Abtak Media Google News

તમને બધાને ખબર છે મને નાનુ તો ફાવતુ નથી, જોવો હમણા થયું ને મોટુ: પાકિસ્તાન સામે ગર્ભિત રીતે નિશાન તાકતા વડાપ્રધાન

જો રાફેલ હોત તો આપણુ એકય જેટ ક્ષતિગ્રસ્ત ન થાત અને પાકિસ્તાનનું એકય જેટ બચ્યુ ન હોત

જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિવિધ વિકાસલક્ષી કામોનો શુભારંભ: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓની વિશાળ ઉપસ્થિતિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે જામનગર ખાતે વિવિધ વિકાસલક્ષી કામોનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અન્ય રાજકીય પક્ષોને ટોણો મારતા કહ્યું હતું કે, તેમનો મંત્ર મોદીને ખતમ કરવાનો છે જયારે મોદીનો મંત્ર આતંકવાદને ખતમ કરવાનો છે. વધુમાં તેઓએ પાકિસ્તાન સામે ગર્ભીત રીતે નિશાન તાકતા એવું પણ કહ્યું કે, તમને બધાને ખબર જ છે કે, મને નાનુ તો ફાવતું નથી, હમણા જે કર્યું તે મોટુ જ હતું’ને. વડાપ્રધાનના આ વિધાનને લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવ્યું હતું.Hon. Pm Hon Cm And Dy. Cm Visit Hospital At Jamnagar Dt. 04 03 2019 14

જામનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રણજીત સાગર તથા જળાશયમાં નર્મદા નીરના વધામણા કર્યા હતા. દરિયાના પાણીમાંથી રોજ ૧૦ કરોડ લીટર શુદ્ધ પાણી મેળવવા માટે ૮૦૦ કરોડના ખર્ચે જોડીયા ખાતે સ્થપાનાર ડીસેલીનેશન પ્લાન્ટના કામનો શુભારંભ કર્યો હતો. સાથે ઉંડ-૩થી વેણુ-૧ પાઈપ લાઈનના કામનો શુભારંભ, રૂ.૭૧ કરોડના ખર્ચે નવનિર્મિત ૭૦૦ પથારીની સુવિધાવાળી ગુરુગોવિંદસિંહ મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ તથા રૂ.૨૪ કરોડના ખર્ચે એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજમાં ૨૪૦ રૂમની પીજી હોસ્ટેલનું લોકાર્પણ, જામનગર મહાપાલિકા હેઠળના આજી-૩થી ખીજડીયા સુધીની ૫૧ કિ.મી.ની પાઈપ લાઈનનું લોકાર્પણ, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જામનગર મનપાના ૪૪૮ તેમજ જાડા વિસ્તારના ૧૦૦૮ આવાસોનું લોકાર્પણ અને ૧૦૦૦ની ક્ષમતાવાળી કુમાર અને ક્ધયા સમરસ હોસ્ટેલનું લોકાર્પણ કર્યું હતું.

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સંબોધન આપતા જણાવ્યું હતું કે, તેઓ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે દેશભરના સીએમની જે બેઠકો યોજાતી તેમાં કહેતા કે, અમારા રાજય પાસે ખાણ-ખનીજોનો ભંડાર નથી પાણી પણ નથી,માથે દૂષ્કાળની સ્થિતિ પણ સર્જાઈ છે. જો ઈશ્વરે પાણીની સુવિધા કરી હોત તો ગુજરાત એટલું તાકાતવર બનત કે આખા વિશ્વને જયાં ધારે ત્યાં લઈ જઈ શકત.Dsc9485

ગુજરાતનું બજેટ પાણી પાછળ જ ખર્ચાઈ છે. આમ તેઓ પોતાના પ્રશ્ન વર્ણવતા પરંતુ કોઈને પણ ગુજરાતમાં પાણીની આ મોટી સમસ્યા પર વિશ્વાસ આવતો ન હતો. પરંતુ અંતે રાજય સરકારે પરિશ્રમની પરાકાષ્ટા સર્જીને તેવું સાબીત કરી બતાવ્યું કે ગુજરાતમાં ખરેખર દમ છે. આજે ગુજરાતના ખુણે ખુણે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. કચ્છ ખાતે આવેલી ભારતની સરહદ પર ફરજ બજાવતા સૈનિકો પણ નર્મદાનું તાજુ પાણી પી શકે છે.

વડાપ્રધાને કહ્યું કે, સરદાર સરોવર ડેમના નિર્માણમાં ઘણી રૂકાવટો આવી છે. આજથી ૪૦ વર્ષ પહેલા નર્મદાનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું હોત તો ૪૦ વર્ષ ગુજરાતને પાણી માટે તડપવું પડયું ન હોત. નરેન્દ્ર મોદીએ ઉમેર્યું કે, તેઓએ રાજકોટ ખાતે સૌની યોજનાની કલ્પના પહેલીવાર લોકો સમક્ષ મુકી હતી ત્યારે આ એક તે કલ્પનાને ચૂંટણીલક્ષી ગણાવવામાં આવી હતી. બધા કહેતા કે આ કલ્પના શકય નથી પરંતુ આજે આ સૌની યોજનાએ રાજયના ખુણે-ખુણે નર્મદાનું પાણી પહોંચાડયું છે.Dsc9536

પહેલા એક વૈદ્યરાજ હોય તો આખુ ગામ સ્વસ્થ રહેતુ પરંતુ આજના જમાનામાં ડાબી આંખનો અલગ અને જમણી આંખનો અલગ ડોકટર હોય છે ત્યારે હાલના જમાનામાં સ્પેશ્યાલીટી પર વધુ ભાર મુકાયો છે. સમયની સાથે લોકોને યોગ્ય સારવાર મળી રહે તે માટે રાજય સરકારે તેમજ કેન્દ્ર સરકારે અનેકવિધ અત્યાધુનિક હોસ્પિટલોનું નિર્માણ કર્યું છે. વડાપ્રધાને આયુષ્માન ભારત યોજના વિશે કહ્યું કે, અમેરિકા, કેનેડા અને મેક્સિકોની જેટલી જનસંખ્યા છે તેનાથી વધારે તો આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓની સંખ્યા છે. આમ વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના આયુષ્માન ભારત છે.

વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મહાત્મા ગાંધી જયારે કુંભના મેળામાં ગયા હતા ત્યારે તેઓએ મેળાને સ્વચ્છ બનાવવાની ઈચ્છા વ્યકત કરી હતી જે ઈચ્છા એક પણ સરકારે ૧૦૦ વર્ષ સુધી પૂર્ણ કરી ન હતી. અંતે તેઓએ આ વખતેનો કુંભમેળો સ્વચ્છ રીતે કરી બતાવ્યો છે. વધુમાં તેઓએ કોંગ્રેસ સામે નિશાન તાકતા કહ્યું કે, પ્રધાનમંત્રી સન્માનનિધિ યોજનાની જાહેરાત થઈ એટલે એવું કહેવામાં આવ્યું કે, આ જાહેરાત તો ચૂંટણીલક્ષી છે જો કે, દરેક જાહેરાતો ચૂંટણીલક્ષી જ ગણવામાં આવે છે.

Rjt 5534

હકીકતમાં કોંગ્રેસની કર્જમાફીની યોજનામાં ૧૦૦માંથી માત્ર ૨૦ ખેડૂતો ને લાભ મળતા કેન્દ્ર સરકારની યોજનાથી ૯૦ ટકા ખેડૂતોને લાભ મળે છે. હાલની કેન્દ્ર સરકારે ખેડૂતોની જેમ જ પશુપાલકો અને માછીમારોને સસ્તા વ્યાજદરે લોન ઉપલબ્ધ કરાવી છે. પહેલીવાર માછીમારો માટે અલગ મંત્રાલય તેમજ આદિવાસી માટે અલગ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, દરેક પરિવારને ૨૦૨૨ સુધીમાં ઘરનું ઘર મળી રહેશે. દેશમાં ૨૦૨૨ સુધીમાં કોઈ નાગરિક એવો નહીં હોય કે જેની પાસે પોતાનું ઘર નહીં હોય. તેઓએ લઘુ ઉદ્યોગો વિશે કહ્યું કે,લઘુ ઉદ્યોગોની સરળતા માટે સરકારે અનેક પગલા લીધા છે. માત્ર ૫૯ મીનીટમાં લઘુ ઉદ્યોગોને એક કરોડ સુધીની લોન મળતી થઈ છે. અગાઉ જે કટકી થતી તે કટકી ઓનલાઈન પ્રોસેસ થકી બંધ થઈ જવા પામી છે. જામનગર અને રાજકોટ સહિતના નાના સેન્ટરોના લઘુ ઉદ્યોગો આ યોજનાનો ભરપુર લાભ લઈ રહ્યાં છે.

જામનગર ખાતેના આજના આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, મનસુખભાઈ માડવીયા, આર.સી.ફળદુ, ઈશ્વરભાઈ પરમાર, કુંવરજીભાઈ બાવળીયા, પરબતભાઈ પરમાર, વિભાવરીબેન દવે, પુનમબેન માડમ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પબુભા માણેક, હસમુખભાઈ જેઠવા, ચંદ્રેશભાઈ પટેલ અને હસમુખભાઈ હિંડોચા ઉપસ્થિત રહ્યાં હતા.

શિવરાત્રીએ સૌરાષ્ટ્રની ધરતી પર નર્મદા નીરનો અભિષેક: મુખ્યમંત્રી

દરિયાના ખારા પાણીને મીઠા કરવાના પ્રોજેકટનો આજથી પ્રારંભ: વિજય રૂપાણીRjt 5386

જામનગર ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અલગ-અલગ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, દુશ્મનો પર બીજી સર્જિકલ સ્ટ્રાઈક કર્યા બાદ પ્રથમ વખત વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓનું ઉષ્માભેર સ્વાગત કરીએ છીએ. આજે શિવરાત્રીનો પાવન તહેવાર છે.

ત્યારે સૌરાષ્ટ્રની ધરતી પર નર્મદાના નીરથી અભિષેક થઈ રહ્યો છે. નર્મદાનું પાણી સૌરાષ્ટ્રની ફળદ્રુપ જમીનને તૃપ્ત કરવા માટે અવતરણ થયું છે. વડાપ્રધાને છેલ્લા પાંચ વર્ષમાં તમામ લોકોનું ધ્યાન રાખતી યોજના મુકી છે. આયુષ્માન ભારત યોજના થકી લોકોના આરોગ્યની ખેવના કરી છે.

તો ખેડુતોને જણસીના ટેકાના ભાવમાં વધારો કરી મોટી ભેટ આપી છે. આજથી ગુજરાતમાં જોડિયા ખાતેથી દરિયાના ખારા પાણીને મીઠા કરવાના પ્રોજેકટનો પ્રારંભ થયો છે. રોજનું ૧૦ કરોડ લીટર દરિયાનું પાણી મીઠું કરવામાં આવશે. સૌરાષ્ટ્રના દુષ્કાળને ભુતકાળ બનાવી દેવાનો સરકારનો લક્ષ્યાંક છે અને આ દિશામાં રાજય સરકાર મકકમતાથી કામ કરી રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.