Abtak Media Google News

હર્ડ એટલે ટોળુ કે સમુહ જેમાં વાયરસને ભગાડવાની તાકાત રહેલી છે

વૈશ્વિક કોરોના મહામારીને નાથવા મેડિકલ સાયન્સ દિવસ-રાત મહેનત કરી રહ્યું છે. લોકડાઉન- કામ ચલાવ દવા જેવા તમામ પાસાથી હાલમાં તેને નાથવાનો વૈશ્વિક પ્રયાસ થઈ રહ્યો છે. તમામ પગલા ભરવા છતાં દિન-પ્રતિદિન તેનાં કેસો વધતા જોવા મળે છે ત્યારે વિશ્વ લેવલે કોરોના ચિંતા અને ચિંતનનો વિષય બન્યો છે. હાઈડ્રોકસીકલોરોકિવન પ્રારંભે અસરકર્તા હતી આજે નથી તેમ વિશ્વ આરોગ્ય સંસ્થા જણાવે છે.

કોરોના મહામારીને નાથવા હમણાં એક નવો શબ્દ ચલણમાં અને તે છે હર્ડ ઈમ્યુનિટી. હર્ડ એટલે ટોળુ કે સમુહ અને ઈમ્યુનિટી એટલે રોગપ્રતિકારક શકિત. સરળ શબ્દોમાં અર્થ કરીએ તો ટોળાની રોગપ્રતિકારક શકિત. લોકડાઉન ત્યાં સુધી જ કારગત છે જયાં સુધી લોકો ઘરમાં છે એ જેવા બહાર નિકળશે ત્યારે ફરી સંક્રમણનું પ્રમાણ વધશે માટે તેનાથી હવે છુપાવવાની જરૂર નથી, તેનો સામનો વિશ્વએ કરવો જ પડશે. આજે વૈજ્ઞાનિકોમાં પણ બે મત જોવા મળી રહ્યા છે એક કહે છે લોકડાઉન તો બીજા કહે છે બધુ જ ખોલી દો અને તેજ રસ્તો છે કોરોનાને મારવાનો. લોકડાઉનના લંબાણથી દેશની અર્થવ્યવસ્થા બગડી જશે અને ખોલવાથી તેનાં દર્દીઓમાં વધારો આ બે વાત વચ્ચે દુનિયા કોરોના સામે લડાઈ લડી રહી છે.

દુનિયાને કોરોના વાયરસથી બચાવવા વૈજ્ઞાનિકો હવે હર્ડ ઈમ્યુનિટી અપનાવવાનું કહે છે. તેને કોરોના લડાઈનું બ્રહ્માસ્ત્ર ગણાવે છે પણ શોધ-સંશોધકોનાં મતે આ રસ્તો કરવો પડશે. તેનાથી નુકસાન વધુ છે, પણ જેમનામાં રોગપ્રતિકારક શકિત પ્રબળ છે તે તેની સામે એન્ટિબોડી બનાવશે તેથી આગળ જતા કંટ્રોલ કરવામાં સરળતા રહેશે. આ એક મેડિકલ સાયન્સની સૌથી જુની પઘ્ધતિ છે. સમુહની પ્રતિરોધક શકિત જે વાયરસને અંકુશમાં લાવીને ખાત્મો બોલાવશે. ભવિષ્યમાં લોકોને બચાવવા કોરોનાને જનસમુદાયમાં સંક્રમણ થવા દેવો જોઈએ જેથી જનસમુદાયમાં કોરોના વિરોધી પ્રતિકાર ક્ષમતા પેદા થાય જેવું વાયરસ વિરુઘ્ધ એન્ટિબોડી ઉત્પન્ન કરશે તો આપણને તેની વેકસીન બનાવવામાં સરળતા રહેશે. વૈજ્ઞાનિકોને રસી બનાવવા માટે આ એક જ રસ્તો દેખાય છે. જો આમ નહીં કરીએ તો કોરોના દુનિયાની અડધી જનસંખ્યાને ભયમાં મુકશે.

અમેરિકાનાં ન્યુયોર્ક શહેરમાં દર પાંચમાંથી એક વ્યકિત કોવિડ-૧૯નો ચેપ ધરાવે છે. ટુંકમાં જનસમુદાયમાં તે પ્રસરી ગયો છે તેથી ત્યાં હવે ફરી કોરોના મહામારી આવવાનું રોકવાનું સરળ બની ગયું છે. મોટાભાગનાં દેશોમાં વસ્તીના ૫ થી ૧૦ ટકા જ લોકો કોરોનાથી સંક્રમિત છે. વિશ્વ આરોગ્ય સંગઠને જણાવેલ કે રસી વિના હર્ડ ઈમ્યુનિટી મેળવવી અઘરી છે. આવામાં વાયરસથી બિમારી અને મૃત્યુ આંક વધવાની શકયતા વધી જશે. રોગપ્રતિકારક શકિત જે શરીરમાં વધુ છે તે શરીર રોગ સામે લડવા સક્ષમ બની જાય છે અને તે જલ્દી સાજો થઈ જાય છે. નિષ્ણાંતો એવું પણ માને છે કે હર્ડ ઈમ્યુનિટી મેળવવા લાંબો સમય લાગી શકશે.

ઈમ્યુનિટી રોગપ્રતિકારક શકિત દરેક શરીરમાં અલગ-અલગ જોવા મળે છે. આ સિસ્ટમ આપણા શરીરના રોગ સામે લડવાની સૈનિક ટુકડી છે. જે બહારથી શરીરમાં પ્રવેશતા દુશ્મનોને મારી નાખે છે પણ ઘણા વાયરસ, બેકટેરીયા એવા હોય કે એને ખબર નથી પડતી. આપણા સૈનિકો તેને ઓળખવામાં થાપ ખાય જાય છે. પરિણામે તે વકરી જાયને આપણા શરીરને નુકસાન પહોંચાડે છે. કોરોના વાયરસ કે એચઆઈવી વાયરસમાં આવું જ જોવા મળે છે. તેથી જ તેની વેકસિન શોધવામાં અડચણ આવે છે. આપણા પ્રતિકાર તંત્રનો મોટાભાગે લડાઈ લડીને ભગાડી દે જ છે પણ ઘણીવાર વાયરસમાં મ્યુટેશ (ભિન્નતા) જોવા મળતા તેનું કાર્ય કપરુ બની જાય છે. આપણું તંત્ર લડાઈ લડતા ઘણુ બધુ શીખી જાય છે. તે કોરોનાને ઓળખ્યા બાદ તેનો ખાત્મો કરીને જ નાખે છે. એન્ટી બોડી (પ્રતિ દેવ્ય) બનાવી જ લે છે. ટુંકમાં દરેકના શરીરમાં વાયરસને નાથવાની શકિત પડેલી હોય છે. હર્ડ ઈમ્યુનિટીમાં બે રીત જોવા મળશે એક તો મોટાભાગનાં લોકોને ચેપ લાગશે અને બીજુ કુદરતી રીતે જ તેનું શરીર એન્ટિ બોડી બનાવીને વાયરસ સામે લડશે. કોઈપણ રસી વિકસિત થશે તો પ્રથમથી જ આ તંત્રને તાલીમ આપી જ દેશે.

દરેક લોકોએ હવે શકિતશાળી બનવું પડશે. પોતાની અંદર રોગપ્રતિકારક શકિત વિકસાવો અને રસી શોધવાને વાર છે ત્યારે કોરોનાના ચેપને ફેલાવવા દો જેથી તેમનામાં આપો આપ રોગ પ્રતિકારક શકિત વિકસી જશે. ટુંકમાં જેનામાં શકિત હશે તે બચશે-ટકશે અને નહીં હોય તે ટકી શકશે નહીં. આમ થવાથી વાયરસ આપોઆપ નાશ પામશે. આપણે કોરોના સામે લાંબી લડાઈ લડવાની છે. રસી શોધાય જાય તો કોઈ પ્રશ્ર્ન જ નથી. આપણે મેલેરિયા, એચઆઈવી, કેન્સર, ઝીંકા વાયરસ, સાર્સ, એન્થ્રેકસ, પોલિયો, શિતળા, બર્ડ ફલુ જેવી અનેક સમસ્યાનો સામનો કર્યો જ છે. હર્ડ ઈમ્યુનિટી કુદરતમાં રહેલ વાયરસનો નાશ નથી કરી શકતી પણ વાયરસને ફેલાતો ચોકકસ અટકાવે છે. આ સિસ્ટમમાં જે લોકો નબળા છે તેનો પણ બચાવ થઈ શકશે. ઘણીવાર તમે જોવું હશે કે એક કુટુંબમાં બધા જ સભ્યોમાંથી એક-બે જ વારંવાર માંદા પડતા હશે. ટુંકમાં શકિત હોય અને રોગપ્રતિકારક શકિત ન હોય તે બન્નેને બચાવવાની વાત છે.

હર્ડ ઈમ્યુનિટી જ કોરોના સામેનો રામબાણ ઈલાજ છે. !!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.