Abtak Media Google News

ઈડીપી શાખામાં ૨ જગ્યાઓ માટે આવી ૭૦૦ અરજીઓ: આસિસ્ટન્ટ લાઈબ્રેરીયનની એક જગ્યા માટે ૨૦૦ ઉમેદવારો: રવિવારે પરીક્ષા

રાજય સરકાર ગુજરાતમાં બેકારી ન હોવાની અને પોતે રોજગારીની અનેક તકો ઉભી કરી હોવાની ડંફાશો હાંકવામાંથી નવરી થતી નથી. બીજી તરફ નરી વાસ્તવિકતા એ છે કે શિક્ષિત યુવાનો રોજગારી માટે રિતસર ભટકી રહ્યા છે. જેનો બોલતો પુરાવો એ છે કે મહાપાલિકામાં અલગ-અલગ બે વિભાગમાં ખાલી પડેલી ત્રણ જગ્યાઓ માટે તાજેતરમાં મંગાવવામાં આવેલી અરજીમાં ૯૦૦ જેટલા ઉમેદવારોએ અરજી ભરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેની આગામી રવિવારે પરીક્ષા લેવામાં આવશે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ, મહાપાલિકાની ઈડીપી શાખામાં સિસ્ટમ એનાલીસીસની એક જગ્યા ભરવા માટે અરજી મંગાવવામાં આવી હતી. જેમાં ૨૫૦ જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે તો ઈડીપી શાખામાં ઈલેકટ્રોનીક મેનેજરની જગ્યા માટે અધધ કહી શકાય એટલા ૪૫૦ જેટલા ઉમેદવારોએ અરજી ભરી છે. જયારે આસીસ્ટન્ટ લાઈબ્રેરીયનની એક જગ્યા માટે પણ ૨૦૦ જેટલી અરજીઓ આવી છે. ત્રણ ખાલી જગ્યા ભરવા માટે ૯૦૦ થી વધુ ઉમેદવારોએ અરજી કરતા હવે આગામી રવિવારના રોજ સવારે અને બપોરે એમ બે શીફટમાં શહેરના ગોંડલ રોડ પર આવેલી પીડીએમ કોલેજ ખાતે પરીક્ષા લેવામાં આવશે. ત્યારબાદ મેરીટના આધારે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે મહાપાલિકા દ્વારા અલગ-અલગ શાખાઓમાં ખાલી પડેલી જુનિયર કલાર્કની ૭૫ જેટલી જગ્યા ભરવા માટે અરજી મંગાવવામાં આવી હતી. જેમાં ૭૫ જગ્યાઓ માટે ૭૦ હજારથી પણ વધુ ઉમેદવારોએ અરજી કરી હતી. જોકે ૭૫ જુનિયર કલાર્કની ભરતી બાદ હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવતા આ ભરતી પ્રક્રિયા પર બ્રેક લાગી જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.