Abtak Media Google News

ભારે બરફવર્ષાના કારણે સફરજનના છોડવા મુળમાંથી ઉખડયા: કરોડો રૂપિયાના નુકસાનનો અંદાજ

જમ્મુ-કાશ્મીરમાં કમોસમી બરફવર્ષાને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. ઠેર-ઠેર બરફના થર જામતા સેંકડો લોકોનું રેસ્કયુ કરાયું છે. માનવજીવનની સાથે સાથે સફરજનના પાકને પણ ભયંકર નુકસાન થયું છે. કાશ્મીરના વખણાતા કાશ્મીરી સફરજનનો બહોળો જથ્થો બગડી ગયો છે. જેનાથી કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.

ખેત વિભાગના અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે, કાશ્મીરમાં સમય કરતા અગાઉ ભારે બરફવર્ષા થઈ છે. જેના કારણે સફરજનના ઝાડ પણ જમીનમાંથી ઉખડી રહ્યા છે. કુલગામ, પુલવામાં, શોપિયા, બાંદીપોરા અને બારામુલા જીલ્લાઓમાં સફરજનના બગીચા સૌથી પ્રભાવિત થયા છે અને અંદાજે પાંચ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

કમોસમી બરફવર્ષાએ કાશ્મીરમાં ગ્રામ્ય વિસ્તારોનું અર્થતંત્ર ભાંગી નાખ્યું છે. અબ્દુલ ગની મીર કે જે સફરજનના બગીચાના માલિક છે. તેઓએ કહ્યું કે, તમામ સફરજન બરફમાં દટાઈ ગયા છે. જેનાથી દરેક કિસાનને ૧૦ લાખ રૂપિયાનો ફટકો પડયો છે. સફરજન કરતા વધારે તો સફરજનના ઝાડવાને નુકસાન પહોંચ્યું છે. જેને ફરીથી બેઠા કરવામાં ૧૬ વર્ષ વીતી જશે.

અબ્દુલ મીરે વધુમાં જણાવતા કહ્યું કે, જો માત્ર સફરજનને જ નુકસાન નીવડયું હોત તો ટુંક સમયમાં તે ભરપાઈ થઈ શકત પરંતુ અહીં સફરજનના છોડવા જ નષ્ટ થઈ ગયા છે જે સૌથી વધુ કપરી સ્થિતિ છે. કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના જણાવ્યા અનુસાર કાશ્મીરમાં દર વર્ષે સફરજનનું ૫૦૦૦ કરોડનું ટર્ન ઓવર થાય છે ત્યારે આ વર્ષે ૨૦,૦૦૦ મેટ્રીક ટનનું ઉત્પાદન થયું છે. જેના ઘણાખરા ભાગને બરફવર્ષાએ નુકસાન પહોંચાડયું છે. જોકે, સદભાગ્યે સફરજનનો મોટાભાગનો પાક અગાઉથી જ ઉતારી લેવાયો હતો અને દેશભરની મંદી અને માર્કેટોમાં પહોંચાડી દેવાયો છે. તેમ છતાં ૫૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. આ નુકસાનીમાંથી બેઠા થવા માટે રાજય સરકાર સહાય કરે તેવી કિસાનો માંગ કરી રહ્યા છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.