળતા તેમ તેને સુપર સ્પેડર જાહેર કરવામાં આવ્યો હતો અને ૯૬ જેટલા વ્યકિતઓને કોરોનટાઇન કરવામાં આવ્યા હતા. જેમાંથી ૧રના રિપોર્ટ પોઝિટીવ આવ્યાનો ડીડીઓ અર્જુન મહેશબાબુએ જણાવ્યું હતું.

અધિક સચિવ રાજીવ ગુપ્તાને શહેરમાં કોરોના કામગીરીના સંક્રમણ માટે નિમવામાં આવ્યા છે તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધી ર૦૦૦ જેટલા સુપર સ્પ્રેડરો ન શોધી કાઢીને કોર્પોરેશન ને ડેરી અને દવાની દુકાન સહિત તમામ દુકાનો ૭ મેથી એક અઠવાડીયા સુધી કરાવી દીધી છે. બુધવારે આ તમામ શંકાસ્પદ લોકોને પરિક્ષણ કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન શહેરને સંંપૂર્ણ લોકડાઉન જાહેર કરી દેવાયું છે.

કોર્પોરેશને પણ શહેરના દરેક ધંધાર્થીઓ, દુકાનદાર અને સુપર માર્કેટના સંચાલકોને તેમના વોર્ડમાંથી હેલ્થ કાર્ડ મેળવી પરિક્ષણો કરાવવા હિમાયત કરી છે.

અમદાવાદ શહેર અને જીલ્લા પ્રસાશને ચેપ ફેલાવનારોઓને શોધીને બજારો ખુલે તે પહેલા કોરોનટાઇન કરીને વધુ સંક્રમણ ફેલાવતા અટકાવવાની રણનીતી કરીછે. સંક્રમીત ફેરીયાઓ, દુકાનદારો, સુપર માર્કેટ તરીકની ભુમિકાનો નિમિત ન બને તે માટે સરકારે આગોતરુ આયોજન કરીને સુપર સ્પેડરોની વ્યાપકતાનું અભિયાન અમદાવાદમાં શરુ કર્યુ છે.

આઈસીએમઆરની નવી ગાઈડલાઈન જાહેર: ૧૦ દિવસની સારવાર બાદ પોઝીટીવ દર્દીને ડિસ્ચાર્જ કરાશે

દેશભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આઈસીએમઆર દ્વારા એક નવી ગાઈડલાઈન રજુ કરવામાં આવી છે જેમાં કોરોના વાઈરસનાં એસિમ્પ્ટોમેટીક અને સામાન્ય લક્ષણો ધરાવતા પોઝીટીવ દર્દીઓને ૧૦ દિવસની સારવાર બાદ આરટી-પીસીઆર ટેસ્ટ કર્યા વિના ડિસ્ચાર્જ કરી હોમ કોરોન્ટાઈન કરવામાં આવશે. આ પોલીસી જાહેર થયાના બીજા દિવસે રાજકોટ શહેરમાં આઈસોલેશન વોર્ડમાં સારવાર લેતા ૧૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરી હોમ કોરોન્ટાઈન કરવામાં આવશે. ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા નવી રીવાઈઝડ ડિસ્ચાર્જ પોલીસીની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતનો અમલ થતા જ પોઝીટીવ દર્દીઓ માટે ખુશીનાં સમાચાર સમાન બની રહેશે. આઈસીએમઆરની ગાઈડલાઈન મુજબ કોઈ કોરોના પોઝીટીવ દર્દીઓમાં વાઈરસનાં વધારે લક્ષણો ન જણાતા હોય અને દર્દીએ ૧૦ દિવસથી પણ વધુ આઈસોલેશન વોર્ડમાં સારવાર લીધી હોય તેવા પોઝીટીવ દર્દીઓને  ટેસ્ટ વિના જ ડિસ્ચાર્જ કરી હોમ કોરોન્ટાઈન કરવામાં આવશે. આવા દર્દીઓને રજા મળ્યા બાદ તબીબી બાબતો અંગે ચેક કર્યા બાદ તેને સાવચેતીનાં પગલા અને સંક્રમણ અંગેના ભયસ્થાનો સમજી રહેવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.