Abtak Media Google News

હાઈકોર્ટમાં કરાયેલી પીટીશનમાં નીચલી કોર્ટના ચુકાદાને પડકારાયો હતો: આ કેસમાં નીચલી કોર્ટ વધુ તપાસ માટે કરી શકે આદેશ

ગોધરાકાંડ બાદ થયેલા તોફાનો મામલે નરેન્દ્ર મોદીને મળેલી કલીનચીટને પડકારતી પીટીશન હાઈકોર્ટે રદ્દ કરી નાખી છે. હાઈકોર્ટે આ મામલે નીચલી કોર્ટ વધુ તપાસ માટે આદેશ કરી શકે છે તેવું કહ્યું છે.આ પીટીશન તોફાનોમાં માર્યા ગયેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીની પત્ની જાકીયા જાફરીએ કરી હતી. આ અંગે સુનાવણી ગઈ ત્રણ જુલાઈએ પૂરી થઈ ગઈ હતી. જયારે આજે હાઈકોર્ટે આ મામલે ચુકાદો આપતા પીટીશન રદ્દ કરી નાખી હતી. રિવ્યુ પીટીશન દાખલ કરવામાં તિસ્તા સેતલવાડ સામેલ હતી.હાઈકોર્ટમાં કરવામાં આવેલી પીટીશનમાં નીચલી કોર્ટના ચુકાદાને પડકારવામાં આવ્યો હતો. આ ચુકાદો સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (એસઆઈટી)એ કરેલી તપાસના આધારે આપવામાં આવ્યો હતો. જેમાં મોદી સહિત ૫૬ લોકોને કલીનચીટ આપવામાં આવી હતી. પીટીશનમાં આક્ષેપ કરાયો હતો કે, તોફાનો પાછળ મોટું કાવતરુ ઘડવામાં આવ્યું હતું.હાઈકોર્ટમાં કરાયેલી પીટીશનને રદ્દ કરાયા બાદ હવે નીચલી કોર્ટ તપાસ માટે આદેશ કરી શકે છે.ગુજરાત હાઈકોર્ટે મોટા કાવતરાને માનવાનો ઈન્કાર કરીને જાકીયા જાફરીની અરજી રદ્દ કરી છે.આ તોફાનમાં ૫મે ૨૦૧૧ના રોજ રામચંદ્રનને જાકીયાની અરજી બાબતે સીટે રજૂ કરેલા અહેવાલ અંગે તપાસ કરવા નિર્દેશ કર્યો હતો. ૨૬ જુલાઈ ૨૦૧૧ના રોજ તપાસનો રીપોર્ટ રજૂ કરાયો હતો. ૨૮ જુલાઈ ૨૦૧૧ના રોજ સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. બાદમાં સુપ્રીમ કોર્ટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને કલીનચીટ આપી હતી. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ જાકીયા જાફરીએ હાઈકોર્ટનું શરણુ લીધું હતું.સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમે તપાસ બાદ મોદીને કલીનચીટ આપી હતી ત્યારે જાફરીએ સીટના કલોઝર રીપોર્ટને હોઈકોર્ટમાં પડકાર્યો હતો. સીટે તેનો રિપોર્ટ મેટ્રોપોલીટીન કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો.જયાં તેને માન્ય રખાયો હતો. જાકીયાએ આ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આ અંગે આખરે સુનાવણી થઈ છે અને જાફરીની પીટીશન હોઈકોર્ટે રદ્દ કરી નાખી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.