Abtak Media Google News

ગુજરાતમાં મેડિકલ ક્ષેત્રે પ્રવેશ માટે રાજ્યના ડોમિસાઈલ એટલે કે નિવાસી હોય તેવા વિદ્યાર્થીઓ માટે 85 ટકા બેઠકો અનામત રાખવા રાજ્ય સરકારે ઘડેલા નિયમને રદ કરવા ગુજરાત હાઈકોર્ટે સોમવારે સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. આનાપગલે ગુજરાતના ડોમિસાઈલ હોય તેવા વિદ્યાર્થીઓને મેડિકલમાં પ્રવેશ બાબતે મોટી રાહત સાંપડી છે.

ગુજરાત સરકારના આ નિયમને રદ કરવા સીબીએસઈના વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને તેમાં માગ કરાઈ હતી કે ગુજરાત બોર્ડમાં ધોરણ 12 કર્યું હોય તેવા વિદ્યાર્થીઓને મેડિકલમાં પ્રવેશમાં 85 ટકા જેટલા મોટા ક્વોટાનો લાભ આપવાથી તેમના પાલ્ય ગુજરાતના નિવાસી હોવા છતાં મોટો ગેરલાભ થાય છે. આથી આ કાયદો રદ કરવો જોઈએ.

ડોમિસાઈલના ગુજરાત સરકારના નિયમને યોગ્ય ઠેરવવાની સાથે-સાથે હાઈકોર્ટે સોમવારે તેના શકવર્તી ચુકાદામાં એમ પણ કહ્યું હતું કે, મેડિકલમાં ડોમિસાઈલનો લાભ લેવા જે-તે વિદ્યાર્થીએ ફક્ત ધો. 12 જ નહીં પરંતુ ધો. 10 પણ ગુજરાતની અંદર ગુજરાત બોર્ડમાં જ કરેલું હોવું જોઈએ તેવો નિયમ પણ યોગ્ય જ છે. અલબત્ત કોઈ અગમ્ય કારણસર ગુજરાતના ડોમિસાઈલ હોય તેવા વિદ્યાર્થીએ ધો. 10 ગુજરાત બહાર કર્યું હોય તે તે સંજોગોમાં આવા વિદ્યાર્થીઓને મેડિકલમાં પ્રવેશ અંગે યોગ્ય નિર્ણય આજના દિવસમાં જ લેવા હાઈકોર્ટે ગુજરાત સરકારને આદેશ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.