Abtak Media Google News

એક દુ:ખી શિક્ષકની વેદના

કોરોના મહામારીના કારણે માર્ચ ૨૦થી શાળાઓ બંધ છે, હજસ કયારે ખુલશે તે નકકી નથી. ગત ૨૦૧૯-૨૦નું બીજું સત્ર તથા ૨૦૨૦-૨૧નું જૂન ૨૦થી શરૂ થતું પ્રથમ શૈક્ષિણકસત્રને હવે દિવાળી વેકેશન પણ આવી ગયું છે. શાળાઓ બંધ છે. પણ સરકારી શાળાના શિક્ષકોને શાળામાં આવવાનું કે તેને અન્ય કામગીરીમાં જોતરવામાં આવે છે. તેની સાથે ઓનલાઇન કામગીરી તો કરવાની જ છે. બધા શિક્ષકો નોકરી છે તેમ મળીને સતત કાર્યમાં નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહ્યા છે. હાલમાં શિક્ષકોને લાંબી લચક કામગીરી અપાઇ છે, ત્યારે શિક્ષકો પણ તેની મુશ્કેલીને વાચા આપે છે પરંતુ જાયે તો જાયે કહાં?

શિક્ષકોને અપાતી અઢળક કામગીરીમાંથી કોઈક તો બચાવો.! શાળાઓ બંધ છે શિક્ષણ નહિ, વર્ચ્યુઅલ માધ્યમથી સતત અવિરત વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યા છે છતાં અન્ય અનેક પ્રકારની કામગીરી શિક્ષકો પર થોપતું તંત્ર

અત્યારે તંત્ર દ્વારા શિક્ષકને પાંચ કામગીરી સોંપવામાં આવેલ છે, નિષ્ઠા તાલીમ બાયસેગમાં ફરજીયાત લેવી. નોડલ ટીચરને રમત ગમતની ઓનલાઈન તાલીમ લેવી. વિષય શિક્ષકે પોતાના વિષયની તાલીમ લેવી. કોવિડ – ૧૯ અંતર્ગત ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી કરવી.દરેક બાળકે લખેલી ચાર ચાર વિષયની એકમ કસોટીનું સ્કેનિંગ કરી ફોટા સરલ ડેટા માં અપલોડ કરવા આ પાંચ પાંચ કામગીરી કેવી રીતે કરવી? એમાં શિક્ષકો ચકરાવે ચડી ગયા છે.

હાલ કોરોના મહામારીના કારણે શાળા બંધ છે પણ શિક્ષણ તો સતત અવિરત ચાલુ જ છે, શિક્ષકો દ્વારા ઓનલાઈન શિક્ષણ, માઈક્રોસોફ્ટ ટીમસના માધ્યમથી પિરિયડ લેવા, દુરદર્શનના માધ્યમથી વિદ્યાર્થીઓ જે શીખી રહ્યા છે એનું ફોલો અપ લેવું, જી.સી.આર.ટી. ગાંધીનગરથી દરરોજ આવતું હોમ લર્નિંગ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવું, ચેક કરવું, ઉપચારાત્મક કાર્ય કરાવવું, દરરોજ દરેક વિદ્યાર્થીઓનો ટેલિફોનિક સમ્પર્ક કરી એમના શિક્ષણ કાર્યની નોંધ લેવી, વાલીઓને ભલામણ કરવી, દર મહિને આવતી ચાર ચાર એકમ કસોટીઓ બાળકો સુધી પહોંચાડવી, પરત લઈ તપાસવી, દરેક બાળકોની તમામ વિષયની એકમ કસોટી ચેક કરી દરેકના પોતાના મોબાઈલમાં ફોટા પાડી સ્કેનિંગ કરી સરલ ડેટા એપ્લિકેશનમાં ઓનલાઈન ફોટા અપલોડ કરવા, ઘરે શીખીએ બુક સી.આર.સી. કક્ષાએથી લઈ વિદ્યાર્થીઓને ઘરે ઘરે પહોંચાડવી લખેલી બુક પરત મેળવી તપાસવી અને અધ્યયન નિષ્પતી પ્રમાણે બાળકોએ મેળવેલ સિદ્ધિ ઓનલાઈન કરવી, આવી અનેકવિધ શૈક્ષણિક કામગીરીની સાથે સાથે શિક્ષકોને સતત પોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરેલ દીક્ષા એપમાં અનેકવિધ જેવી કે નિષ્ઠા તાલીમ સતત અઢાર દિવસ સુધી અઢાર મોડ્યુલ પૂર્ણ કરવા, ગણિત, વિજ્ઞાન વિષયની તાલીમ, ભાષાની તાલીમ, સામાજિક વિજ્ઞાનની દરેક શિક્ષકોની વિષય તાલીમ કોવિડ-૧૯ ની તાલીમ, ફિટ ઇન્ડિયા માટેની ટ્રેનિંગ, ગુણોત્સવ ટ્રેનિંગ, હોમ લર્નિંગ માટેની ટ્રેર્નીગ, હેન્ડ વોસ ટ્રેનિંગ, પ્રજ્ઞા તાલીમ, નવી શિક્ષણનીતિ કોંફરન્સ બાયસેગ પર નિહાળવી, બાળકો પાસે વિવિધ પ્રકારની સ્પર્ધા જેવી કે ચિત્ર સ્પર્ધા, ફોટોગ્રાફી સ્પર્ધા, આટ આટલી કામગીરી શિક્ષકો કરતા હોવા છતાં તંત્રને એમ છે કે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો સાવ નવરા છે એટલે કોવિડ -૧૯ ની અનેક પ્રકારની ચિત્ર વિચિત્ર કામગીરી શિક્ષકોને સોંપે છે જેમકે વિદ્યાર્થીઓને અનાજ વિતરણ કરવું, ફૂડ સિકીયુરિટી ગ્રાન્ટ વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાવવી ફકટો પાડવો.

ઘરે ઘરે ફરી રેપીડ સર્વે કરવો બી.પી.એલ. જનધન ખાતાઓમાં રૂપિયા ૧૦૦૦ જમા કરવા માટે શિક્ષકોને ઘરે ઘરે ફરી ૬૦૦ – ૭૦૦ ઘરો માત્ર અઠવાડિયામાં ફરીને આધારકાર્ડ, બેંક ખાતા નંબર, રેશનકાર્ડ વગેરે લઈને મામલતદાર કચેરીએ પહોંચાડવા, સસ્તા અનાજની દુકાને અનાજ વિતરણ કરાવવું, દરરોજ ૧૦૦ ૧૦૦ ઘર ફરીને ઘરના દરેક વ્યક્તિના પુરા નામ લખવા, ઉંમર લખવી, ઓક્સિજન લેવલ, ટેમ્પરેચર માપવું, ડાયાબિટીસ, બી.પી.ની બીમારીની વિગત, ઉંમર, સંપર્ક નંબર વગેરે માહિતીનું રજીસ્ટર બનાવી દરરોજ જે તે ઘરની મુલાકાત લઈ તાવ, ખાંસી, કળતરની માહિતી મેળવવી, કોરોનાના લક્ષણ જણાય તો ધનવંતરી રથમાં મોકલવા, દરરોજ સુપરવાઈઝરને પત્રકનું રિપોર્ટિંગ કરવું વગેરે કામગીરીથી શિક્ષકો ત્રસ્ત, હેરાન, પરેશાન થઈ ગયા છે. દરરોજ ઘરોની મુલાકાત લેવાથી લોકો પણ વ્યવસ્થિત જવાબ નથી દેતા, અપમાનિત કરે છે, અધૂરામાં પૂરું બાકી રહી જતું હતું હવે ટેકાના ભાવે મગફળીની ખરીદીની કામગીરીમાં પણ શિક્ષકોને જોતરવામાં આવ્યા, આવી બધી અઢળક કામગીરીથી મુક્તિ આપવા શિક્ષકો આંતરનાદ કરી રહ્યા છે કે..”હે ભગવાન..! કોઈક તો શિક્ષકો સામું જુઓ, કોઈક તો શિક્ષકોને આમાંથી બચાવો..શિક્ષકનું શિક્ષકત્વ..બચાવો..!         – એક દુ:ખી શિક્ષકનો અવાજ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.