એચએલએલ લાઈફ કેર કંપનીએ કોરોના વાયરસની એન્ટીબોડી કિટ બનાવી

કોરોના વાયરસ સામે લડવામાં મળશે મદદ:કિટની મદદથી દર્દીના સીરમ, પ્લાઝમા અને લોહીની તપાસ કરી શકાશે

આખી દુનિયા કોરોના સંકટ સામે લડી રહી છે. અને કેટલાય લોકોના જીવ લીધા છે. અને શકિતશાળી દેશોને પણ ઘૂંટણીયે પાડી દીધા છે. ત્યારે આ વાયરસ સામે લડવા માટે ભારતની એક કંપની એચએલએલ લાઈફકેર કંપનીએ કોરોના વાયરસની એન્ટીબોડી કિટ બનાવવામાં સફળતા મેળવી છે. આ કિટથી કોરોના સામે લડવામાં મદદ મળશે.આ કિટને નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ વાયરોલોજી તરફથી માન્યતા મળી ગઈ છે. સમાચાર એજન્સીનાં જણાવ્યા મુજબ આ કિટના વપરાશ માટે મંજૂરી આપવામાં આવી છે. કિટની મદદથી દર્દીના સીરમ, પ્લાઝમા અને લોહી લઈ એન્ટીબોડીની તપાસ કરવામાં આવશે. એચએલએલ લાઈફકેર કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ કામ કરે છે.

તમને એ જણાવીએ કે એન્ટીબોડી લોહી તપાસ કીટનો સામાન્ય રીતે દર્દીના લોહીની તપાસ માયે ઉપયોગ કરાય છે. આ ટેસ્ટથી દર્દીનું પરિણામ ૧૫ થી ૨૦ મિનિટમાં આવી જાય છે.આમાં દર્દીની આંગળીમાં સોય ભરાવી લોહી કાઢી નમુનો લેવાય છે. લોહીમાં કોરોના વાયરસ સામે લડનારા એન્ટીબોડી છે કે નહી?કામ કરે છે કે નહી તેની તપાસ કરવામાં આવે છે.

જે દર્દીમાં કોરોના વાયરસની શરૂઆતના લક્ષણો દેખાતા હોય તેના માટે આ ટેસ્ટ ખૂબજ મદદરૂપ થાય છે. જોકે રેપીડ એન્ટીબોડી ટેસ્ટથી જાણી શકાતું નથી કે તમને કોરોનાનો ચેપ લાગ્યો છે કે નહી? પણ આ ટેસ્ટથી કોરોના કયા વિસ્તારમાં સૌથી ઝડપથી વધી રહ્યો છે તે જાણી શકાશે.જો દર્દીનો રેપીડ એન્ટી બોડી લોહી ટેસ્ટ નેગેટિવ આવે ત્યારબાદ તેનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે. અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવે તો દર્દીના પ્રોટોલેલ મુજબ આઈસોલેશનમાં રાખીને તેનો ઈલાજ કરવામાં આવે છે. સાથોસાથ તેના સંપર્કમાં આવેલા તમામ લોકોની શોધખોળ પણ કરવામાં આવે છે.

Loading...